રાઇટ એન્ગલઃ લે. કામિની સંઘવીઃ પ્રકરણ-2

અદાલતમાં આરંભાતી  શૂન્યમાંથી શાશ્વત  થવાની સફર!

‘રાઇટ એન્ગલ’ – પ્રકરણઃ ૨ કામિની સંઘવી

કશિશની મૂંઝવણ

નવલકથાનું મુખ્યપાત્ર છે – કશિશ. તેની સાથે થયેલી ચીટિંગે તેનેે હચમચાવી દીધી છે. તે પોલીસમાં ફરિયાદ કરીને તેને છેતરનારા લોકોને કોર્ટમાં ઢસડી જવા માગે છે અને આ માટે તે પોતાના વકીલ મિત્ર ધ્યેયની મદદ લે છે. ધ્યેય તેની વાત સાંભળી પહેલાં તો આકુળવ્યાકુળ બની જાય છે. તેને વિશ્વાસ નથી બેસતો કે કશિશ એ હદે ગુસ્સે થયેલી છે કે તે પોતાના જ સગા-વહાલાંને કોર્ટમાં ખેંચી જવાની વાત કરી રહી છે. ધ્યેય કશિશને બહેલાવી-ફોસલાવીને ફરિયાદ ટાળવા માટે સમજાવે છે. જોકે, કશિશ તેની વાત પર અડગ રહે છે. ધ્યેય કશિશનો તો મિત્ર છે જ સાથે બંનેના પરિવારો પણ એકબીજા સાથે ગરોબો ધરાવે છે. ધ્યેય કશિશનો કેસ લડવાની ના પાડી દે છે પણ તેને આડકતરું માર્ગદર્શન આપવાનું વચન આપે છે. કશિશ ધ્યેયથી છૂટી પડીને ઘરે આવે છે ત્યાં જ તેનો પતિ કૌશલ પત્નીની રાહ જોતો બેઠો હોય છે. કશિશ કૌશલના ગયા બાદ પોલીસ સ્ટેશન જવાનું નક્કી કરે છે. પોતાના જ લોકો સામે ફરિયાદ અને કોર્ટ કેસ. જોકે, ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણએ આપેલાં ઉપદેશને યાદ કરીને કશિશ પોતાનું મન દૃઢ કરે છે.       હવે આગળ વાંચો…

—-.

બહારથી પોલીસ સ્ટેશનનો દેખાવ કોઈ મધ્યમ વર્ગના ઘર જેવો હતો. વિદેશી નળિયાથી છવાયેલું છાપરું અને લાકડાં અને પતરાંથી બનેલાં બારી-બારણા. બહારના નાનકડા ફળિયા જેવા ચોગાનમાં બે-ચાર બાઇક અને એક પોલીસ જીપ હતી. કશિશ  તે જોઈને થોડી નિરાશ થઈ ગઈ. આવું પોલીસ સ્ટેશન હોય? બધાં પર અછડતી નજર નાંખતી થોડા સંકોચ સાથે પોલીસ સ્ટેશનના આગળના ઓસરી જેવા ભાગને વળોટીને અંદરના ઓરડામાં આવી. બે માણસ પોલીસ ડ્રેસમાં બે ટેબલ પર બેઠા હતા. બીજી બે-ચાર ખુરશી અને મોટા રૃમના એક ખૂણામાં બે કબાટ. એક વૉકીટૉકી રેડિયો સેટ. જેમાંથી સતત કોઈકના બોલવાનો અવાજ આવતો હતો. ખૂણામાં એક સાત-આઠ વર્ષનો બાળક એક ચટાઈ પર બેઠો-બેઠો કૉલ્ડડ્રિંક્સ પીતો હતો. તે અંદર ગઈ તેવા જ ટેબલ પર બેઠેલા બેમાંથી એક કશું લખતો હતો એણે માથું ઊંચું કર્યું.

કશિશ કેવી રીતે વાત કરવી તે એ વિચારતી હતી ત્યાં હજુ તો તે કાંઈ કહે તે પહેલાં જ બેમાંથી એકે જેણે એના આવવાની નોંધ કરી હતી એણે પૂછયું,

‘બોલો બેન…શું કામ છે?’

કશિશનો પહેરવેશ ચાડી ખાતો હતો કે તે સારા ઘરની જ નહીં, હાઈફાઈ ઘરની યુવતી છે. એનો ડ્રેસ, એની હેરસ્ટાઇલ તથા હાથ, કાન-ગળામાં ઝબકતી ડાયમન્ડ જ્વેલરી એ સુપર રિચ છે તે દેખાય આવતું હતું. વળી, એની લક્ઝરી ઑડીકાર પણ પોલીસવાળાને બારીમાંથી દેખાતી હતી. એટલે જ કદાચ એણે આટલી નરમાશથી પૂછયું હશે.

કશિશ કશું બોલ્યા વિના પેલાની સામે પડી હતી તે ખુરશીમાં બેસી ગઈ. ગળે શોષ બાઝી ગયો હોય તેમ શબ્દો મળતા ન હતા. પેલો એને ધારી-ધારીને જોઈ રહ્યો હતો.  કશિશે સહેજ ગળું ખંખેર્યું, એ બોલી,

‘જી, મારે કમ્પ્લેઇન કરવાની છે.’

‘હા, બોલોને બેન!’

હવે કશિશ મૂંઝાઈ. આજ સુધી પહેલાં કદી પોલીસ સ્ટેશન જવાનું બન્યું ન હતું. હા, પહેલીવાર પાસપોર્ટ બન્યો ત્યારે પોલીસ ઇન્ક્વાયરી માટે પોલીસ સ્ટેશન આવી હતી. તે પણ એકલી તો નહોતી જ આવી. બે-પાંચ મિનિટમાં બધું પતી ગયું હતું. ગોખેલા સવાલ પૂછાય અને તેવા જ એના જવાબ આપવાના હોય! પણ અહીં તો બધા સવાલ પણ પોતાના હતા અને જવાબ પણ પોતે શોધવાના હતા.

‘જી…વાત એમ છે કે કોઈ લેડિઝ કોન્સ્ટેબલ નથી?’ ક્યાંથી શરૃઆત કરવી તેની  કશ્મકશમાં કશિશે બોલવામાં લોચો માર્યો.

પેલાએ હવે ધ્યાનથી કશિશના ચહેરા સામે જોયું. વર્ષોથી ગુનાખોરી સાથે પાનો પડ્યો હોય એટલે બે વત્તા બે એટલે ચાર નહીં, પણ પાંચ થાય તેવું વગર કહીએ પણ પોલીસ સમજી જતા હોય છે!

‘બેન અહીં તો હમણાં કોઈ બેન છે નહીં. આજે પેલા મહિલા રાજ્ય મંત્રી શહેરમાં આવે છે એની સુરક્ષા માટે ગયા છે. તમારે જે કહેવું હોય તે અમને કહી શકો છો. નહીં તો પછી કાલે આવો!’

અદાલતમાં આરંભાતી શૂન્યમાંથી શાશ્વત થવાની સફર! – 
નવલકથાની આગળની રસપ્રદ ઘટના માટે ‘અભિયાન’નું લવાજમ સબસ્ક્રાઇબ કરો…

 

—————–.

કામિની સંઘવીનલકથારાઇટ એન્ગલ
Comments (0)
Add Comment