કઠુઆ-ઉન્નાવની ઘટના નીતિ અને નિયતમાં ખોટ

ઘટનાને સાંપ્રદાયિક રંગ

ઍનાલિસિસ – સુધીર એસ. રાવલ

આપણી ભારતીય સંસ્કૃતિમાં નારીને નારાયણી તરીકે વર્ણવી છે. આપણા ધર્મગ્રંથોમાં લખાયેલું છે કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. આજે પણ આપણા ધર્મગુરુઓ, સમાજશાસ્ત્રીઓ અને રાજનેતાઓ પોતાના ભાષણોમાં આ પ્રકારનો ઉલ્લેખ કરતા જોવા મળે છે. વિડંબના એ છે કે બિનસાંપ્રદાયિક્તાને નહીં, પરંતુ ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’ને વરેલી સરકારના શાસનમાં દેશભરમાં હાલ જે કઠુઆ-ઉન્નાવ-સુરત જેવી બળાત્કારની અત્યંત ઘૃણાસ્પદ ઘટનાઓના અહેવાલો સાંપડી રહ્યા છે, તે જોઈને સરકારના શાસકો કઈ સંસ્કૃતિને વરેલા છે અને કઈ સંસ્કૃતિ વિકસાવવા જઈ રહ્યા છે તેવા ગંભીર પ્રશ્નો દેશ સમક્ષ ખડા થયા છે.

આપણી હજારો વર્ષથી ચાલી આવતી સંસ્કૃતિમાં એવા ક્યા ‘યોગી’ જાણવા મળે છે કે જેઓ પોતે શાસક હોય, સત્તા ભોગવતા હોય, જેમના નાક હેઠળ પોતાના જ સાથી દ્વારા નારી પ્રત્યે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય, પોતાને જાણ હોય છતાં શાસક હોવા છતાં પ્રજાને ન્યાય ન કરે. એટલું જ નહીં, પીડિત મહિલાના પિતાને યમરાજના દરબાર સુધી પોતાના જ તંત્રવાહકો દ્વારા પહોંચાડી દેવાયા પછી પણ તેનું શાસનતંત્ર ‘ચોર કોટવાળને દંડે’ તે રીતે મહિલાને ન્યાય આપવાને બદલે બળાત્કારી સાથી આરોપીને છાવરતું રહે!! ઉન્નાવનો જે દુષ્કર્મકાંડ છે, તે ભારતીય જનતા પક્ષની પોતીકી આગવી સંસ્કૃતિના આવા એક ખાસ પ્રકારના ‘યોગી’ અને તેના શાસનનું એવું ઉદાહરણ છે, જેમાં સમગ્ર દેશની જનતા આક્રોશ અને વેદના સાથે રસ્તા પર ઊતરી પડી છે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન ભગવાધારી સંન્યાસી છે અને પોતાને ‘યોગી’ કહેવડાવે છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આવા નેતાઓને શોધી શોધીને લઈ આવે છે. તેમને ભાવિ વડાપ્રધાન તરીકે પણ સંઘ પાછલા બારણે પ્રોજેક્ટ કરી રહ્યો છે. સંઘની ભેટ એવા આ કહેવાતા ‘યોગી’ આદિત્યનાથના આવા શાસન પછી પણ તેઓ ભાજપની શાન છે. લોકોને આ ઘણુ મોડે મોડે સમજાયું છે, જ્યારે દેશને અપાર નુકસાન થઈ ચૂક્યું છે.

આપણા દેશમાં કોઈ સામાન્ય નાગરિક પર કોઈ સગીર કન્યા દુષ્કર્મનો આરોપ મૂકે તો તે નાગરિક સામે તાત્કાલિક એફઆઈઆર કરવામાં આવે છે અને તેને કસ્ટડીમાં મૂકીને ગુનાની તપાસ કરવામાં આવે છે. ઉન્નાવના કિસ્સામાં દુષ્કર્મ આચરનારો વગદાર રાજકારણી, ભાજપનો ધારાસભ્ય, દબંગ નેતા છે. નવ-નવ મહિના સુધી કાયદો તેને સ્પર્શી શક્યો નથી. ‘બેટી બચાવો – બેટી પઢાવો’ના નારાઓ લલકારતી રાજ્યની ભાજપ સરકાર તેને સતત છાવરતી રહી. ન્યાય ન મળતા પીડિતા મહિલાના પિતાએ મુખ્યમંત્રી સમક્ષ ન્યાયની ગુહાર કરી તો કહેવાતા ‘યોગી’ની પોલીસે તેના પિતાને જ કસ્ટડીમાં એવો ઢોર માર માર્યો કે મહિલાના પિતા મૃત્યુ પામ્યા. આટલી અત્યંત કમકમાટી ઉપજાવે તેવી ઘટના જાહેરમાં આવ્યા પછી પણ કહેવાતા ‘યોગી’ના પેટનું પાણી હલ્યું નહીં અને છેવટે અદાલતે દંડો ઉગામ્યો પછી જ ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની ધરપકડ થઈ. આ ઘટના એ ઉત્તર પ્રદેશની સરકાર અને તેના વહીવટી તંત્રની તાસીર રજૂ કરે છે.

આવો જ એક વધુ ઘૃણાસ્પદ કિસ્સો જમ્મુ-કાશ્મીરના કઠુઆનો છે, જેમાં આઠ વર્ષીય બાળકી સાથે સામૂહિક બળાત્કાર અને ત્યાર બાદ હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે. કઠુઆના રાસના ગામમાં રહેતી બકરવાલ સમુદાયની આઠ વર્ષની આસિફાબાનુની હત્યા ત્રણ મહિના પહેલા કરી દેવાયેલી, પરંતુ હમણાં નવમી એપ્રિલે જ્યારે પોલીસે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી ત્યારે મામલો ઉજાગર થયો. પોલીસની ચાર્જશીટ અનુસાર દસમી જાન્યુઆરીએ કઠુઆના રાસના ગામ પાસેના જંગલમાં પોતાના પરિવાર સાથ રહેતી આસિફા અચાનક ગુમ થઈ ગયેલી. આસિફાના પિતા મોહમ્મદ યુસુફે પોલીસમાં લખાવેલી ફરિયાદ અનુસાર તેમની પુત્રી આસિફા તે દિવસે ઘાસ લેવા જંગલમાં ગઈ હતી જે પરત ફરી નહોતી. એ ઘટનાના અઠવાડિયા પછી બાળકીનો મૃતદેહ મળી આવ્યા બાદ મેડિકલ તપાસ પછી સાબિત થયું કે બાળકી સાથે સામૂહિક બળાત્કાર અને ત્યાર બાદ હત્યાની ઘટના ઘટી છે. જે આરોપીને પોલીસે પકડ્યો તે એક અધિકારીનો ભત્રીજો હતો. અધિકારીના કહેવાથી જ ગુનો આચરવામાં આવેલો. અત્યંત ઘૃણાસ્પદ કહી શકાય તે રીતે બળાત્કારનો ગુનો મંદિરના પરિસરમાં આચરવામાં આવ્યો. જે આરોપીની ધરપકડ થઈ તે પણ સગીર વયનો છે અને તેણે અને તેના મિત્રોએ સાથે બાળકીને ઘેનની ગોળીઓ ખવડાવી વારાફરતી બળાત્કાર ગુજાર્યો, જેમાં એક સ્થાનિક પોલીસ કર્મચારી પણ સંડોવાયેલો હતો. આઘાતજનક બાબત એ છે કે આ પોલીસ કર્મચારી ગુમ થયેલી બાળકીની તપાસના કેસમાં જોડાયેલો હતો. આ પોલીસ કર્મચારીએ અપહરણકર્તાઓને બાળકીનો જીવ લેવા માટે થોભી જવાનું કહેલું અને તેણે પણ જઈને આસિફા ઉપર બળાત્કાર ગુજાર્યો ત્યાર બાદ પેલા સગીર વયના આરોપીએ ગળું દબાવીને આસિફાની હત્યા કરેલી. ચાર્જશીટ અનુસાર તપાસ કરી રહેલી પોલીસ ટીમે સગીર વયના આરોપીને કેસમાંથી બચાવવા માટે તેની માતા પાસેથી દોઢ લાખ રૃપિયા પણ પડાવેલા.

વધુ ગંભીર બાબત એ છે કે આ બળાત્કાર અને હત્યાની ઘટના પાછળનું કારણ માત્ર હવસ નથી. ચાર્જશીટ મુજબ બકરવાલ સમુદાયની બાળકીના અપહરણ, ગેંગરેપ અને હત્યાની યોજના તે વિસ્તારમાંથી આ લઘુમતી સમુદાયને હટાવવા માટે ઘડવામાં આવી હતી. આ વિસ્તારમાં સ્થાનિક હિન્દુઓ અને ખાનાબદોશ મુસ્લિમ ગણાતા બકરવાલ સમુદાયના લોકો વચ્ચે કાયમ સંઘર્ષનું વાતાવરણ રહ્યા કરે છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે બકરવાલ સમુદાય તેમની જમીન ઉપર કબજો જમાવી લે છે અને તેમના જાનવરો તેમના પાકને નુકસાન પહોંચાડે છે. હવે આ હત્યાની ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાના પ્રયત્નો ચાલુ થઈ ગયા છે. ત્યાંના લોકોએ આરોપીઓની ધરપકડનો વિરોધ કરતી રેલીઓ યોજી, વકીલોના બાર એસોસિયેશને આરોપીઓને બચાવવા માટે પ્રદર્શનો યોજ્યા અને બંધનું એલાન પણ આપ્યું. બાર એસોસિયેશન પોલીસની કામગીરીને સ્થાનિક લઘુમતી ડોગરા સમુદાય વિરુદ્ધનું કાવતરું ગણાવી રહ્યું છે.

આવો એક અન્ય કિસ્સો ગુજરાતનો છે. સુરતમાં પાંડેસરા પોલીસ મથકની હદમાં આવેલા જીઆવ બુડિયા રોડ પર જાળીમાંથી ગત છઠ્ઠીના રોજ સવારે અગિયાર વર્ષીય બાળકીની બળાત્કાર ગુજારી હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવી છે. બાળકીને લગભગ આઠ દિવસ સુધી ગોંધી રાખી નરાધમોએ અવાર-નવાર બળાત્કાર ગુજારી તેને ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ લાશ ફેંકી દીધી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીના શરીરે જે રીતે ૮૬ નિશાન મળી આવ્યાં તેના પરથી અંદાજ આવે છે કે કુમળી બાળા ઉપર કેવો અમાનુષી અત્યાચાર ગુજારાયો હશે? આવો એક વર્ષ-૨૦૦૯નો કિસ્સો હમણાં બહાર આવ્યો છે જેમાં અમદાવાદના બાપુનગર વિસ્તારમાં બારોટના છાપરામાં રહેતા ભોમાજી મકવાણા (મારવાડી)ની સાત વર્ષીય દીકરી સંગીતા પાડોશીને ત્યાં રમતી હતી અને અચાનક ગુમ થઈ ગયેલી. પોલીસને ફરિયાદ કર્યા બાદ બે દિવસે ભોમાજીને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી કે તમારી દીકરી સંગીતાની લાશ બાપુનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાની મૂતરડીમાં પડી છે. એ કિસ્સામાં પણ જાણવા મળેલું કે માસૂમ સંગીતા પર બળાત્કાર ગુજારવામાં આવ્યા બાદ ગળે ટૂંપો દઈને તેની હત્યા કરવામાં આવેલી.

આવી અનેક ઘટનાઓ દેશમાં ઘટતી રહેતી હોય છે, પરંતુ ખૂબ ઓછા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. પકડાય એને જ ચોર કહેવો, એ આપણી માનસિકતા છે એટલે અનેક ઘટનાઓ જાહેરમાં આવ્યા સિવાય જ સમયના વહેણ સાથે વિલીન થઈ જાય છે. આવા કિસ્સાઓમાં દુર્ભાગ્યવશ પીડિતા અને આરોપી વચ્ચે ઘણા કિસ્સાઓમાં જૂની ઓળખાણ કે સગાં-સ્નેહીઓનો સંબંધ હોવાથી પણ નાના-મોટા કિસ્સાઓ બહાર આવતા નથી. મહિલાઓ પોતાની લજ્જાના કારણે અને ભવિષ્યને ધ્યાનમાં લઈને મોટા ભાગના કિસ્સાઓમાં શોષણખોરીને સહન કરી લે છે, ત્યારે સવાલ આપણા સમાજમાં ઘટતી આવી ઘટનાઓ પ્રત્યેના આપણા અભિગમનો પણ છે. આજે દેશભરમાં આવી ઘટનાઓ સામેનો જે તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે તે સમાજના પ્રત્યેક સંવેદનશીલ નાગરિકના દિલો-દિમાગ પર સતત છવાયેલો રહેવો જરૃરી છે. કઠુઆ-ઉન્નાવની ઘટનાના આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગંભીર પડઘા પડ્યા છે અને ભારતની આબરૃ પર ધક્કો લાગ્યો છે.

અફસોસ એ વાતનો છે કે આવી ઘટનાઓના સમાચારો અવાર-નવાર પ્રાપ્ત થતા રહે છે. મહિલા સુરક્ષા માટેના કાયદાઓને ગમે તેટલા સખત બનાવવામાં આવે, પરંતુ સરકારોની સંવેદનશીલતા જ્યાં સુધી મરી પરવારેલી જ હોય ત્યાં સુરક્ષાની વાતો માત્ર ભાષણો અને કાગળ પર જ રહે છે. હાલની ઘટનાઓ તેનું દેખીતું પ્રમાણ છે. આજથી પાંચ વર્ષ પહેલાં નિર્ભયાના કેસ વખતે જે લોકજુવાળ ઊમટ્યો હતો જે જોતા લાગતું હતું કે ભવિષ્યમાં દેશની દીકરીઓ સાથે થતાં ભયંકર અપરાધોમાં કમી આવશે, પરંતુ એ ધારણા ખૂબ ટૂંકા સમયમાં જ ખોટી પડી છે. મહિલાઓના અધિકારની વાત, મહિલાઓની સુરક્ષાની વાત, મહિલાઓની સમાનતાની વાત અને મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે આવી ઘટનાઓ શાસકોની નીતિ અને નિયત સામે ગંભીર સવાલો ખડા કરે છે.

——————–.

એનાલિસિસ.સુધીર એસ. રાવલ
Comments (0)
Add Comment