‘રાઝી’થી દર્શકો કેટલા રાજી થશે?

ઐતિહાસિક સમયગાળા પર આધારિત ફિલ્મ 'રાઝી'

મૂવીટીવી – ગરિમા રાવ

‘ઊડતા પંજાબ’માં પોતાની દમદાર એક્ટિંગથી દર્શકોને મંત્રમુગ્ધ કરનારી આલિયા ભટ્ટના અલગ જ અંદાજથી ચાહકો ફરી એકવાર તેના અભિનયના આશિક બની જશે. મેઘના ગુલઝારની ઐતિહાસિક સમયગાળા પર આધારિત ફિલ્મ ‘રાઝી’માં આલિયા મુખ્ય કિરદાર નિભાવતી જોવા મળશે. લાંબા સમય પછી મેઘના કોઈ ફિલ્મ લઈને આવી છે.

‘વતન કે આગે કુછ ભી નહીં’, આ ડાયલોગ છે ફિલ્મ ‘રાઝી’નો, જે આલિયા ભટ્ટ બોલી રહી છે. ૧૧ મેના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે. જંગલી પિક્ચર્સ અને ધર્મા પ્રોડક્શનની ફિલ્મ રાઝીમાં અભિનેત્રી આલિયા ભટ્ટ અને વિકી કૌશલ લીડ રોલમાં છે. ફિલ્મ દ્વારા આલિયાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે એક્ટિંગ તેના લોહીમાં છે. રાઝીમાં તે એક દેશભક્ત, પુત્રી, પત્ની અને જાસૂસની દમદાર ભૂમિકા નિભાવી રહી છે. ડાયરેક્ટર મેઘના ગુલઝારની આ ફિલ્મ એક એવી ભારતીય યુવતીની વાર્તા રજૂ કરે છે જે પાકિસ્તાની આર્મી ઓફિસર સાથે લગ્ન કરી પોતાના દેશ માટે જાસૂસી કરે છે. વિનિત જૈન, કરણ જોહર, હીરુ જોહર અને અપૂર્વા મહેતા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ફિલ્મ ‘રાઝી’ને કો-પ્રોડ્યુસ પ્રીતિ શાહનીએ કરી છે. હરિંદર સિક્કાના ઉપન્યાસ કોલિંગ સહમત પરથી બનાવવામાં આવેલી આ એક થ્રિલર પિરિયડ ફિલ્મ છે, જે ૧૯૭૧માં થયેલા ભારત- પાકિસ્તાનના યુદ્ધની વાત કરે છે. સહમતના પિતા તેનાં લગ્ન પાકિસ્તાની ઓફિસર સાથે માત્ર એટલા માટે કરાવે છે કે તે ત્યાં રહીને ભારત માટે જાસૂસી કરી શકે.

‘તલવાર’ ફિલ્મ પછી લગભગ બે વર્ષના અંતરાલ બાદ મેઘના ‘રાઝી’ ફિલ્મ લઈને આવી રહી છે. તે કહે છે, હું ફિલ્મ બનાવવાની ફેક્ટરી નથી કે એક પછી એક ફિલ્મ બનાવ્યા જ કરું. સારી સ્ટોરી અને ફિલ્મ સાથે જોડાયેલી દરેક વાતનું હું બરોબર ધ્યાન રાખંુ છું. ફિલ્મની શરૃઆતથી તેના મ્યુઝિકથી લઈને તેની રિલીઝ સુધી દરેક કામ હું જાતે જ કરું છું. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે, ફિલ્મમાં એવી યુવતીની વાતને રજૂ કરી છે જે પોતાની જ સાસરીમાં રહીને દેશ માટે ખાનગી વાતોની માહિતી મેળવે છે. કોઈ પણ સમયે તેની સાથે કશું પણ થઈ શકે છે ત્યારે આ વાતને સારી રીતે અને દર્શકોને સ્પર્શે તે રીતે પરદા પર ઉતારવી એક ચેલેન્જિંગ જોબ હતી.

સહમતનું કિરદાર નિભાવતી આલિયા એક સીધી સાદી વહુના રોલમાં પણ એકદમ ફિટ બેસે છે. યુનિવર્સિટીમાં ભણતી એક વીસ-બાવીસ વર્ષની યુવતીને સીધી જ લગ્ન કરી પાકિસ્તાન મોકલી દેવામાં આવે છે. જે ત્યાં રહીને ટ્રાન્સમીટર દ્વારા દરેક માહિતી ભારત મોકલે છે. ફિલ્મના વિઝ્યુઅલ મેળવવા ખાસ્સી મહેનત કરવી પડી છે તેમ કહેતાં મેઘના જણાવે છે કે, ૧૯૭૧ના સમયનું પાકિસ્તાન કેવી રીતે દર્શાવવું તે એક પડકાર હતો, પરંતુ હું પોતે પંજાબની છું માટે અને એક સમય એવો હતો કે જ્યારે પાકિસ્તાન અને પંજાબ એક હતા જેથી દરેક વસ્તુ ક્રિએટ કરી. એક વાત અમે સમજી ચૂક્યા હતા કે જેવંુ અહીં હતંુ તેવું જ ત્યાં પણ હતું. આર્મી પણ એક હતી. જેવી અહીં છાવણી છે તેવી જ ત્યાં પણ હતી. બસ, યુનિફોર્મ માટે અમારે ધ્યાન આપવાનું હતું, જ્યારે લોકેશન્સ માટે મલેરકોટલા શહેર બિલકુલ યોગ્ય હતું. ફિલ્મમાં નાની-નાની વાતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમ કે પાકિસ્તાનથી સિગ્નલ મોકલવાના હતા અને દરેક જાણકારી ટ્રાન્સમીટરથી જ મોકલવાની હતી. આવા સમયે દરેક વસ્તુ રિયલ લાગે તે જરૃરી હતંુ. જેના માટે એન્ટેનાની જરૃર હતી. માટે કપડાં સૂકવવાના તારનો ઉપયોગ કર્યો. રહી વાત સેલ્ફ ડિફેન્સની તો સહમત કોઈ ટ્રેનિંગ પ્રાપ્ત કરેલી યુવતી નહોતી અને તેને દસ બાર વિલનની ધોલાઈ પણ નહોતી કરવાની માટે તેની ખાસ તૈયારી કરવી ના પડી.

ફિલ્મની મૂળ સ્ટોરી પુસ્તકમાંથી લેવામાં આવી છે. જોકે પુસ્તકમાં ચાર પાત્રની વાત હતી. જ્યારે ફિલ્મ બનાવવા સહમતના કિરદારને જ પસંદ કરવામાં આવ્યું. ફિલ્મમાં યુદ્ધથી લઈને સહમતના રોલને ન્યાય આપવાનું કામ ઘણુ અઘરું બની રહ્યું, પરંતુ મેઘનાએ એમાં બાજી મારી લીધી. આલિયાએ ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે. આ માટે ઉર્દૂ ભાષા પણ તેણે શીખવી પડી. કાશ્મીરી યુવતીનો રોલ નિભાવવાનો હતો, જેથી ત્યાંની બોલી પણ શીખવી પડી. ઉપરાંત આર્મ્ડ ફોર્સિસ દ્વારા ઉપયોગમાં લેવાતી જીપ ચલાવતાં પણ શીખવું પડ્યું. મેઘનાના કામને લોકો વખાણી રહ્યા છે. સાથે જ આલિયાની દમદાર એક્ટિંગ અને દેશ માટે ગમે તે કરવાની ભાવનાને વ્યક્ત કરતા તેના હાવભાવ જોવા દર્શકોની ભીડ જામશે. ફિલ્મનાં બે ગીતોએ તો અત્યારથી જ લોકોને ડોલાવવાનું શરૃ કર્યું છે. બોલિવૂડમાં લાંબા સમય પછી વિદાય ગીત આવ્યું છે, જ્યારે ‘એ વતન…’  દેશભક્તિનું ગીત છે. આ બંને ગીત ગુલઝારે લખ્યા છે. હાલના રિવ્યૂ પ્રમાણે દર્શકો ફિલ્મને ટેન ઓફ ધી ટેન આપી રહ્યા છે. હવે આગળના સમયમાં આલિયાના ચાહકો ‘રાઝી’ ફિલ્મથી કેટલા રાજી થાય છે તે જોવું રહ્યું.

———————–.

‘મૂવીટીવી’ ફિલ્મી ગપસપ તથા રોચક માહિતી વાંચવા ‘અભિયાન’ આજે જ સબસ્ક્રાઇબ કરો.

ગરિમા રાવમૂવીટીવી
Comments (0)
Add Comment