બોલ મા, બોલ મા, બોલ મા રે…

વ્યક્તિ સતત ઉઘાડું થતું રહેલું પ્રાણી છે...

હૃદયકુંજ –  દિલીપ ભટ્ટ

મીરાંબાઈએ કહ્યું જ છે કે ઘરમાં પણ
રાધાકૃષ્ણ વિના તું બીજું બોલ મા રે…

આજકાલ કેટલાક પરિવારોમાં લોકો એટલું બધું બોલબોલ કરે છે કે બોલવામાંથી જ પ્રથમ એક પ્રકારની અરસિકતા અને અરુચિ જન્મે છે જે આમ તો નિરાકાર હોય છે, પરંતુ પછીથી એ જ અરસિકતા પ્રથમ ઉપેક્ષામાં રૃપાંતરિત થાય છે. અભિમાનીઓની ઉપેક્ષા કરો એટલે એમનું માન હળવેથી ક્રોધમાં પ્રવેશે. ક્રોધ વળી નવો વાણી વિલાસ લઈને આવે. કોઈ પણ પ્રશાંત પરિવારને અકારણ જ આડે પાટે ચડાવવા માટેનો આ એક પ્રાથમિક કાર્યક્રમ હોય છે. જરૃરી હોય એટલું સહુએ બોલવું જોઈએ. આખરે મને મારી વાત કહેવાનો અધિકાર છે અને જો મને એ વાત વિવેકથી ઉચ્ચારતા આવડે તો તો અધિકાર પાક્કો થઈ જાય છે, પરંતુ જોવાનું એ રહે છે કે બોલવાની ઇચ્છાઓ આવે છે તો આભિમાનિક ગંગોત્રીઓમાંથી. સહુને સલાહ આપવાથી કોઈ પોતાને સત્યપ્રતિજ્ઞ કે વિદ્વાન પુરવાર કરી શક્યું નથી. ક્યારેક તો સલાહકારોની વૃત્તિઓ તરફ શ્રોતાઓ મનોમન ઉપહાસપૂર્વક હસતા હોય છે. આપણે પોતાને મૂર્ખ સાબિત કરવા માટે ઉતાવળા લોકોને બહુ મદદ કરતા હોઈએ છીએ. એટલે કે કોઈએ માત્ર કલ્પના કરી હોય કે મિસ્ટર એક્સ બેવકૂફ છે. તો મિસ્ટર એક્સની તરફથી જ એ કલ્પનાનું સમર્થન કરતા ઘટનાક્રમો પ્રગટ થવા લાગે એવું.

મનુષ્ય કંઈ ખરેખર બહુ ચાલાક પ્રાણી નથી, આ ચારેબાજુથી સતત ઉઘાડું થતું રહેલું પ્રાણી છે, પરંતુ એ માને કે હું ચાલાક છું અને મને કોણ જાણી શકે? આને કારણે એના વિચાર, વાણી અને વર્તનમાં જે ભેદ તે પોતે જ રચે છે એને એ પોતાના ત્રણ અલગ વ્યક્તિત્વ તરીકે મેઇન્ટેઇન કરવાનો પ્રયત્ન કરે છે, જે પ્રયત્નો આ યુગમાં સફળ નીવડતા ન હોય એવા દૃષ્ટાંતો સહુના અનુભવમાં છે. જે ભેદ છુપાવવા જોઈએ તે બીજાઓ છુપાવી શકતા નથી એવો આપણો અનુભવ હોય તોય આપણે તો એમ જ માનીએ છીએ કે આપણા ભેદ કોઈ ન જાણે. આ ઘટનાઓ સાબિત કરે છે કે કુદરતે માનવમનનાં કેટલાંક સોફટવેરો બદલાવેલાં છે અને નવા જમાનાની આ હવામાં જાણે કે કંઈ જ ગોપનીય છે. પહેલા ખાનગી શબ્દનો અર્થ ગુપ્ત થતો હતો. હવે ખાનગીનો અર્થ છે ભવિષ્યમાં જે જાહેર થવાની છે તે તમામ વૈચારિક, દસ્તાવેજી કે ઇતર સામગ્રી. માનવજાત પર આવેલા કેટલાક નવા સંકટોમાં આ પરિવર્તનની ગણના થવી જોઈએ.

પરિવારોમાં આમ તો કંઈ ખાનગી હોતું નથી. આ વાત સમજણ યુક્ત પરિવારો માટે છે, કારણ કે સંસારના કેટલાક ભીષણ બોજમાં એક ગુપ્તતા છે. શા માટે ખાનગીકરણ કરવંુ? દરેક વ્યક્તિની જિંદગીમાં ‘પ્રાઇવેટ’ સેક્ટર જેટલી વધુ જગ્યા રોકે તેટલું સંકટ અધિક. ખરેખર તો ગોપનીયતાના શોખીનોએ એકાંતિક જીવન પસાર કરવું જોઈએ, જેથી ન કંઈ જાણવાનું રહે કે ન કંઈ જણાવવાનું રહે, પરંતુ મનુષ્યે પોતે જ આદિકાળથી પરિવારની રચના કરી, સમાજની રચના કરી. આ પરિવાર અને આ સમાજ હવે તેની વ્યક્તિમત્તાનો ભાગીદાર છે. વ્યક્તિ કહે છે કે હું મારી છું અને પરિવાર અને સમાજ કહે છે કે તમારામાં અમારો ભાગ છે. પોતે સ્વયં એક ભાગીદારી પેઢી છે અને સમય, નાણા અને ક્ષમતા જે પોતાના હાથમાં છે તે સહુને ન્યાયિક રીતે વહેંચી આપવાના છે એટલી જો ખબર પડે તો પછી બહુ બોલ-બોલ કરવાની જરૃર નથી.

જગતમાં એવું પણ જોવામાં આવ્યું છે કે જેઓએ આ જગતને કંઈ જ કહેવાનું નથી તેઓ વધુમાં વધુ બોલે છે. દરેક પરિવારમાં સભ્યપદની શ્રેષ્ઠ શરત એક આદર્શ શ્રોતાની હોય છે. મંચ પર બહુ વક્તાઓ એક જ કાર્યક્રમમાં ટોળે વળી જાય તો ઓડિયન્સ નારાજ થાય છે. બધા જ ચાહે છે કે સહુ ટૂંકું બોલે. આ આપણો જાહેર અનુભવ છે. તો ઘરનો અનુભવ આનાથી જુદો કેમ હોઈ શકે? બોલે એના બોર ત્યારે જ વેચાય જ્યારે ખરેખર પોટલીમાં બોર હોય, મોટા ભાગના લોકો ઠળિયાની પોટલી લઈને બોલ-બોલ કરતા હોય છે.

વળી કોઈને કંઈ કહી શકાતું નથી. બાને કહો તો બા કહેશે- હું બોલું એ જ તને સાંભળવું ગમતું નથી. પિતાશ્રીને કહીએ તો તેઓ રિસાઈ તો જશે, પણ રીસ પૂર્વેનું એક દીર્ઘ વ્યાખ્યાન પણ આપશે. પત્નીને શું કહેવું? – એ સ્વબુદ્ધિ નિર્ભર નિર્ણય છે. સંતાનો મોટા થયા પછી જ માતાપિતાને ખ્યાલ આવે છે કે દરેક દંપતી પોતાના ઘરમાં પોતાના સલાહકારોને જન્મ આપે છે! આમાં હજુ ભાઈ-ભાભી અને દાદા-દાદીની વાત તો બાકી છે.

પરિવારમાં જો એકબીજા પરત્વેની વાંકદેખી વાક્ વક્રતાઓ ન હોય તો સર્વ સુખ પ્રભુએ આપેલાં જ હોય છે. ભારતમાં સુખી પરિવારોની કુલ સંખ્યામાં અને એમના સુખની માત્રામાં વધારો થયો હોવાનાં સર્વેક્ષણો છે. સવાલ એ છે કે રોટી, કપડાં ઔર મકાનનો પ્રશ્ન ઉકેલાઈ ગયા પછી પણ જે વણઉકલ્યા પ્રશ્નો છે તેમાં આકારણ પ્રસારિત થતાં પારિવારિક વ્યાખ્યાનોનો મહત્ ફાળો છે અને હોય છે.

મીરાંબાઈએ તો કૃષ્ણભક્તિ માટે જ કહ્યું છે, પરંતુ રાધાકૃષ્ણ ન બોલી શકાય તો કંઈ નહીં, જિંદગીની સાંજ પડે ત્યારની વાત ત્યારે. એ સિવાય મીરાંબાઈએ સ્પષ્ટ કહ્યું કે બીજું કંઈ બોલ મા. મીરાંના આ આજ્ઞાર્થનું માદળિયું બનાવીને બાવડે બાંધી રાખવા જેવું છે. આપણે પોતે બોલવાનું ઓછું કરીએ ત્યાંથી એક નવી જિંદગીની શરૃઆત થાય છે. દંપતીઓમાં એવું જોવામાં આવ્યું છે કે એક વક્તા હોય ને બીજું પાત્ર શ્રોતા હોય. વળી એવું પણ હોય કે બંને પાત્ર વક્તા હોય. તેઓ લવબર્ડ જેવા વક્તા હોચ ત્યાં સુધી બહુ વાંધો નથી, પરંતુ જ્યારે લવ એલિમેન્ટ સંસારના તડકે તપીને સૂકાઈ જાય ત્યારે માત્ર બોલ બોલ બોલ… વધે છે. પછી તેઓ કહે છે કે, સંસાર ખારા સાગર જેવો છે.

ઘરમાં બોલવા – ન બોલવાનો આખો ખેલ બહુ બારીક હોય છે. સાવ નહીં જેવી અને નાની બાબતમાંથી ઘોંઘાટ વધતો જાય છે. એને શાંત કરવા જતાં વક્તાઓ વધે છે ને નવો ઘોંઘાટ આકાર લે છે. પરિસ્થિતિઓની પણ આવૃત્તિ હોય છે અને દર થોડા સમયે નવી આવૃત્તિ ‘પ્રકાશિત’ થાય છે. કેટલીક ‘સારી’ આવૃત્તિઓ બજારમાં બહુ વહેંચાય છે, કારણ કે પરિવાર બહારના કુટુંબીજનો, જ્ઞાતિજનો અને પરિચિતજનોને એવી આવૃત્તિઓમાં બહુ રસ પડે છે. કેટલીક ‘સારી’ આવૃત્તિઓની તો લોકો જાતે ઝેરોક્સ કરીને વહેંચવા નીકળે છે. ઘરની ચાર દીવાલ વચ્ચેની નાની-નાની વાતોની બોલ-બોલ પાંચજન્ય કક્ષાના શંખનાદ સુધી પહોંચી જાય ત્યાં સુધી ઘણા પરિવાર બેહોશ હોય છે. તેઓ જાણતા જ હોતા નથી કે નાના-નાના બે ચાર ટાંકા ન લેવાથી આકાશ તૂટી પડવા તત્પર બની ગયું હોય છે. ડહાપણની કટોકટી ક્યારેક આપણા પરિવારોને કોઈક જુદા જ નિર્જન ટાપુ તરફ હંકારી જાય છે. સ્વવિવેક, સ્વભાન અને સ્વસંયમ સિવાય આજકાલ ચોતરફ જોવા મળતા આ રાજરોગનો કોઈ ઉપાય નથી.

રિમાર્ક – અગ્રતાક્રમ સુધારે તેનો ભવ સુધરે.

દિલીપ ભટ્ટના કલમે લખાયેલા હૃદયકુંજના લેખો નિયમિત વાંચવા માટે અભિયાન સબસ્કાઇબ કરો

——————————————–.

દિલીપ ભટ્ટહૃહયકુંજ
Comments (0)
Add Comment