બાળપણના રંગો

બાળપણ માણસના જીવનનો એક નિર્ણાયક અને વિધાયક તબક્કો હોય છે

‘ઘ ણાબધા માણસોનાં મોંએ આપણે સાંભળીએ છીએ- ‘બાળપણમાં હું કેટલો સુખી હતો!’ બાળપણમાં દુઃખ વેઠ્યું હોય કે સુખ ભોગવ્યું હોય – માણસ જેમ-જેમ તેનાથી દૂર જાય છે તેમ-તેમ બાળપણ તેને સુખ અને સલામતીના નાનકડા નક્કર ટાપુ જેવો પ્રદેશ લાગે છે. જ્યાં કશી ચિંતા અને જવાબદારી નહોતાં અને આનંદની લહેરો જ તનમનને રોમાંચિત કરતી હતી! બાળપણમાં નિર્દોષતા અને મસ્તી સિવાય બીજું કશું હોતું નથી એવી છાપ સર્વાંશે સાચી નથી. બાળપણનાં કષ્ટો અને મૂંઝવણો વિશે આપણે અત્યારે મનોવિજ્ઞાનને કારણે ઘણુંબધું જાણતા થયા છીએ છતાં બાળપણના દિવસો સંભારવામાં માણસને અસાધારણ આનંદ મળે છે તે હકીકત છે અને તેનું કારણ એ જ હોવું જોઈએ કે બાળપણની વિસ્મયભરી આંખે જોયેલાં દ્રશ્યોની રંગીનતા મોટી ઉંમરની આંખોની દ્રષ્ટિમાં અલોપ થઈ ગઈ હોય છે. બાળપણની આંખ આસપાસનું ઘણુંબધું ટૅક્નિકલર ચિત્રના રંગોમાં જોતી હોય. પુખ્ત ઉંમરે માત્ર ‘બ્લેક અને વ્હાઈટ’ વધુ જોઈ શકે છે.

બાળપણ માણસના જીવનનો એક નિર્ણાયક અને વિધાયક તબક્કો હોય છે તે વિશે શંકા નથી. છતાં બાળપણના કડવા-મીઠા અનુભવો અમુક વ્ચક્તિની બાબતમાં કલ્યાણકારી અસરો અને અમુક વ્યક્તિની બાબતમાં કેમ વિનાશકારી અસરો પેદા કરતા હશે તેનું રહસ્ય આપણે પકડી શકતા નથી. મહાત્મા ગાંધીના જીવનમાં બાળપણમાં જોયેલું સત્યવાદી હરિશ્ચંદ્રનું નાટક તેને સત્યનો શોધક બનવાની દીક્ષા આપે અને એક બીજી વ્યક્તિને તે મુદ્દલ ન સ્પર્શે તેવું કેમ બનતું હશે? એક બાળક બાળપણમાં નાનકડી ચોરીના પ્રસંગમાંથી જિંદગીભરની શરાફત શીખે અને એક બીજું બાળક જિંદગીભર તસ્કરવિદ્યામાં આગળ વધતું રહે તેનું કારણ શું?

એક વાત ચોક્કસ છે કે ઘણાબધા માણસોને સંજોગોની લાચારીને લીધે બાળપણ વહેલું છોડી દઈને પુખ્ત અવસ્થાનાં દાઢી-મૂછ કુમળી વયે ધારણ કરી લેવા પડ્યા હોય છે. તેઓ જલદી-જલદી બાળક મટીને જુવાન બની ગયા હોય છે, તેમના શિરે ઘણી વહેલી જવાબદારીઓ આવી પડે છે. તેઓ બાળપણનું ઘણુંબધું ચૂકી ગયા હોય છે. તેઓ જે ચૂકી ગયા તે આગળ ઉપર ‘બીજી બાલ્યાવસ્થા’રૃપે દેખા દે છે. યુગોસ્લાવિયાના અગ્રિમ સૂત્રધાર- પ્રમુખ માર્શલ જોસેફ ટીટોની જિંદગીમાં આવું બન્યું હતું. પ્રૌઢ વયે તેમનાં ભભકાદાર રંગીન વસ્ત્રો જોઈને જવાહરલાલ નહેરુને તાજ્જુબી થઈ ત્યારે ટીટોએ કહ્યું હતું – નાની ઉંમરે કંઈ સારું પહેર્યું-ઓઢ્યું નથી! બાળપણની ગરીબી આ રીતે આગળ ઉપર તકાદો કરે છે. રશિયાના સ્ટાલિનના જીવનમાં પણ આવું બન્યું હતું. મોચીનો ગરીબ દીકરો પોતે જે બાળપણ ચૂકી ગયો તે શોધતો રહ્યો હતો.

બ્રિટનના એક મશહૂર નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સનું તો આખું જીવન, ચૂકી ગયેલા બાળપણની નિરંતર ખોજ જેવું લાગે છે. ચાર્લ્સ ડિકન્સે પોતાના બાળપણનાં દુઃખોની રંગીન રજૂઆત ઘણીબધી કથાઓમાં અને વિશેષ કરીને ‘ડેવિડ કોપરફિલ્ડ’માં કરી છે. તેના જીવનચરિત્રકારોને પાછળથી નવાઈ લાગી છે કે તેના બાળપણની સાચી હકીકતો તપાસતાં તેના અનુભવો આટલા બધા દુખદાયક દેખાતા નથી! માણસ બાળપણનાં સુખ કે દુઃખનો ભારે મોટો ગુણાકાર આગળ ઉપર કરી નાખે છે. બાળપણમાં જોયેલું ચપટી સુખ તેને મોટા પર્વત જેવું દેખાડવું ગમે છે અને બાળપણમાં જોયેલું નાનકડું દુઃખ આગળ ઉપર એ દુઃખના ડુંગર જેવું રજૂ કરે છે. ચાર્લ્સ ડિકન્સની બાબતમાં આવું બન્યું હશે તેમ આપણને લાગે, પણ આવું તેણે ઇરાદાપૂર્વક કર્યું હશે તેમ માની લેવાની જરૃર નથી. અમેરિકાના નોબેલવિજેતા નવલકથાકાર અર્નેસ્ટ હેમિંગ્વેએ પોતાની માતાની નિર્દયતાની જે વાત કરી છે તે હકીકતોની કસોટી ઉપર ટકતી નથી, પણ હેમિંગ્વેના આઘાતની સચ્ચાઈ તેમાં જૂઠી ઠરતી નથી.

રશિયાની મેક્સિમ ગોર્કીએ બાળપણનાં વિસ્તૃત સ્મરણો લખ્યાં છે, પણ તેમાં ગોર્કીએ પોતાની માને જેટલી કઠોર બતાવી છે તેટલી કઠોર તે ખરેખર હતી કે કેમ તે શંકાનો વિષય છે. મેક્સિમ ગોર્કીને પોતાની દાદીમા ખૂબ ભલી અને પ્રેમાળ લાગી છે અને ઘણાબધા લોકો પોતાની માતા કરતાં પોતાની દાદીમા કે નાનીમાના પ્રેમ અને ભલાઈની વાતો વિશેષ યાદ કરતા જોવામાં આવે છે. આનંુ કારણ એ છે કે, ‘કડવાબોલી મા’ના કડવા શબ્દો કેટલીક વાર યાદ રહી જાય છે. તેની કલ્યાણવાંછુ ચિંતા યાદ રહેતી નથી. માતાને પોતાના બાળકની ચિંતા હોય છે. તેના વિશે કેટલીક અપેક્ષાઓ હોય છે. બાળકના હિત વિશેના પોતાના સાચા કે ખોટા ખ્યાલથી પ્રેરાઈને કેટલીક વાર તે વધુ કઠોર કે ‘કડવાબોલી’ પણ બને છે. જ્યારે દાદીમા કે નાનીમાને માટે તો પૌત્ર કે પૌત્રી પોતાના બાળકનું બાળક છે. પોતાના

માતૃત્વનો આ વન્સમોર છે એટલે તેમાં બાળકની ત્રુટિ જોવાની નજર ઓછી છે અને પ્રેમની ધન્યતાનો ઊભરો વધુ છે. માતા ભણવા બેસવાની વાત કરશે અને દાદી રમવા જવાનું કહેશે! છતાં બાળકને માટે દાદા-દાદી કે નાના-નાનીના પ્રેમનું ભાથું ભારે કીમતી પુરવાર થાય છે. બાળકને સૌથી વધુ સ્નેહ અને સલામતીની લાગણી તેની માતા પાસેથી અને પછી તેના પિતા પાસેથી મળે છે તે સાચી વાત છે, પણ આત્મવિશ્વાસનું ઘણું મોટું બળ તેને દાદા-દાદી કે નાના-નાની પાસેથી મળે છે, તેવું ઘણાંબધાં ચરિત્રોથી જોવા મળે છે. બાળપણને યાદ કરતાં માણસને કોનું ઋણ કેટલું હૃદયમાં વસ્યું હતું તેનો ખ્યાલ આવે છે અને અમેરિકાના મહાન પ્રમુખ અબ્રાહમ લિંકન જેવા કેટલાક એવા પુરુષો પણ જોવા મળે છે જેમને પોતાની સગી માતા કરતાંય પાલક માતાના ઉપકાર અને પ્રેમ વધુ સાંભરી આવે છે! ગતિશીલતા અને કાર્યક્ષમતાના આપણા ભૌતિકવાદી ખ્યાલોમાં અત્યારે આપણે બાળપણને નિષ્ક્રિયતાની કોરી પાટી જેવું ગણી કાઢવાની ભૂલ કેટલીક વાર કરી બેસીએ છીએ, પણ જિંદગીનાં મૂળ ત્યાં પાંગરે છે અને પછી ખબર પડે છે કે જિંદગીની સિંચાઈ કરનારો પાતાળકૂવો પણ ત્યાં જ છે.

——————————–.

અર્નેસ્ટ હેમિંગ્વેચાર્લ્સ ડિકન્સબાળપણમાર્શલ જોસેફ ટીટોમેક્સિમ ગોર્કીસત્યવાદી હરિશ્ચંદ્ર
Comments (0)
Add Comment