આપણા માટે સાઉદી અરેબિયા રણમાં ખીલેલું એક કમળ છે

અમારા પેગંબર મુહમ્મદે એક જ્યૂ સ્ત્રી સાથે લગ્ન કરેલા.

ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

અમેરિકાનાં બાળકો હોય કે સાઉદી અરેબિયાના કવિ અશરફ
સુખી સુરક્ષિત કોઈ નથી, છતાં બંને દેશ દોડે છે પ્રગતિ તરફ

આપણે અહીંયાં ઇન્ટોલરન્સથી લઈને એટ્રોસીટી અંગે અંદરોઅંદર લડી મરીએ છીએ અને વિશ્વ આગળ વધતું જાય છે. ગયા વીકમાં આપણે લોકોએ ચાવેલો એક મેસેજ વાગોળી લઈએ- આપણને સુપરપાવર બનતાં કોઈ રોકી શકે તેમ નથી, સિવાય કે ખુદ આપણે. લાખો લોકોને સેકન્ડ-હેન્ડ સાયકલ ‘ને લારી લેવાના વાંધા હોય ત્યાં આપણે પેટ્રોલના ભાવવધારા માટે ભારત બંધ પાળીએ અને પછી પેટ્રોલનો ભાવવધારો ભોગવતા રહીએ. સામાજિક ભેદભાવ કરતાં જ્યાં આર્થિક ભેદભાવ નૈતિકતા ‘ને માનવતાને જીવતા ભરખી જવાની તૈયારી કરી રહ્યો હોય અને લાખો લોકોને જે બસમાં બેસવાનું સ્વપ્ન માંડ આવતું હોય એ બસ સળગાવીએ. નવી સાયકલ કે લારી ‘ને જૂની બસનું મૂલ્ય આપણે પૂર્ણતયા વિસરી રહ્યા છીએ. આપણને રસ રહ્યો છે કિંમતમાં.

૫૦૦ મિલિયન યુરોની ક્રીડાનૌકા. ૪૫૦.૩ મિલિયન ડૉલરનું ચિત્ર. ૩૦૦ મિલિયનનું એક આરામઘર. સાઉદી અરેબિયાના ફર્સ્ટ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એવં પાટવી કુંવર મોહમ્મદ બિન સલમાન અતિધનાઢ્ય છે. એમના પિતાશ્રી દેશના રાજા છે. ‘૮માં ૧.૮ બિલિયન ડૉલરનું એક ભવન લીધું. ‘૧૪ સુધીમાં કમ સે કમ ૧૧,૦૦૦ યુનિટ ન્યૂયૉર્કમાં ખરીદ્યા. ‘૧૫માં અર્ધાથી વધુ ટાઇમ્સ સ્ક્વેર બિલ્ડિંગ કબજે કર્યું. આવી કંપનીના સીઇઓ છે જેરેડ કુશ્નર. તેમના ભાઈ, પિતા વગેરે પણ વેરી વેરી બિગ બિઝનેસમેન અને શ્વશુરશ્રી છે ડોનાલ્ડ ટ્રમ્પ. ‘૮૫માં જન્મેલ જુનિયર સલમાન ‘ને ‘૮૧માં જન્મેલ જેરેડ, આ બે યુવાન ભેટ્યા. પોતાની કરોડો કે અરબોખરબોની સંપત્તિ માટે પછી, પહેલાં પોતપોતાના દેશ માટે.

ટ્રમ્પના ચૂંટણી પ્રચાર માટે તમામ રીતે સક્રિય રહેલા જેરેડ સસરાએ રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું એવા તરત મેદાનમાં આવી ગયેલા. મૂળે ‘ન્યૂયૉર્ક ઓબ્ઝર્વર’ નામક અઠવાડિક છાપાંમાંથી પરિવર્તિત થયેલી ‘ઓબ્ઝર્વર’ નામની ન્યૂઝ/મીડિયા વેબસાઇટના માલિક જેરેડ અનેકો હાઇપ્રોફાઇલ તેમ જ સિક્રેટ મિટિંગનો અનુભવ મેળવી ચૂકેલા હતા. જેરેડ મિડલ-ઇસ્ટમાંથી કટ્ટર ઇસ્લામવાદનો સફાયો કરવા કૃતનિશ્ચયી હતા અને અમેરિકન પ્રેસિડન્ટના સિનિયર સલાહકાર તરીકે એમના હાથમાં એ વિસ્તારની કૂટનીતિ નક્કી કરવાની જવાબદારી આવી. અગાઉની ઓબામા સરકાર કરતાં ઘણે અંશે વિપરીત અભિગમ અપનાવતાં એમણે વ્હાઇટ હાઉસમાં જાહેર કર્યું કે સાઉદી અરેબિયા વગર આપણે ગલ્ફમાં સફળ ના થઈ શકીએ.

આ તરફ એમ.બી.એસ.થી ઓળખાતા રાજકુંવર તથા કાઉન્સિલ ફોર ઇકોનોમિક એન્ડ ડેવલપમેન્ટ અફેર્સના પ્રમુખ, રાષ્ટ્રીય ઓઇલ કંપની અરામ્કોના વડા ‘ને રક્ષામંત્રી પોતાના દેશને તેલના ધંધાની મર્યાદામાંથી બહાર કાઢીને ‘વિઝન ૨૦૩૦’ માટે કટિબદ્ધ હતા. બેશક સાઉદીમાં ‘ને સમગ્ર સંસારમાં ઘણા ઘણા શંકા કરતા રહ્યા કે એમ.બી.એસ. પોતાની સત્તા ‘ને લાભ માટે જ બધું કરે છે. પરંતુ, ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશનને આશા તેમ જ વિશ્વાસ હતો કે મોહમ્મદ બિન સલમાન પોતાનો સક્ષમ તથા સુયોગ્ય ‘પ્રતિનિધિ’ નીવડશે. એમ.બી.એસ.ને માત્ર પશ્ચિમી રીતભાત યા શિષ્ટાચાર આવડે છે એવું નથી. એમણે વૈશ્વિક નજરિયો કેળવીને કાયદાકીય સુધારા પણ કર્યા છે. સાઉદીની ‘ધાર્મિક પોલીસ’ને માપમાં કરી દીધી. સ્ત્રી-વાહનચાલક પરનો પ્રતિબંધ ઉઠાવ્યો. પોતે પિયાનો વગાડી શકે છે એથી નથી અટકતું, એમણે સ્ત્રી ગાયકની પ્રથમ પબ્લિક કોન્સર્ટને ટેકો આપેલો. એમણે સ્પોટ્ર્સ સ્ટેડિયમમાં સ્ત્રીઓને જવાની પાબંધી હટાવી. સ્ત્રીઓને નોકરી મળે એ માટે પ્રોત્સાહન આપ્યું.

એમ.બી.એસ. સ્પષ્ટ બોલેલા કે મારી પાસે વીસ વર્ષ છે, વીસ વર્ષમાં ઓઇલનું મૂલ્ય શૂન્ય હશે. ‘વિઝન ૨૦૩૦’ની સફળતા માટે એમણે મેકકિન્સ્લી એન્ડ કંપનીની કન્સલ્ટન્સી લીધી. ચીન, રશિયા, અમેરિકા ગયા. માર્ક ઝુકરબર્ગ જેવી હસ્તીઓ સાથે બેઠક કરી. કેટલાય રોકાણકારો ‘ને સાહસવીરોને સમજાવવાનું મિશન ઉપાડ્યું. સાઉદી અરેબિયા ઓઇલ સિવાયના ધંધામાં જલ્દી ‘ને ઉચ્ચ પ્રગતિ કરે એ માટે એ સતત કાર્યરત રહ્યા. સાઉદીના સમાજનું પાયામાંથી રૃપાંતર કરવું એ પણ એમનું એક મુખ્ય લક્ષ્ય છે.

સાઉદી અરેબિયાનો ઇસ્લામિક જગત પર સીધો કાબૂ છે. મક્કા અને મદીના બંને પવિત્ર સ્થળના રખેવાળ તરીકે અંતે સાઉદીના રાજા સત્તા ધરાવે છે. એમ.બી.એસ. પહેલાં સાઉદી રાજનીતિજ્ઞ છે જેમણે તાજેતરમાં જ કીધું કે યહૂદી લોકોનો હક્ક છે કે તેમના પૂર્વજોની જમીન પર પોતાનો દેશ હોય. ઇઝરાયેલ-પેલેસ્ટાઇનની સમસ્યા અંગે પોતાના દેશની ‘બે-રાજ્ય’ના ઉકેલની વિચારસરણી આમ સ્પષ્ટ કરીને એમણે વર્લ્ડ મીડિયાની શાબાશી ઝીલી છે. અલબત્ત, આંખમાં કે આંતરડામાં ચાંદા પડ્યા હોય તેવા લોકોને નથી ગમ્યું. એમણે એવુંય કીધેલું કે અમારા દેશને જ્યૂઝ જોડે પ્રોબ્લેમ નથી. અમારા પેગંબર મુહમ્મદે એક જ્યૂ સ્ત્રી સાથે લગ્ન કરેલા. ઓન ટોપ ઓફ ધેટ ઇરાનના અંતિમવાદી વલણ સામે એમ.બી.એસ. આઇસીસને ખતમ કરવા આતુર છે અને એમની સાથે એમના ઘનિષ્ઠ ‘ને ઘનિષ્ઠ મિત્ર છે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયેદ. યાદ રહે આ એમ.બી.ઝેડ. એટલે એ વ્યક્તિ જેણે અબુ ધાબીમાં પથ્થરનું પ્રથમ ભારતીય મંદિર બનાવવા માટે ૫૫૦૦૦ સ્ક્વેર મીટર જગ્યા દાનમાં આપી છે. યુ.એ.ઇ. અને સાઉદી અરેબિયા બંને સુન્ની દેશ છે, પડોશી દેશ છે. આ બંને જોડીદાર ભાવિ રાજાઓ જાણે છે કે ઈરાન અને ઇસ્લામિક કટ્ટરવાદ એમના દેશને હોઇયા કરવાની ફિરાકમાં છે.

યુવાન એમ.બી.એસ. તરુણ કે કુમાર અવસ્થામાં હતા ત્યારથી કોઈ પણ જગ્યાએ કુટુંબ કે સરકાર તરફથી જતાં ત્યારે બોલ્યા વગર વ્યક્તિગત નોંધ ટપકાવતા રહેતા. એપ્રિલ ‘૧૬માં જ્યારે ઓબામાએ સાઉદીની એમની છેલ્લી મુલાકાત લીધી ત્યારે અમેરિકન અધિકારીઓએ માર્ક કર્યું કે એંસી વર્ષના રાજા સિનિયર સલમાન દરેક વાતના અંતે થોડો વિરામ લે છે. દૂર બેઠેલો એમ.બી.એસ. નામનો યુવાન દરેક અમેરિકન રજૂઆત એકાગ્ર ચિત્તે સાંભળીને તેના પેડ પર કશુંક ટાઇપ કરે છે. ત્યાર બાદ રાજા પોતાના પેડમાં જુએ છે અને પછી જવાબ આપે છે. ઓબામા તંત્રને સમજાઈ ગયેલું કે એમ.બી.એસ. એ સાઉદીની સત્તાનો મુખ્ય સ્ત્રોત્ર છે, પરંતુ એમની પોલિસી મુજબ એમની એ સમજનો એ લાભ ના ઉઠાવી શક્યા. જ્યારે એમ.બી.એસ. ટ્રમ્પની ચૂંટણી પહેલાં પોતાની રીતે પોતાના હથિયારધારી અંગરક્ષકોના રસાલા સાથે ટ્રમ્પ એન્ડ કંપનીને મળવા પહોંચી ગયેલા. અમીરાતી એમ.બી.ઝેડ. એમની નીતિઓમાં સતત ટેકો આપતા રહ્યા. કહેવાય છે કે ટ્રમ્પના રશિયન કનેક્શનમાં આ ડ્યુઓનો ફાળો છે અને ટ્રમ્પના ઇલેક્શન ફંડમાં પણ મિલિયન્સનો ફાળો છે.

મે ‘૧૭માં ટ્રમ્પ પહેલીવાર વિદેશ યાત્રા પર નીકળેલા. સાઉદી અરેબિયાએ તેમને રાજા જેટલું માન આપ્યું ‘ને સ્વાગત વગેરે માટે ૬૮ મિલ્યન ડૉલરનો ખર્ચો કર્યો. ટ્રમ્પ પરંપરાગત સંગીત પર રોયલ ફેમિલી સાથે તલવાર લઈને નાચ્યા. અંતે ટ્રમ્પે સાઉદીને કીધું કે અમેરિકાનું એક નંબરનું લક્ષ્ય છે આતંકવાદનો નાશ. એમને પૈસાની મદદ કરવાનું બંધ કરો. અમારી સાથે કોઈ રમત ના રમતાં. સાઉદી કાઉન્ટર ટેરરિઝમ માટે ધન આપવા તૈયાર થયું. અમેરિકાએ કીધું કે અમે તમને દસ બિલ્યનનાં શસ્ત્રો આપીશું. એ અમેરિકાના ઇતિહાસમાં એક જ શોટમાં થયેલી સૌથી મોટી વેપન્સની ડીલ હતી. એ દિવસે અમેરિકા અને ગલ્ફના સંબંધમાં ખરેખર ટર્નિંગ પોઇન્ટ આવ્યો. ટ્રમ્પ એન્ડ કંપની અને સાઉદી રાજ પરિવાર વચ્ચેની મિટિંગમાં કોઈ અમેરિકી રાજદૂત નહોતો. ટ્રમ્પ દ્વારા ૧ વર્ષ સુધી સાઉદીમાં કોઈ રાજદૂત નીમવામાં નહોતો આવ્યો. એ રાજકારણ હાયેસ્ટ લેવલનું હતું તેના કરતાં વધારે ડિપેસ્ટ લેવલનું હતું.

ભલે જેરેડ કુશ્નરને પોતાને અત્યારે વ્હાઇટ હાઉસના ખૂણામાંય માંડ જગ્યા મળે એમ હોય, એ સાઉદી ‘ને યુ.એ.ઇ. સાથે રહીને લેબેનોન, કતાર, ઈરાન વગેરેને એક બાજુ ખદેડી દેવામાં સફળ થયા. સાઉદીમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ જેહાદ જગાવીને જેરેડના મિત્ર નાનામોટા ગણતરીના દુશ્મન પેદા કરે છે, પણ અંતે પોતાનું રાજ્ય બળવાન કરી રહ્યા છે. ઝીણી લાગતી મેટરમાં પણ સાઉદી કાયદા બદલી રહ્યું છે. દા.ત. ગત અઠવાડિયામાં એમણે પોતાના સ્પાઉસના ફોનની જાસૂસી કરવાના કાર્યને ફોજદારી ગુનો જાહેર કર્યો. વિશાળ બાબત અંગે જોઈએ તો એમ.બી.એસ. વહાબિઝમને મદદ કરવાનું ઓછું કરતા કરતા એ ધીરે-ધીરે લિબરલ ઇસ્લામની સ્થાપના કરી રહ્યા છે. એમ.બી.એસ. ‘૧૭માં ઇઝરાયેલમાં જઈને સિક્રેટ મિટિંગ પણ કરી આવ્યા. આપણી પીન ભલે ૨૦૧૯ પર અટકી હોય, આ બધા ઇન્ટરનેશનલ પ્લેયર્સ એ પછીના દાયકાના પાયા નાખી બેઠા છે. અલબત્ત, મોદી સરકાર સાઉદી સાથે મીઠા સંબંધ બનાવવામાં સફળ થયેલી છે. છેક ‘૧૬માં વડાપ્રધાન મોદીનું સન્માન સાઉદી અરેબિયાએ એમના સર્વોચ્ચ નાગરિક ઍવૉર્ડ ‘ધ ઓર્ડર ઓફ કિંગ અબ્દુલ્લાઝિઝ’થી કરેલ.

છેલ્લી ખબર મુજબ દિલ્હીથી તેલ અવીવ(ઇઝરાયેલ) જતાં ભારતીય વિમાનો સાઉદીની ઍરસ્પેસમાંથી હવે સીધી ઉડાન ભરી શકશે. સાઉદીએ ઇન્ડિયન કેરિઅર્સના ક્ર્યૂ મેમ્બર્સને સાઉદીમાં જતાં પાસપોર્ટ જમા કરાવવો પડતો એય બંધ કર્યું છે. ભારત સાઉદીનું મુખ્ય ઓઇલ બાયર છે. સાઉદી ભારતનું ચોથા નંબરનું ટ્રેડિંગ પાર્ટનર છે અને હવે વાત આગળ વધી રહી છે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં બંને દેશ હાથ મિલાવીને આગળ વધે તેની. દિલ્હીમાં સૌથી મોટી એમ્બેસી સાઉદીની છે, સત્તર હજાર પાંચસો સ્ક્વેર મીટરની. સાઉદીના રાજા ‘૧૮માં ભારત આવશે. આ વર્ષે ભારત અને સાઉદીના રાજદ્વારી સંબંધને સિત્તેર વર્ષ થયાં. એમ.બી.એસ. ભારત સાથે સાઉદીના સંબંધ વધુ ઊંચાઈ પર લઈ જવા માંગે છે. ઉરીના ભારતીય લશ્કરી કેમ્પ પરના આતંકવાદી હુમલાની જાહેર ટીકા હોય કે અબુ જિન્દાલને ડિકપોર્ટ કરવાનો હોય, સાઉદી ભારત સાથે છે ‘ને કદમ મિલાવી જોડે વિકાસ કરવા માંગે છે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ‘૧૭માં ભારતના યોગને સાઉદીએ સ્પોર્ટનો દરજ્જો આપ્યો. પ્રશ્ન એ છે કે શું આપણા ઘરઆંગણાના અયોગી મુસ્લિમ કટ્ટરવાદીઓ ‘ને એમના કુયોગી ચમચા ચમચીઓ ભારત-સાઉદી સંબંધ વધુ મજબૂત થાય તેવું સ્વીકારશે? આપણા માટે સાઉદી અરેબિયા રણમાં ખીલેલું એક કમળ છે. આજે સાઉદી સાથે ક્યૂબા ‘ને કોંગો જેવા દેશો પણ દોસ્તી ગાઢી કરી રહ્યા છે ‘ને એમ.બી.એસ. એક દહાડો ઇજિપ્તમાં હોય છે તો કોક ‘દી યુકેમાં ત્યારે ભારતીયોએ ફક્ત ગોરા દેશો ‘ને ભારતીય લોહીના પ્યાસા એવા લાલ રંગના મહોરાવાળા સામ્યવાદીઓની ચાલે પોતાના સામાજિક ‘ને રાજકીય જીવન પર નજર મારવાનું બંધ કરવું જોઈએ. ઓવેસી ‘ને ઝાકિર છાપ ભારત તથા ભારતીય વિરોધી એવા કહેવાતા મુસ્લિમોના ખોળામાં બેસીને ખેલાતી આતંકવાદ તરફી સેક્યૂલર ચોપાટના ખેલથી વી, ધ પીપલને હવે વધારે નુકસાન ના જવું જોઈએ. માર્ક્સ ‘ને લેનિનના નામે પોતાના ઇટાલિયન પિઝા શેકનારાઓએ સાઉદી અરેબિયાની કોમ્યુનિસ્ટ પાર્ટી ફરી જીવતી કરવામાં ‘ને ત્યાં નાસ્તિકતાનો પ્રચાર કરવામાં પોતાની કાબેલિયત બતાવવી જોઈએ. સોનું ગરમ છે. ધીરે-ધીરે કોતરકામ કરતા રહેવું પડે. આખરે દુનિયાના નકશામાં ભારત એક દેશ છે, એક અથવા બીજો રાજકીય પક્ષ નથી.

બુઝારો
પોતાના ધર્મની એટલી બધી પ્રશંસા ના કરો કે તમે બાકીનાની અવગણના કરવા માંડો. જો તમે એવું કશું કર્યું તો તમે ઘણુ-ઘણુ સારું ગુમાવી દેશો. ના, તમે મૂળ વાતનું પરમ તથ્ય જ ચૂકી જશો.

– ઇબ્ન અર્બી (સાઉદી અરેબિયાના સૂફી સંત અને બેસ્ટ ઇન્ટરનેશનલ અરેબિક ફિક્શનનો ઍવૉર્ડ જીતનાર મોહમ્મદ હસનની ‘એ સ્મોલ ડેથ’ નોવેલના હીરો)

——————————————–.

ગૌરાંગ અમીનની લોકપ્રિય કોલમ નિયમિત વાંચવા અભિયાન સબસ્ર્ક્રાઇબ કરો

ગૌરાંગ અમીનચર્નિંગ ઘાટ
Comments (0)
Add Comment