‘અમે રચ્યું હતું ”ઐતિહાસિક અભિનય”નું પ્રકરણ!!’

ક્રાંતિકથા ક્યાં, ક્યારેય સમાપ્ત થતી હોય છે?

ક્રાંતિપથ પર પ્રણયનાં ફૂલ… – વિષ્ણુ પંડ્યા
vpandya149@gmail.com

ભગતસિંહના ખોળામાં શચીન્દ્ર. મેં પણ થોડોક ચહેરો બદલાવ્યો! ચહેરા પર પાવડર અને ઊંચી એડીના ચંપલ! રાજગુરુ અમારા ‘નોકર’ તરીકે હાજર હતો, પણ કમર પર પિસ્તોલ લટકાવી રાખી હતી. કોણ જાણે, ક્યારે બ્રિટિશ પોલીસનો સામનો કરવો પડે!
લખનૌથી કલકત્તાની આ ટ્રેન સફર કેવી જોખમી હતી! ખબર પડે તો ત્રણેના શરીરને વીંધી નાખવા પોલીસ તત્પર હતી. આમ બન્યું હોત તો દેશને ઈન્કિલાબી ફાંસીવીર ભગતસિંહની પહેચાન થઈ શકી હોત ખરી?

ભગવતીચરણ કલકત્તા જ હતા. સુશીલાદીદીએ તેમને સાચવ્યા હતા. ભગતસિંહે સુશીલાદીદીને તાર કર્યોઃ ‘ભાઈની સાથે આવી રહી છુંઃ દુર્ગા.’ ભગવતીને નવાઈ લાગી. સુશીલાદીદી પણ સમજી ન શક્યા. કોણ ‘ભાઈ’ અને કોણ ‘દુર્ગા’?
સ્ટેશન પર જઈને જોયું તો- ભગતસિંહ અને દુર્ગાભાભી! ભગવતીચરણ ભાવવિભોર બની ગયા. ભર્યા અવાજે કહ્યંુઃ ‘દુર્ગા, આજે હું તને સમજી શક્યો!’

ક્રાંતિકથા ક્યાં, ક્યારેય સમાપ્ત થતી હોય છે?
દુર્ગાભાભીના- એ પછીના દિવસો- તેમના જ શબ્દોમાં સાંભળી રહ્યો હતોઃ
‘દિલ્હી એસેમ્બલી બોમ્બ કેસમાં ભગતસિંહ-રાજગુરુ-સુખદેવને ફાંસીની સજા ફરમાવી દેવામાં આવી હતી. સાથી-પતિ ભગવતીચરણ રહ્યા નહોતા. હવે મારે શું કરવું? સુખદેવ અને વૈશમ્પાયનની સાથે હું મુંબઈ પહોંચી. વૉરંટ તો પાછળ હતું જ. ત્રણ-ચાર વર્ષનો શચીન્દ્ર સાથે. મુંબઈમાં કેટલાક ક્રાંતિકારોએ સાથે મળીને અંગ્રેજ પોલીસ કમિશનર હેલીનો વધ કરવાની યોજના ઘડી કાઢી. તેમાં એક પૃથ્વીસિંહ આઝાદ પણ હતા. ચંદ્રશેખર આઝાદને તેના વિશે ઊંચો અભિપ્રાય નહોતો. (પછીથી પૃથ્વીસિંહ ગાંધીના શરણે ગયા, સાબરમતી આશ્રમમાં રહ્યા, મીરાબેન સાથેનો તેમનો પ્રેમ જાણીતી ઘટના છે. આઝાદી પછી સામ્યવાદી પક્ષ તરફથી ચૂંટણી પણ લડ્યા હતા. ભાવનગરમાં તેમનો નિવાસ હતો.)

તે દિવસોમાં બાબારાવ સાવરકર (વિ.દા. સાવરકરના ભાઈ) શાંતાક્રુઝમાં રહેતા હતા. મેં શચીન્દ્ર તેને સોંપ્યો. યોજના માટે તેમણે મને એકસો રૃપિયા આપ્યા… પૃથ્વીસિંહનો સ્વભાવ વિચિત્ર હતો. સુખદેવ અને હું તેમની સાથે રાતે આઠ વાગે મલબાર હિલમાં આવેલા, પોલીસ કમિશનર હેલીના બંગલા પાસે પહોંચ્યા. પોલીસનો ત્યાં કડક પહેરો હતો. લેમિંગ્ટન રોડ પર અમે અમારી કારમાં રખડતાં રહ્યાં. ત્યાં ચાર અંગ્રેજ સાર્જન્ટો દેખાયા! પૃથ્વીસિંહે કહ્યુંઃ ‘શૂટ!’ મેં પિસ્તોલ ચલાવી. બે ગોરા અને એક મેડમ તેમાં ઝપટમાં આવી ગયા… પછી અમે ભાગ્યાં. આઝાદ ભઈયા ગુસ્સામાં. તેમણે કહ્યુંઃ ભાભી, આવું બાલિશ કામ કેમ કર્યું? પૃથ્વીસિંહને કોણે કહ્યું હતું કે આવી સૂચના આપે?

પછી તો લેમિંગ્ટન-કેસ ચાલ્યો. પૃથ્વીસિંહ ગુજરાત તરફ ચાલ્યા ગયા હતા. કેસ ચાલ્યો, પોલીસે પકડી તો સ્તબ્ધઃ ‘આ દૂર્બળદેહી મહિલાએ ગોળી ચલાવી હતી?’ (મેં ગુજરાતી મહિલાનું શારદાબહેન નામ રાખ્યું હતું!) નજરકેદ કરવામાં આવી. પુત્રને ક્રાંતિસાથીઓએ ઉછેર્યો…

સ્વતંત્રતા પ્રાપ્તિ પછી દુર્ગાભાભી ગાઝિયાબાદ રહ્યાં. ૧૯૮૩માં ગાઝિયાબાદથી લખનૌ. લખનૌમાં એક શાળા ચલાવી.
ભગવતી ચરણ- દુર્ગાભાભીનું આદર્શ ક્રાંતિદંપતી હતું. ૧૯૦૪ના જુલાઈમાં ભગવતીચરણ અને દુર્ગાભાભી ૧૯૦૭ની ૭ ઑક્ટોબરે જન્મ્યાં હતાં. દુર્ગાની માતા યમુના દસ મહિનાની દુર્ગાને છોડીને સ્વર્ગવાસી થયાં હતાં. પિતા બાંકેબિહારીએ માસૂમ પુત્રીને સાચવવા બીજા લગ્ન કર્યાં. સૌ અલ્હાબાદ રહેતાં. ફોઈબાએ દુર્ગાને સાચવી. ૧૯૧૯માં ભગવતીચરણ-દુર્ગાનાં લગ્ન થયાં. લાહોરના ૧પ-૧૬ વર્ષનાં ભગવતી. લગ્ન થયાં પછી પતિએ કહ્યું કે હવે વધુ ભણવાનું શરૃ કરજે. પિતા (સસરા) રાયબહાદુર, ભગવતી તો સ્વાધીન મિજાજનાં. ઘર છોડીને દુર્ગાભાભી સાથે નીકળી ગયા.
પછીનાં સાહસોની તો પરંપરા!

મુંબઈ- ઘટના પછી તેમનાં બંને મકાનો સરકારે જપ્ત કરી લીધાં. ગૃહહીન, આશ્રયવિહોણી જિંદગી! સગાંવહાલાંઓએ મોં ફેરવી લીધું. જેઠે ફરમાવ્યું કે ભાઈ (ભગવતી) મૃત્યુ પામ્યો, કરજ બાકી છે! કાનપુરથી દુર્ગાદેવી અલ્હાબાદ આવ્યાં. પિતા સંન્યાસી થઈ ગયા હતા, તેમની ભાળ ન મળી. પુરુષોત્તમદાસ ટંડનને ત્યાં રહી. ત્યાંથી દિલ્હી. ત્યાં જ ખબર પડી કે આલ્ફ્રેડ પાર્કમાં ‘ભઈયા’ (ચંદ્રશેખર) પોલીસ સંઘર્ષમાં માર્યા ગયા છે. આ તો આકાશ ફાટ્યું! આઝાદ સમગ્ર ક્રાંતિમંડળીના
વટવૃક્ષ હતા. દુર્ગાભાભી પકડાયાં નહોતાં એટલે બધે પોલીસ તેમની પાછળ હતી. દિલ્હીથી હરિદ્વાર સુધી પગપાળા મુસાફરી કરવી પડી! પુત્ર શચીન્દ્ર અચ્યુત પટવર્ધનને ત્યાં રહેતો હતો. હરિદ્વારથી લાહોર જઈને પોલીસ સમક્ષ નિવેદન આપ્યું; ગિરફ્તાર કરવી જ હોય તો લો, આ રહી હું!! પોલીસ અફસર જેકિલ્સે કહ્યંુઃ તમારી ક્રાંતિમંડળીની બધી વિગતો પૂરી પાડો. દુર્ગાભાભી કહે કે તમારી પાસે દસ્તાવેજો હોય તો તેના આધારે મુકદ્દમો કરો ને?

દુર્ગાભાભીને ૧પ દિવસ રિમાન્ડ પર રાખવામાં આવ્યાં. જેલમાં દાદાભાઈ નવરોજીની પૌત્રી ખુરશીદ નવરોજી, લાહોરની જુત્સી, પાર્વતીદેવી,
સત્યવતીદેવી… બધાં મળ્યાં! કહે, ‘અમે તો માનતા હતાં કે દુર્ગાભાભી કેવી ખૂંખાર મહિલા હશે! આ તો દૂબળીપાતળી મહિલા છે!!
દુર્ગાભાભીને કોઈ સરકારે પદ્મભૂષણ કે ભારતરત્નથી નવાજિત કેમ નહીં કર્યાં હોય?
* * *

એ એક મહત્ત્વની અને યાદ રાખવા જેવી ક્રાંતિ-સંસ્કૃતિ હતી, જેમાં દરેક કાંતિકારોના પાલન-પોષણ અને સ્નેહની જવાબદારી મમતામયી સ્ત્રીઓએ સંભાળી હતી! શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની ‘પથેર દાબી’ (આપણે ત્યાં તેના અનુવાદો ‘પથેર દાબી’, ‘પથના દાવેદાર’ ‘અપૂર્વ ભારતી’ વગેરે નામે ઘણાં વર્ષો પૂર્વે થયેલા. બચુભાઈ શુકલ, નગીનદાસ સોની, શ્રીકાંત ત્રિવેદી અને બીજા ઘણાએ આ અનુવાદો કર્યા હતા.) માં સવ્યસાચી નામે એક પ્રખર ક્રાંતિકારનું અદ્ભુત પાત્ર છે, તેનો ધધકતો ક્રાંતિ-અગ્નિ, વિચાર અને જીવનને સાચવનારી મહિલાનું સુંદર પાત્ર શરદબાબુએ આલેખ્યું છે. દરેક ક્રાંતિકારોના મહાન આદર્શને પ્રેરણા આપવા ‘ભગિની’ ‘ભાભી’ અને ‘દીદી’ હોય જ એ પણ આપણા ઇતિહાસનો અછૂતો રહી ગયેલો અધ્યાય છે.

સરદાર ભગતસિંહ અને તેના સાથીદારોની અન્નપૂર્ણા સરસ્વતીઓ હતી સુશીલાદીદી અને દુર્ગાભાભી.
દુર્ગાભાભીએ ભાગ્યે જ પોતાનું મોં ખોલ્યું છે. છેક હમણાં સુધી તેઓ આપણી વચ્ચે હતાં, એક શાળા ચલાવતાં. ક્યારેક સ્મરણ ગઠરિયા ખોલતાં તો બલિદાની જિંદગીની લાંબી સફરનો અહેસાસ થઈ આવે! અગાઉના લેખમાં મેં તેમની મુલાકાતનું વર્ણન કર્યું છે, એ દિવસોમાં (૧૯૬૮) તેમણે એક લેખ પણ લખ્યો હતો. તે સમયે ‘રાષ્ટ્રધર્મ’ અને ‘પાંચજન્ય’ના વિશેષાંકો વચનેશ ત્રિપાઠીની કલમે ક્રાંતિ-કથા કહેતા. વચનેશજી પોતે પણ અગાઉ ક્રાંતિમંડળીમાં હતા. તેમણે સંપાદિત કરેલો ‘પાંચજન્ય’ના વિશેષાંકમાં દુર્ગાભાભીનો લેખ છેઃ ‘ભગતસિંહની સ્મૃતિ મેં’. તેના કેટલાક અંશ ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે.

લખે છે દુર્ગાભાભી ઃ
‘૧૯ર૧નું કોંગ્રેસનું આંદોલન લોકોનાં જીવનનો એક વળાંક બની ગયું. એ સમયનો વિદ્યાર્થી વધારે સ્વાભિમાની અને ચિંતનશીલ હતો. આંદોલનમાં તેવા છાત્રો કૂદી પડ્યા. આંદોલન તો કોંગ્રેસે પાછું ખેંચી લીધું. ચોરી ચૌરાના નિમિત્તે, પણ લાહોરના યુવકો પાછા વળ્યા નહીં. સંખ્યામાં તો તેઓ માંડ રપ-૩૦ વિદ્યાર્થી હતા, પણ ‘આઝાદી યા મોત’ના સંકલ્પમાં અટલ રહ્યા. ક્રમશઃ ક્રાંતિ માટે સક્રિય લોકોની સંખ્યા પણ વધી. આ પૂર્વે પંજાબમાં ક્રાંતિકારી દળની શાખાઓ ભાગ્યે જ હતી. એકાદ ક્રાંતિકાર પ્રવૃત્તિ કરે. આ સમયે એવું ન બન્યું. સંયુક્ત પ્રાંત સુધી વિચારને વેગ મળ્યો. પંજાબમાં સંગઠન મજબૂત બની ગયું. ભાવાત્મક કવિતાઓ, લેખો, ભાષણો, નાટકોનો દોર ચાલ્યો. લાહોરનાં ત્રણ સ્થાનો- પંજાબ નેશનલ કૉલેજ, પરી મહેલ અને ખાદી ભંડાર ક્રાંતિ પ્રવૃત્તિનાં સ્થાનકો બની ગયાં. બધા એકઠા થાય, ચર્ચા કરે. કોઈ ઠીક સમય પર ભોજન પણ ન લે. મેલાં-ફાટેલાં કપડાં! પહેલીવાર ભગતને મળી તો તેના જૂતાં પણ રિપેર કરેલા હતાં!

ભગતનું ગામ શહેર (લાહોર)થી દૂર નહોતું. ક્યારેક તે જઈ આવે. પિતા સરદાર કિશનસિંહને શંકા હતી કે પુત્ર નવા રસ્તે છે. શોધવા પણ નીકળે પછી દાઢી પર હાથ ફેરવતાં ખુશીપૂર્વક બોલે ઃ ચલો, આજ ભી વો નહીં મિલા! તેને માટે એક સરદાર કન્યા પણ શોધી રાખી હતી. પિતા તો ગુસ્સો કરે એટલે માને કહી દીધું હતું કે મારાં લગન તો નક્કી થઈ ગયાં છે, હવે છોકરી શોધવાની ચિંતા ના કરે…’

‘કોણ છે એ દુલ્હન?’ મા પૂછતી.
ભગતસિંહ જવાબ વાળતો; છે એકદમ ગૌરવવંતી. માતાને ક્યાં ખબર કે બલિદાન તેની પ્રિયતમા હતી. તેને માટે ‘રંગ દે બસંતી…’ ગીત બધાં એકત્ર થઈને ગાતા યે ખરા! ર૩ વર્ષનો ભગતસિંહ ભાવુક હૃદય ધરાવતો, ચિંતનની તેની વિશાળ દુનિયા હતી, કોઈ પણ ઘટનાને તે સમયપથ પરના એક નિર્ણાયક વળાંકની સાથે જોડતો. સમગ્ર અધ્યયન તેની વિશેષતા હતી. લાહોરમાં બ્રિટિશ ગુપ્તચર તંત્ર સાવધાન બની ગયું હતું. અમે જ્યાં એકત્ર થઈએ ત્યાં પડછાયાની જેમ ગુપ્તચર પોલીસ હાજર હોય.
(ક્રમશઃ)
————–.

ક્રાંતિપથ પર પ્રણયનાં ફૂલ.દુર્ગાભાભીવિષ્ણુ પંડ્યાસરદાર ભગતસિંહ
Comments (0)
Add Comment