કચ્છની સરહદે અમીર ખુશરોનું ‘દમા દમ મસ્ત કલંદર..’

સૂફી કવિ અમીર ખુશરોએ લખેલા 'દમા દમ મસ્ત કલંદર..

સંસ્કૃતિ – સુચિતા બોઘામણી કનર
sbk.bhuj1@gmail.com

૧૩મી સદીના મશહૂર સૂફી કવિ અમીર ખુશરોએ લખેલા ‘દમા દમ મસ્ત કલંદર..’ ગીતમાં ભૂકંપના કારણે કચ્છના મોટા રણમાં સમાઈ ગયેલા નદી તટના કિલ્લા સિંધડીનો અને પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા ઐતિહાસિક સ્થળ સહેવાણનો વારંવાર ઉલ્લેખ થાય છે. મૂળ સિંધીઓના ઇષ્ટદેવ ઝુલેલાલની સ્તુતિમાં લખાયેલા આ ગીતમાં સમયાંતરે અનેક ફેરફાર થયા, પરંતુ સિંધડી અને સહેવાણનો ઉલ્લેખ દરેક વખતે યથાવત્ જ રહ્યો….

બાંગ્લાદેશી કોકિલકંઠી ગાયિકા રૃના લૈલા, નુસરત ફતેહઅલી ખાન,ભારતીય કલાકારો હંસરાજ હંસ વગેરેએ ગાયેલું ‘દમા દમ મસ્ત કલંદર, સખી શાહબાઝ કલંદર’ ગીત ખરેખર તો એક કવ્વાલી છે. આ કવ્વાલી મૂળતઃ સૂફી કવિ અમીર ખુશરોએ સિંધીઓના ઇષ્ટદેવ ઝુલેલાલ- જેને દરિયાલાલ પણ કહેવાય છે- ની સ્તુતિમાં લખી હતી. જોકે પાછળથી મોગલ સમયના પંજાબી ઇસ્લામી તત્ત્વજ્ઞ અને સૂફી કવિ બુલેહ શાહે ૧૭મી શતાબ્દીમાં તેમાં ફેરફાર કરીને તેને અલી શાહબાઝ કલંદરની સ્તુતિમાં ફેરવી હતી. ત્યાર પછી તો તેમાં ઘણા ફેરફારો થયા અને પાછળથી ‘નંબર’ જેવા અંગ્રેજી શબ્દો પણ ઉમેરાયા. આમ છતાં આ કવ્વાલીનો ભાવ ક્યારેય ન બદલાયો.

આ કવ્વાલીમાં જેનો વારંવાર ઉલ્લેખ થયો છે, સિંધડી અને સહેવાણ એ બંને સિંધુ નદી અને તેની ઉપનદી પુરણ પરનાં શહેરો હતાં. સહેવાણ તો આજે પણ પાકિસ્તાનના સિંધ પ્રાંતનું ઐતિહાસિક સ્થળ છે. જ્યારે સિંધડીનો કિલ્લો કચ્છમાં હતો. આજે જ્યાં રણ ફેલાયેલું છે ત્યાં ૧૯મી સદી સુધી સિંધુ અને તેની ઉપનદીઓનાં પાણી વહેતાં હતાં. આથી જ સિંધડી એક ધમધમતું બંદર હતું. અહીં વેપાર ખૂબ મોટા પાયે થતો હતો. અહીં માલસામાન સંગ્રહવા માટે મોટાં-મોટાં ગોડાઉન હતાં. અહીં ખૂબ કર એકત્ર થતો હતો. આ બધી વાતોના પુરાવા ગીતો, લોકકથાઓ અને અન્ય લોકસાહિત્યમાંથી તો મળી રહે છે જ. ઉપરાંત જેને સત્તાવાર પુરાવા કહેવાય તેવો આ અંગેનો ઉલ્લેખ ઇમ્પીરિયલ ગેઝેટમાં પણ જોવા મળે છે.

૧૬મી જૂન, ૧૮૧૯ના આવેલા ધરતીકંપમાં જેમ સિંધુનું કચ્છમાંથી વહેવું અટકી ગયું તેવી જ રીતે આ કિલ્લો પણ ધરતીમાં સમાઈ ગયો. ત્યાં ખારા પાણી ફરી વળ્યા. હાલના હરામીનાળાની પૂર્વમાં આવેલા આ વિસ્તારમાં આજે પહોંચવું પણ દુષ્કર બની ગયું છે. ૧૮૩૮ પછી અહીં કોઈ જઈ શક્યું નથી. બી.એસ.એફ. કે આર્મીવાળા પણ આ જગ્યાની નજીક ગયા નથી. ૧૮૦૮માં ભૂકંપ પહેલાં કેપ્ટન રોબર્ટ એમ. ગ્રિન્ડલે નામના ચિત્રકારે આ કિલ્લાનું ચિત્ર દોર્યું હતું. તેમાં બંદર પર જહાજોની અવરજવર જોઈ શકાય છે. ૧૮૩૮માં ધરતીકંપ પછી દોરાયેલા અન્ય એક ચિત્રમાં કિલ્લાના ભગ્નાવશેષો દેખાય છે. હરામીનાળામાં પાણીની સતત થતી વધઘટના કારણે હાલ તો આ કિલ્લા સુધી પહોંચવું અઘરું બની ગયું છે. જો એ.ટી.વી. (ઓલ ટેરન વ્હીકલ) કે હેલિકોપ્ટરથી જવાય તો ત્યાં પહોંચી શકાય.

ઇસરોના રિસર્ચ ફેલો અને ઓશનોગ્રાફી પર પીએચ.ડી. કરનારા ડૉ. રોહન ઠક્કર સિંધડી અંગે વાત કરતાં જણાવે છે કે, ‘સામાન્ય રીતે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જગ્યા ખુલ્લી થાય છે ત્યારે જઈ શકાય, પરંતુ હરામીનાળામાં ગમે ત્યારે પાણી વધી જતું હોવાથી ત્યાં પહોંચી શકાતું નથી. આ કિલ્લો ઈંટોનો હતો. જે ભૂકંપમાં જમીનમાં બેસી ગયા પછી ઈંટો ગળી ગઈ. હવે તે જોવા મળતી નથી, પરંતુ ઉપગ્રહીય તસવીરમાં કિલ્લાની જગ્યાએ બદામી રંગનું લંબચોરસ માળખું જોવા મળે છે. મેં પી.આર.એલ.ના ડૉ. નવીન જુવાલ, ડૉ. અનિલ શુક્લ, કચ્છ યુનિ.ના ડૉ. મહેશ ઠક્કર, ડૉ. ગૌરવ ચૌહાણ અને ઇસરોના માજી વૈજ્ઞાનિક પ્રભુદાસ ઠક્કર સાથે અહીં પહોંચવાના ત્રણ વખત પ્રયત્ન કર્યા હતા, પરંતુ તે નિષ્ફળ ગયા હતા. સિંધડીના કિલ્લાની નજીક જ સુંડો અને લખપત પાસે કોટડી ધરમશાળાની પણ આવી જ જગ્યાઓ આવેલી છે. જો રાજ્ય કે કેન્દ્રના પુરાતત્ત્વ ખાતા, ઇસરો કે પીઆરએલ દ્વારા આ અંગે પદ્ધતિસરનું સંશોધન કરાય તો ઈંટો, વાસણો કે સિક્કાઓ મળી શકે અને ઇતિહાસની અનેક અજાણી વાતો બહાર આવી શકે તેમ છે.’

————————.

'દમા દમ મસ્ત કલંદરઅમીર ખુશરોક્ચ્છસુચિતા બોઘામણી કનર
Comments (0)
Add Comment