રસોઈની જ નહીં, સ્વરક્ષણની બારાખડી પણ શીખવી જરૂરી

'સેલ્ફ ડિફેન્સ તો દરેક ફિલ્ડમાં જરૂરી છે.

ફેમિલી ઝોન – હેતલ રાવ

દેશમાં જે પ્રમાણે બળાત્કાર અને મહિલાઓની છેડતીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે તે જોતા લાગે છે કે હવે મહિલાઓએ પોતે જ પોતાની મદદ કરવી પડશે. કોઈ આવે અને તેમને બચાવે એવી આશા કરતાં સેલ્ફ ડિફેન્સના પાઠ ભણી ગુનેગારોને પોતાની સાચી ઓળખ આપવાનો સમય હવે આવી ગયો છે.

દિલ્હી જેવા મેટ્રો સિટીમાં ગાર્ગી કામ કરતી હતી. માટે વિચારો તો તેના સ્વતંત્ર હતા જ સાથે તે મોડર્ન પણ હતી. રોજના સમય પ્રમાણે તે પોતાની ઑફિસનું કામ પૂર્ણ કરી રાત્રીના આઠ કલાકે ઘરે જવા નીકળી, પરંતુ કોઈ કારણોસર બસ ન મળતાં રાત્રે ઘણુ મોડું થઈ ગયું. ટેક્સી લેવા માટે તે આગળ વધી ત્યાં તેનું ધ્યાન ગયું કે ત્રણ યુવકો તેનો પીછો કરી રહ્યા છે. તેણે પોતાની ઝડપ વધારી ત્યાં તો યુવકોએ તેને દોડી આવીને ઘેરી લીધી. ત્રણે મવાલી યુવકો ખરાબ નજરે તેને જોઈ રહ્યા હતા. ત્યારે ગાર્ગીએ તેમને એટલું જ કહ્યું કે જવા દો મને, નહીંતર જે થશે તેના જવાબદાર તમે જ હશો. નરાધમો હસી રહ્યા હતા. ગાર્ગીએ પોતાનું પર્સ સાઇડમાં મુકીને કરાટેના ત્રણ જ પંચમાં ત્રણેયને ભોંય ભેગા કરી દીધા. હજુ તેઓ ઊભા થાય તે પહેલાં જ ગાર્ગી ત્યાંથી ભાગી નીકળી. તે પોતાની જાતને બચાવવામાં સફળ રહી, કારણ કે તે સેલ્ફ ડિફેન્સના પાઠ ભણી ચૂકી હતી, પરંતુ જો ગાર્ગી કરાટે કે માર્શલ આર્ટ ન જાણતી હોત તો… તો બીજા દિવસે તેની પર અત્યાચારના સમાચાર વાંચવા મળ્યા હોત. ત્યારે આપણો સમાજ બિચારી, બાપડી કે પછી તેનો શું વાંક હતો, આવા નરાધમોને સજા મળવી જોઈએ જેવી ચર્ચાઓ કરીને ઘટનાને ભૂલી જાત, પરંતુ ગાર્ગીએ હિંમત બતાવી પોતે શીખેલી કળાનો ઉપયોગ કરી લાળ પાડતા યુવાનોને બતાવી દીધું કે બસ..હવે બહુ થયું, હવે અમે અમારા બચાવ માટે સ્વયમ્ જ આગળ આવીશું. અમારે બાપડા, બિચારા બનવાની જરૃર નથી. અમારી રક્ષા અમે જાતે જ કરીશું, પરંતુ સમાજમાં આવી ગાર્ગી જેવી કેટલી હશે, કારણ કે આપણે ત્યાં દીકરીઓને રસોઈ બનાવતાં, કપડાં સીવતાં, ઘરનાં કામ કરતાં અને વધુમાં વધુ લખતાં-વાંચતા શીખવાડાય છે. ક્યારેય એમ કહેવામાં નથી આવતું કે દીકરી, આ બધું તો શીખાશે, પહેલાં પોતાની રક્ષા કરતાં શીખ અને જો તે આવડશે તો તું બધે જ સલામત છે. ઘણા એવા કિસ્સા પણ છે જેમાં ઘરના સપોર્ટ અને પોતાની આવડતથી યુવતીઓ કરાટેમાં નેશનલ લેવલે પહોંચી હોય અને દેશનું નામ રોશન કરી સાબિત કર્યું હોય કે હવે અમારી સલામતીની જવાબદારી અમારી ખુદની ઉપર જ છે.

આ અંગે વાત કરતા શિંતોર્યા કરાટે ડુ ઇન્ડિયાના પ્રિન્સિપાલ સેન્સી હેમા શર્મા કહે છે, ‘સેલ્ફ ડિફેન્સ તો દરેક ફિલ્ડમાં જરૃરી છે. ડગલે ને પગલે સ્વરક્ષણ અનિવાર્ય છે. પાંચ વર્ષના બાળકથી લઈને મોટી ઉંમરની મહિલાઓ સુધી આજે કોઈ સેફ નથી. સેલ્ફ ડિફેન્સ શરીર કરતાં મન અને દિમાગની ટ્રેનિંગ છે. કરાટે માત્ર મારધાડ નથી. તેમાં એવી ટ્રિક હોય છે જેનાથી તમારું મન તો મક્કમ બને જ છે સાથે જ તમે સ્વરક્ષણ માટે બરોબર પ્રિપેર્ડ બનો છો. કોઈ પણ ઘટના ગમે ત્યાં બની શકે છે, ત્યારે જો તમારી પાસે માર્શલ આર્ટનું બેઝિક જ્ઞાન પણ હોય તો તે ઉપયોગી બને છે. સાથે જ પોતાની રક્ષા જાતે કરી શકવાની ક્ષમતા છે તે વાત જ તમારો આત્મવિશ્વાસ વધારે છે. આ માટે પરિવારે પણ આગળ આવવું જોઈએ. આપણા ગુજરાતની વાત કરું તો આજે પણ એવી માન્યતા છે કે ભણવા પર વધારે ધ્યાન આપ. જો કરાટે કે માર્શલ આર્ટ શીખવાની વાત આવે તો દીકરીને કહી દેવામાં આવે છે કે તારા મસલ્સ વધી જશે, તું બોય જેવી દેખાઇશ વગેરે..વગેરે.. આપણા ત્યાં હજુ નોલેજનો અભાવ છે. જૂની માન્યતા હજુ ચાલે છે કે દીકરી છે તો ગરબા શીખવા જા. સેલ્ફ ડિફેન્સ શીખીને તું શું કરીશ. લાઇફમાં જેમ એજ્યુકેશન જરૃરી છે તે જ રીતે સેલ્ફ ડિફેન્સ શીખવંુ એ પણ લાઇફનો એક પાર્ટ જ સમજવો જોઈએ. માત્ર યુવતીઓ જ નહીં, પરંતુ દરેક મહિલાઓએ પણ સ્વરક્ષણ માટે જાતે તૈયારી કરવી જોઈએ.’

ધોરણ દસમાં અભ્યાસ કરતી શ્રીજી શકુંત પટેલે કરાટેમાં પર્પલ બેલ્ટ પ્રાપ્ત કર્યો છે. એટલું જ નહીં, ચાર ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મેળવી પરિવાર સહિત પોતાની શાળા, સર અને રાજ્યનું નામ રોશન કર્યું છે. નેશનલ લેવલે ચેમ્પિયન રહેલી શ્રીજી કહે છે, ‘બાળપણથી જ મને કરાટે શીખવાનો શોખ હતો. મમ્મી-પપ્પા પણ આ બાબતે હંમેશાં પ્રોત્સાહન આપતાં રહેતાં. કંઈ પણ શીખવાની વાત હોય તેઓ હંમેશાં તૈયાર રહેતાં. સાચંુ કહું તો આજે હું જે પણ અચિવ કરી શકી છું તેમાં મારા પરિવારનો બહુમૂલ્ય ફાળો રહેલો છે. સાથે જ શાળા લેવલે કલ્પેશ સર પણ હંમેશાં મને પ્રોત્સાહિત કરતા. શોખ માટે શીખતી હતી, પરંતુ હવે એવું લાગે છે કે દરેક યુવતીઓએ માર્શલ આર્ટ તો શીખવું જ જોઈએ. પોતાની રક્ષા જ્યારે જાતે કરવાની આવે ત્યારે એટલા તો પ્રિપેર્ડ હોવા જ જોઈએ કે સામેની વ્યક્તિને તમે જમીન બતાવી શકો. મારા પપ્પા મને અને મારી બહેનને શેર કહે છે. હંમેશાં શીખવે છે કે તમે ક્યારેય પોતાની જાતને બિચારા ના સમજતા. અમે તો સતત તમારી સાથે છીએ, પરંતુ ઘણી એવી લડાઈ હશે જે તમારે એકલા લડવી પડશે અને તે માટે સ્વરક્ષણનું શિક્ષણ અનિવાર્ય છે. મમ્મી પણ હંમેશાં અમને સપોર્ટ કરે છે. જેમ યુવતીઓને ઘરના કામકાજ શીખવવામાં આવે છે તેવી જ રીતે અમારા પેરેન્ટ્સ અમને સેલ્ફ ડિફેન્સના પાઠ શીખવે છે. દરેક માતા-પિતાએ આજના યુગમાં પોતાની દીકરીઓને એટલું તો શીખવવું જ જોઈએ કે કોઈ પણ જગ્યાએ જાય, તે ક્યારેય પોતાની જાતને અનસેફ મહેસૂસ ન કરે. મને ઘણા બધા મેડલ મળ્યા છે તેની ખુશી ઘણી છે, પરંતુ મારી અને મારા જેવી અન્ય યુવતીઓની હું રક્ષા કરી શકું છું તેનો મને ગર્વ છે.’

દીપ્તિ મહેતા એમબીએનો અભ્યાસ કરે છે. એક બે નહીં, પરંતુ ઘણી બધી સિદ્ધિઓ તેના નામે છે. કરાટેમાં બ્લેક બેલ્ટ મેળવનારી દીપ્તિને ૨૦૧૨માં બેસ્ટ સ્પોર્ટ વુમનનું સન્માન પણ મળ્યું છે. આ વિશે વાત કરતાં દીપ્તિ કહે છે, ‘૨૦૦૧થી હું કરાટે શીખી રહી હતી ત્યારે હું પહેલા ધોરણમાં અભ્યાસ કરતી હતી. તે સમયે મને આમાં રસ નહોતો, પરંતુ જેમ-જેમ મોટી થઈ અને ટૂર્નામેન્ટમાં જતી થઈ ત્યારે મને સારું લાગવા લાગ્યું. બસ, પછી ક્યારેય પાછળ વળીને જોયું નથી. કરાટે ફિઝિકલી, ે મેન્ટલી એમ બંને રીતે સ્ટ્રોંગ બનાવે છે. તમારી સ્ટ્રેન્થ વધે છે. મને અત્યારે કોઈ પણ જગ્યાએ જતા ડર નથી લાગતો. જ્યારે કોઈ પ્રોબ્લેમ આવે ત્યારે પોતાનો બચાવ કેવી રીતે કરવો તેટલી આવડત હોવી જરૃરી છે. કોઈ પણ ફિલ્ડમાં કામ કરતા હોવ ત્યારે કોણ કેવું છે તે જાણી નથી શકાતું. માટે સેલ્ફ ડિફેન્સ તે સમયે ખૂબ ઉપયોગી બની રહે છે. હું તો દરેક યુવતીઓને સ્વરક્ષણની તાલીમ લેવાની અપીલ કરીશ. મારી પાસે સમય ઓછો હોય છે. છતાં કોઈ મારી પાસે શીખવાની અપેક્ષા રાખે તો હું તેને શીખવું જ છંુ. આજના જમાનામાં બીજા પર નિર્ભર રહેવા કરતાં સેલ્ફ ડિફેન્સ કરતાં આવડવું જોઈએ.’

મારી દીકરી ઘણી નાની હતી ત્યારથી જ હું તેને માર્શલ આર્ટ શીખવી રહી છું તેમ કહેતાં શ્યામ આર્ટ એન્ડ ક્રાફ્ટ અને તરુણી પ્રગતિ ટ્રસ્ટનાં ફાઉન્ડર ભાવના શૈલેષ મહેતા કહે છે, ‘હું પણ મારા બાળકોને સ્વરક્ષણ શીખવવા માગતી હતી. માટે દીકરીને બાળપણથી જ સેલ્ફ ડિફેન્સના ક્લાસીસમાં મોકલવાનું શરૃ કર્યું. કરાટેમાં ઇન્ટરનલ પાવરને બહાર લાવીને સ્વરક્ષણ કરવાનું હોય છે. કોઈ શસ્ત્ર વિના લડતા શીખવે છે આ કળા.’

બાળકીઓને સ્વરક્ષણની તાલીમ આપતાં મમતા પરમાર કહે છે, ‘ઘણી નાની હતી ત્યારે મારા માતા ગુજરી ગયાં હતાં. પિતા હતા પરંતુ ના જેવા. નાની બહેનની જવાબદારી મારા પર જ હતી. તેવા સમયમાં એકલા રહેવું અને બહેનને ઉછેરવામાં ઘણી તકલીફ પડતી, પરંતુ મમ્મીની વાતો યાદ આવતી કે સમય ગમે તેવો હોય હિંમત નહીં હારવાની. તેવા સમયે મેં કરાટેના ક્લાસ શરૃ કર્યાં. આજે હું એક રેફરી તરીકે કામ કરું છું. મારી નાની બહેેનને પણ એવી રીતે તૈયાર કરી છે કે તે એકલી ક્યાંય જતાં ડરતી નથી. ગરીબ યુવતીઓ જેઓ માર્શલ આર્ટ શીખવા માગતી હોય તેમને હું મફતમાં ટ્રેનિંગ આપું છું. દરેક યુવતીએ એટલું તો શીખવું જ જોઈએ કે પોતાની રક્ષા કરી શકે.’

ઘણી જગ્યાએ આજે પણ યુવતીઓને ઘરની બહાર સેલ્ફ ડિફેન્સ શીખતાં અટકાવવામાં આવે છે અને ભવિષ્યમાં આવી યુવતીઓ કોઈ દુર્ઘટનાનો ભોગ બની શકે છે. કોઈ ખરાબ બનાવ બનતાં આપણે રોકી નથી શકતા, પરંતુ તેની સામે લડતા તો શીખવું જ જોઈએ. હવે સમય આવી ગયો છે દીકરીઓએ પોતાના આત્મસન્માનની રક્ષા કાજે ઘરની બહાર નીકળવાનો.
———————————-.

ફેમિલી ઝોનમહિલાઓનું સ્વરક્ષણસેલ્ફ ડિફેન્સહેતલ રાવ.
Comments (0)
Add Comment