વૃક્ષારોપણ  કરી કર્તવ્ય નિભાવતા યુવાનો

વિદ્યાર્થીઓ ઘરઆંગણે છોડ રોપે..

હેતલ રાવ

સામાન્ય રીતે ફૂલ, છોડ, ઝાડનું રોપણ કરવા માટે બેસ્ટ સમય ચોમાસાનો ગણાય છે, પરંતુ જે પ્રમાણે ગરમીએ માઝા મુકી છે અને ગ્લોબલ વોર્મિંગ દસ્તક પર દસ્તક મારે છે તે જોતાં યુવાનો વૃક્ષારોપણના કાર્યક્રમોમાં જોતરાઈ ગયા છે

કાળઝાળ ગરમીનો પ્રકોપ પોતાનો બરોબર રંગ બતાવીને અગનજ્વાળાથી અંગને દઝાડે છે ત્યારે બીજી બાજુ છાંયડાની શોધમાં ઝાડની છત્રછાયાનો સહારો લોકો શોધી રહ્યા છે, પરંતુ અફસોસ કે શહેરને સમૃદ્ધ અને રસ્તાને સુંદર બનાવવાની લ્હાયમાં ઝાડના નિકંદન જઈ રહ્યાં છે. તો વળી બીજી બાજુ ‘વૃક્ષ વાવો સૃષ્ટિ બચાવો’ના નારા પણ સાંભળવા મળે છે, પરંતુ આ બધી માથાકૂટમાં પડ્યા કરતાં યુવાનો પોતાના મનનું કરવામાં વધારે માને છે અને માટે જ આ ગરમીની સિઝનમાં પણ વૃક્ષારોપણનું કામ હાથ ધર્યું છે. યુવાનો સાથે મળીને શહેર અને શહેર બહાર જ્યાં ખુલ્લા મેદાન કે એવી જગ્યા છે જ્યાં વૃક્ષ ઉગાડવાથી કોઈને મુશ્કેલી ન પડે તેવી જગ્યા પર વૃક્ષ વાવી રહ્યા છે.

શ્રી ગણેશ નર્સરી ચલાવતા કાર્તિક પરમાર કહે છે, ‘મારા ત્યાંથી યંગસ્ટર્સ ગ્રુપ એકસાથે ૩૨ છોડવા લઈ ગયા છે. જેમાં ખાસ કરીને છાંયો આપતા છોડવા વધુ છે જે ઝડપથી ઊગે છે. મેં પૂછ્યું કે આટલા બધા છોડવા એકસાથે, કોઈ પોગ્રામ છે? ત્યારે કહે કે કાકા, હવે દુનિયાને બચાવવા જાતે જ આગળ આવવું પડશે.

વૃક્ષારોપણના કાર્યક્રમ કરવાથી કશું જ નહીં થાય. ખરેખર વૃક્ષ રોપવા અને તેનું જતન કરવંુ પડશે. મેં ૩૦ ટકા ડિસ્કાઉન્ટ પણ આપ્યું.’ દિવ્યેશ શેઠ કહે છે, ‘એક દિવસ અમારા સર ટ્યૂશનમાં આવ્યા નહીં માટે અમે બધા વહેલા નીકળી ગયા. ત્યારે તાપમાં અમે વૃક્ષનો છાંયડો શોધતા હતા જ્યાં બેસી થોડી વાતો કરી શકીએ, પરંતુ અમને ક્યાંય વૃક્ષ જોવા મળ્યા નહીં. ત્યારે અમે નિર્ણય કર્યો કે હવે અમે વૃક્ષ રોપીશંુ અને તેનું જતન કરીશંુ. બસ અમે મિત્રો સાથે મળીને આ કામ કરીએ છીએ અને તેનું નિયમિત જતન કરીએ છીએ. વારા પ્રમાણે પાણી છાંટવાનું કામ કરીએ છીએ.’

આ ઉપરાંત ગુજરાતમાં ગામડાંઓની અનેક શાળાઓ એવી છે જે પોતાના દરેક વિદ્યાર્થીઓને ઘરઆંગણે છોડ રોપવાનું કહે છે. જ્યારે એવા અનેક યુવાનો છે જે પોતાની રીતે ગ્લોબલ વોર્મિંગની અસરને નાથવા માટે થઈને વૃક્ષારોપણના કામમાં જાતે જ જોતરાય છે. આપણે પણ વૃક્ષારોપણ કરીને આપણું કર્તવ્ય પૂર્ણ કરવંુ જોઈએ કેમ ખરું ને..?

 

—————.

યુવાહેતલ રાવ.
Comments (0)
Add Comment