રોકડની અછત સામે સરકાર શું કરી રહી છે?

એસ.એમ. ક્રિષ્ના અને રાહુલની મુલાકાત

રાજકાજ

રોકડની અછત સામે સરકાર શું કરી રહી છે?

દેશનાં અનેક રાજ્યોમાં રોકડની અછતની બૂમ ઊઠી છે. નાણા મંત્રાલય અને રિઝર્વ બેંક આ ફરિયાદ કે સમસ્યાને ગંભીરતાથી લેવા તૈયાર નથી. દરેક બાબતમાં ષડ્યંત્રની વાત કરવી યોગ્ય નથી, પણ બે હજારની નોટોની સંગ્રહખોરી થતી હોવાની શંકા જતી હોય તો સરકારે સાવચેત થવું જોઈએ. કાળા નાણાનો સંગ્રહ આ રીતે જ થતો હોય છે. રિઝર્વ બેંક સરકારની નીતિને અનુસરીને ઇ-ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા બજારમાં રોકડના પ્રવાહને નિયંત્રિત કરવાના પ્રયાસ કરે તો પણ તેનું પરિણામ સરવાળે રોકડની અછતમાં આવી શકે છે. નેટ બેન્કિંગ કે ઇ-ટ્રાન્ઝેક્શનને લોકો પર બળજબરીથી લાદવાના પ્રયાસ યોગ્ય નથી. ભારત જેવા દેશમાં લોકોને આ પ્રકારે લેવડ-દેવડ કરવામાં મુશ્કેલી અને મૂંઝવણ અનુભવાય છે. વળી, આવી લેવડ-દેવડ કરવામાં લોકોના નાણાની સુરક્ષા અને સલામતીનો મુદ્દો પણ એટલો જ ગંભીર છે. સાઇબર ક્રાઇમના ગુના વધી રહ્યા છે અને તેમાં લોકોના નાણાની લૂંટ થઈ રહી છે. તેના પર નિયંત્રણ કે આવા અપરાધીઓને શોધી કાઢવાની અસરકારક વ્યવસ્થા આપણી પાસે નથી ત્યારે અર્ધદગ્ધ લોકોને ધરાર ઇ-ટ્રાન્ઝેક્શન તરફ ધકેલી દેવાનું યોગ્ય નથી. નોટબંધીના સમયથી સરકાર આવા વ્યવહારોની મર્યાદા સમજવા તૈયાર નથી. દેશના લોકોની માનસિકતાને પણ સમજવી પડે. ભારત જેવા દેશમાં પરંપરાગત રીતે રોકડ વ્યવહારોનું મહત્ત્વ રહ્યું છે. રોકડ રકમને હાથવગી રાખવાનું મુનાસિબ માનવામાં આવે છે. કટોકટીના સંજોગોમાં લોકો માટે એ સુવિધાજનક વ્યવસ્થા હોય છે. દેશના ગ્રામીણ અર્થતંત્રમાં પણ રોકડ વ્યવહારનું વિશેષ મહત્ત્વ રહ્યું છે. નાના અને કુટિર ઉદ્યોગોમાં કામ કરતા શ્રમજીવીઓના પારિશ્રમિકની ચુકવણી રોકડમાં થતી હોય છે. નોટબંધીને પગલે રોકડની અછતને કારણે અનેક રોજગાર-વ્યવસાયને માત્ર આ કારણથી સહન કરવાનું આવ્યું અને અસંખ્ય લોકો બેરોજગાર બની ગયા તેની સંભાળ લેવાની સરકારે પરવા કરી નથી. નોટબંધીને કારણે પાછી આવેલી જૂની નોટો અને રિઝર્વ બેંકે ચલણમાં મુકેલી નવી નોટોના જથ્થાનો હિસાબ સમજવો મુશ્કેલ છે. સરકારે સતત રોકડ વિના વ્યવહાર કરવાની શિખામણ આપવાને બદલે રોકડની ઉપલબ્ધતા કરાવવા પર વિશેષ ધ્યાન આપવાની જરૃર છે. બજારમાંથી વ્યવસ્થિત રીતે એકાએક રોકડની અછત સર્જાવા લાગે એ સ્થિતિ અર્થતંત્ર માટે પણ ચોંકાવનારી બને છે. સરકાર અને રિઝર્વ બેંક નિયમો અને નવી પ્રણાલીને પ્રચલિત અને સ્થાપિત કરવાના હઠાગ્રહમાં વ્યાવહારિકતાને લક્ષમાં લેવાનું ભૂલી જાય છે.દિલ્હી, મુંબઈ કે કોલકાતા જેવા મેટ્રો શહેરોમાં સમગ્ર ભારત વસતું નથી. ભારત લાખો ગામડાંઓમાં વસે છે. દેશના અંતરિયાળ વિસ્તારો સુધી હજુ આપણે બેન્કિંગ વ્યવસ્થાને પહોંચાડી શક્યા નથી. સરકાર એક દિશામાં આગળ વધવાનું નક્કી કરે છે પછી આંખો બંધ કરીને ચાલવા લાગે છે. પાછળ જનસમુદાય સાથે ચાલી શકે છે કે અટકી પડે છે તેની સૂધ લેવાનું ભૂલી જવાય છે. પરિવર્તનની હિમાયતને ઘેલછામાં પરિવર્તિત થવા દેવાય નહીં. બજારમાં અને પ્રજાના પરસ્પરના વ્યવહારમાં પણ રોકડ વ્યવહારો સુચારુ રૃપે ચાલે એવી લિક્વિડિટી એટલે કે નાણાની પ્રવાહિતા હોવી જોઈએ અને જળવાઈ રહેવી જોઈએ. એ જ સ્વસ્થ અર્થતંત્રની નિશાની છે. વ્યાવહારિક અભિગમ વિનાના કોરા સૈદ્ધાંતિક પગલાંઓ લાભકારક બનતાં નથી. ભારતમાં રોકડના વ્યવહારોથી અર્થતંત્ર ગતિશીલ રહે છે. એ વાત ભૂલી જવામાં આવે છે. રોકડની સમસ્યા ગંભીર બને અને આવી માનવસર્જિત સમસ્યાનો ગેરલાભ લેવાતો થાય એ પહેલાં સરકારનું નાણા ખાતું અને રિઝર્વ બેંકે સક્રિય થવાની અને આવશ્યક પગલાં લેવાની જરૃર છે.
————.

એસ.એમ. ક્રિષ્ના અને રાહુલની મુલાકાત
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને એસ.એમ. ક્રિષ્ના ગત સપ્તાહે બેંગ્લુરુના વિમાનમથકે મળી ગયા અને બંનેએ થોડી મિનિટો અરસપરસ વાતચીત કરી. એસ.એમ. ક્રિષ્ના અગાઉ યુપીએ સરકારમાં પ્રધાનપદે રહી ચૂક્યા છે. હાલ તેઓ ભાજપમાં છે. તેઓ કર્ણાટકના છે અને કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે ત્યારે રાહુલ ગાંધી સાથેની તેમની આ આકસ્મિક મુલાકાતને પગલે તેઓ ફરી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા હોવાની વાતો વહેતી થઈ હતી. કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધરામૈયા દ્વારા તેમની સતત ઉપેક્ષા થવાને કારણે ગત વર્ષે જ ક્રિષ્ના ભાજપમાં જોડાયા છે. જોકે કર્ણાટક ભાજપમાં પણ તેમને બહુ મહત્ત્વ મળતું ન હોવા છતાં તેઓ કોંગ્રેસમાં પાછા ફરવા તૈયાર નથી. કર્ણાટકમાં તેમને વિશે એવી મજાક ચાલે છે કે ક્રિષ્નાને તેમના નવા પક્ષે એટલે કે ભાજપે પક્ષની સોશિયલ મીડિયા ટીમના સભ્ય બનાવ્યા છે. મતલબ એક એવા વિષયની ટીમમાં કે જેમાં ક્રિષ્નાને કશી જ ખબર પડતી નથી. હવે વરિષ્ઠ વોક્કાલિગા નેતા એસ.એમ. ક્રિષ્નાનો મજાકમાં ‘સોશિયલ મીડિયા ક્રિષ્ના’ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. દિવ્યા સ્પંદના ક્રિષ્નાના પારિવારિક મિત્ર હોવાને નાતે તેઓ ક્રિષ્નાને આ બાબતમાં માર્ગદર્શન આપી શકે તેમ છે, પરંતુ મુશ્કેલી એ છે કે દિવ્યા સ્પંદના કોંગ્રેસની સોશિયલ મીડિયાની નેશનલ ટીમના વડા છે.
———-.

અમિત શાહની ભલામણને યોગી આદિત્યનાથ માન્યા નહીં
ઉત્તર પ્રદેશમાં ઉન્નાવ બળાત્કાર કાંડ અંગે રાજ્યની યોગી સરકાર સાર્વત્રિક ટીકાને પાત્ર બની છે. પક્ષના અંતરંગ વર્તુળો તેનાથી ચિંતિત છે. ભાજપની છાવણીમાં ચાલતી ચર્ચા અનુસાર પક્ષ પ્રમુખ અમિત શાહે યોગી આદિત્યનાથને ત્રણ મુદ્દાની કાર્યવાહી માટેની ભલામણ કરી હતી. એ યોજના પ્રમાણે સૌ પ્રથમ ધારાસભ્ય સેંગર સામે એફઆઇઆર દાખલ કરવી અને એ પણ એવી કલમ હેઠળ કે જેમાં પોલીસ સમક્ષ ધરપકડ કરવા સિવાય કોઈ વિકલ્પ જ ન રહે. બીજા પગલાંમાં આ સમગ્ર પ્રકરણ સીબીઆઇને સોંપી દેવામાં આવે. ત્રીજા પગલાંમાં સેંગર સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે. યોગી એ માટે સંમત પણ થયા હતા એવું કહેવાય છે તો પછી ફેરફાર કેમ થયો? એફઆઇઆર દાખલ કરાઈ, પણ  યોગીએ વાયદો કર્યો હતો એ રીતે રાજ્ય પોલીસે સેંગરની ધરપકડ ન કરી. તેને બદલે ધરપકડ માટે સેંગરને સીબીઆઈના હવાલે કરી દેવામાં આવ્યા, અર્થાત્ કેન્દ્ર સરકારને આધીન મતલબ ધરપકડ માટે યોગી જવાબદાર ન ગણાય. કહે છે કે યોગીને એક સારા વહીવટકર્તા તરીકે પ્રતિષ્ઠિત થવા કરતાં પોતાના ઠાકુર જનાધાર અને વોટબેન્કને જાળવી રાખવામાં વધુ રસ હતો.
—————-.

જ્યારે મનમોહનસિંઘે હસ્તાક્ષર કરવાની ના પાડી
સંસદના અંદાજપત્ર સત્રના આખરી દિવસોમાં મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા સામે ઇમ્પિચમેન્ટ દરખાસ્ત લાવવા માટેની વિપક્ષની હિલચાલમાં કોંગ્રેસ અગ્ર હરોળમાં રહીને ભૂમિકા ભજવતી હોવાનું જણાયું હતું. દરખાસ્ત પર રાજ્યસભાના લગભગ સાઠ જેટલા સભ્યોના હસ્તાક્ષર મેળવી લેવાયા હતા, પરંતુ કોંગ્રેસે છેલ્લી ઘડીએ પીછેહઠ કરી. પક્ષના વલણને પલટવામાં એક માત્ર વ્યક્તિ મનમોહનસિંઘે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કોંગ્રેસના એક વરિષ્ઠ ધારાશાસ્ત્રીએ હસ્તાક્ષર માટે જ્યારે મનમોહનસિંઘનો સંપર્ક કર્યો ત્યારે સામાન્ય રીતે મિતભાષી રહેતા અને સૌમ્ય સ્વરમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા આ પૂર્વ વડાપ્રધાને મક્કમ સ્વરમાં કહી દીધું હતું કે, તેઓ આ દરખાસ્ત પર હસ્તાક્ષર નહીં કરે. મનમોહનસિંઘ એવું માને છે કે અન્ય લોકતાંત્રિક સંસ્થાને નીચી પાડવી એ કોંગ્રેસની સંસ્કૃતિ નથી. તેઓ એવું પણ માનતા હતા કે આ દરખાસ્તથી કોંગ્રેસને કોઈ રાજકીય લાભ થવાનો નથી. આખરે પક્ષે આ દરખાસ્તને પડતી મૂકવાનો નિર્ણય કર્યો. કેમ કે તેના પર મનમોહનસિંઘના હસ્તાક્ષર નહીં હોય તો એ પક્ષ માટે મૂંઝવણભરી સ્થિતિ બની રહે. જોગાનુજોગ કોંગ્રેસના રાજ્યસભાના વકીલ સભ્યો અભિષેક મનુ સિંઘવી અને પી. ચિદમ્બરમે પણ આ દરખાસ્ત પર હસ્તાક્ષર કરવામાં હિચકિચાટ અનુભવી હતી.
————-.

દેશની સાંપ્રત રાજકીય ઘટનાઓના વિશ્લેષણ વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

તરૂણ દત્તાણીરાજકા
Comments (0)
Add Comment