સૂકા ભેગું લીલું બળે ત્યારે અશાંતિ સર્જાય છે

તોફાનોએ નિર્દોષ લોકો ખુવારી

ઍનાલિસિસ – સુધીર એસ. રાવલ

આઝાદીનાં ૭૦ વર્ષ પછી પણ આપણે ત્યાં અચાનક અશાંતિ પેદા થઈ શકે છે અને શાંતિ અને સ્થિરતા સામાન્ય માનવીનું સ્વપ્ન જ બની રહે છે. અશાંતિ આર્થિક હોય, સામાજિક હોય, ધાર્મિક હોય કે રાજકીય હોય, જનસામાન્યની સુખાકારીની તે વિરુદ્ધ જ હોય છે, તે સીધુંસાદંુ ગણિત હજુ સુધી આપણને નથી સમજાયું કે નથી કોઈ સમજાવી શક્યું. એસસી, એસટી કાયદા હેઠળ તાત્કાલિક ધરપકડ પર સુપ્રીમ કોર્ટના પ્રતિબંધના વિરોધમાં દલિત સંગઠનોએ જોતજોતામાં ૧૨ રાજ્યોમાં ભારે હિંસા તોડફોડ કરી, આગ લગાડી અને સૂરજ આથમતા સુધીમાં તો ૧૪ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. આ અગાઉ કરણી સેનાનાં તોફાનો, પાટીદાર આંદોલન, ગુર્જર આંદોલન અને આ પ્રકારના જાતિ આધારિત અને કોમ આધારિત કેટલાંય આંદોલનમાંથી પરિવર્તિત થઈ જતાં તોફાનોએ દેશની માલ-મિલકતને અપાર નુકસાન ઉપરાંત નિર્દોષ લોકોની જાન-માલની ખુવારી, એ આપણો ભૂતકાળથી લઈને વર્તમાન સુધીનો ઇતિહાસ રહ્યો છે.

શા માટે આપણા દેશમાં આવું અવાર-નવાર થતું રહે છે? શા માટે તેનો ઇલાજ શોધી શકાતો નથી? શું સત્તાકારણમાં વર્ચસ્વની લડાઈ માટે આવું બધંુ હોવું અનિવાર્ય છે? ..તો જવાબ ‘ના’ જ હોવો જોઈએ છતાં વાસ્તવિકતા તેનાથી વિપરીત જ છે. વિવિધ ધર્મ, વિવિધ જાતિ, વિવિધ જીવનશૈલી, વિવિધ ભાષા અને વિવિધ સંસ્કૃતિ ધરાવતા ૧૨૫ કરોડ ભારતીયો એક બંધારણ હેઠળ જીવી શકે છે, તેવું વિશ્વભરમાં અનન્ય ઉદાહરણ પૂરું પાડતો ભારત દેશ વિકાસ, પ્રગતિ અને ઉન્નતિના માર્ગમાં હજુ આવા અવરોધો સહન કરી રહ્યો છે, તે માટે મહદ્દઅંશે જો કોઈને જવાબદાર સમજવું હોય તો બીજું કોઈ નહીં, પરંતુ આપણા સમગ્ર શાસનતંત્રને ઠેરવવું જોઈએ. છેલ્લા કેટલાય સમયથી એવું જોવા મળે છે કે નવા-નવા કાયદાઓ બને છે તેમાં વિચાર ઓછો અને પ્રચાર વધુ હોય છે. મતબેંકના રાજકારણમાં અને લોકપ્રિયતા મેળવી લેવાની લ્હાયમાં મુઠ્ઠીભર નેતાઓને જે વિચાર આવે, તે સંસદમાં કે વિધાનસભાઓમાં કાયદો બની જાય છે. લોકપ્રતિનિધિઓ, તજજ્ઞો કે નીતિ નિર્ધારકોની વિચારવિમર્શમાં યોગ્ય સામેલગીરી ન હોવાથી કાયદાઓમાં દૂરંદેશીનો અભાવ વર્તાય છે. છેવટે અમલના સ્તરે વિસંગતિઓ ધ્યાન પર આવે છે, સમસ્યાઓ સર્જાય છે અને પ્રજાકીય સ્તરે દેશના નસીબમાં વેદના અને આક્રોશ આવે છે.

હાલનો મુદ્દો એસસી-એસટી એક્ટમાં સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં પોતાનું સંશોધન ઉમેરી અગાઉ સંસદે પસાર કરેલા કાયદામાં ફેરફાર કરવાથી દલિત સમુદાય છંછેડાયો છે. આની શરૃઆત મહારાષ્ટ્રમાં શિક્ષણ વિભાગના એક સ્ટોરકીપરે રાજ્યના ટૅકનિકલ શિક્ષણ નિર્દેશક સુભાષ કાશીનાથ મહાજન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેનો આરોપ એવો હતો કે મહાજને તેમના તાબા હેઠળના બે અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી અટકાવી દીધેલી અને તેમના વાર્ષિક ગુપ્ત અહેવાલમાં જાતિસૂચક ટિપ્પણી કરી હતી. પોલીસે બંને આરોપી અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તેમના વરિષ્ઠ અધિકારી મહાજનની મંજૂરી માગી હતી, પરંતુ તેમણે આપેલી નહીં. આથી પોલીસે મહાજન પર કેસ નોંધ્યો. આની સામે મહાજનનો તર્ક એ હતો કે કોઈ અનુસૂચિત જાતિની વ્યક્તિની વિરુદ્ધ પ્રમાણિક ટિપ્પણી કરવી એ જો ગુનો બનતો હોય તો તેવા કાયદાથી વહીવટીતંત્રમાં કામ કરવું મુશ્કેલ થઈ જશે. મહાજને પોતાની સામેની એફઆઈઆર રદ્દ કરાવવા હાઈકોર્ટનું શરણું લીધું, પરંતુ તેમને ત્યાં સફળતા ન મળતા તેમણે સુપ્રીમ કોર્ટમાં ધા નાંખી હતી. સર્વોચ્ચ અદાલતે ૨૦મી માર્ચે તેમની સામેની એફઆઈઆર દૂર કરવાનો આદેશ આપ્યો હતો. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે એસસી-એસટી એક્ટમાં જ ફેરફાર કરતી માર્ગદર્શિકા જાહેર કરી જેમાં આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાને બદલે પોલીસને ૭ દિવસમાં તપાસ કરવાની, આગોતરા જામીન પણ મળી શકે તેવી તથા સરકારી અધિકારીની ધરપકડ સક્ષમ અધિકારીની મંજૂરી વગર ન કરી શકાય તેવી જોગવાઈ કરી. આમ કરવાથી દલિત સમુદાયને લાગે છે કે એટ્રોસીટી એક્ટ નબળો પડ્યો છે અને તેની સામેનું જોખમ વધ્યું છે, જ્યારે સુપ્રીમનું અવલોકન એટ્રોસીટી એક્ટના દુરુપયોગ સામે બિનદલિત સમુદાયના ન્યાયપૂર્વકના રક્ષણનું છે.

એનાલિસિસિ કોલમની વધુ વિગતો વાચવા તેમજ – દેશની સાંપ્રત સંવેદનશીલ ઘટનાઓ પરનું રાજકીય અને સામાજીક વિશ્લેષણની વધુ વિગતો વાંચવા ‘અભિયાન’ આજે જ સબસ્ક્રાઇબ કરો.

 

——————————-.

એનાલિસિસ.કાયદોદલિતભારત બંધસુધીર એસ. રાવલ
Comments (0)
Add Comment