તમારા માટે, તમારી સાથે, સતત…

જેમની સાથે કાયમી નાતો હતો તે જ સિંહ કેમ અચાનક કાળ બન્યા?

સિંહ સામાન્ય રીતે માનવીઓ પર હુમલા કરતા નથી.

0 183

વાઈલ્ડ લાઈફ – દેવેન્દ્ર જાની

સાસણ નજીક દેવળિયા પાર્કમાં સિંહે સમૂહમાં જે રીતે ઝનૂનભેર વન કર્મીઓ પર હુમલો કરી એક યુવાનને ફાડી ખાધો અને બેને ગંભીર ઈજા પહોંચાડ્યાની ઘટનાએ સ્થાનિક લોકો, વન વિભાગ અને વન્ય જીવનના અભ્યાસુઓને હુમલા જેવો જ આંચકો આપ્યો છે. છેલ્લા ચારેક દાયકામાં પહેલીવાર આ પ્રકારની ઘટના બની છે. જેની સાથે કાયમનો નાતો હતો તે જ અચાનક કેમ કાળ બનીને ત્રાટક્યો? આવા અનેક સવાલો આ ઘટનાએ સર્જયા છે.

સાસણથી ૧૩ કિ.મી. દૂર દેવળિયા પાર્કમાં ર૯ નવેમ્બરની સવારે આઠ વાગ્યે સિંહને પાંજરામાંથી બહાર કાઢીને પ્રવાસીઓનાં દર્શન માટે છૂટા મૂકવામાં આવ્યા હતા. પાર્કમાં રાબેતા મુજબનું વાતાવરણ હતું. ૧૧ વાગ્યે સિંહ દર્શનનો સમય પૂરો થવાની તૈયારીમાં હતો ત્યાં અચાનક જ સિંહના લોકેશન શોધનારી ટ્રેકર પાર્ટી પર ઢૂવામાં છુપાઈને બેઠેલા સિંહોએ હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટનાએ દેવળિયા પાર્કમાં દોડધામ મચાવી દીધી હતી. કેટલાક પ્રવાસીઓ તો ઘડીભર સમજી શક્યા નહીં કે શું થયું? અરે, ખુદ વન કર્મીઓ બેબાકળા બની ગયા હતા, કારણ કે ક્યારેય ન બની હોય તેવી ઘટના બની હતી. જેમની નજર સામે જ આ ઘટના બની હતી તેઓ તો થોડી મિનિટો માટે હતપ્રભ બની ગયા હતા. જોકે ઘટના પણ ભલભલાના છાતીનાં પાટિયાં બેસાડી દે તેવી હતી. જેમની સાથે સવારથી સાંજ સુધીનો કાયમી નાતો હતો તેવા સિંહ એકાએક કાળ બનીને ખુદ વન કર્મીઓ પર ત્રાટક્યા હતા. જેમાં એક યુવાનનું મોત અને બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી.

દેવળિયા પાર્કમાં બનેલી આ ચોંકાવનારી ઘટનાએ બે મોટા સવાલ સર્જયા છે. એક તો સામાન્ય રીતે એવું કહેવાય છે કે, સિંહ સામાન્ય રીતે માનવીઓ પર હુમલા કરતા નથી. બીજો સવાલ એ છે કે સિંહની વતર્ણૂકથી પૂરા પરિચિત હતા તે વન કર્મીઓએ કેમ ગાડીમાંથી ઊતરવાની ભૂલ કરી? આ ઘટના અને તેના સવાલો વિશે વાત કરતા પહેલાં એક નજર દેવળિયા પાર્ક પર કરીએ તો ગીરના જંગલમાં સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓનું ભારણ હળવું કરવા માટે સરકારે વર્ષ ૧૯૯રમાં સાસણથી ૧૩ કિ.મી. દૂર જંગલ વિસ્તારમાં જ ૪૧ર હેક્ટરમાં દેવળિયા પાર્ક ઊભો કર્યો હતો. ઓછા સમયમાં પ્રવાસીઓ જંગલમાં વિહરતાં વન્ય પ્રાણીઓને અને તેમની વર્તણૂકને નજીકથી નિહાળવાનો આનંદ લઈ શકે તે માટે દેવળિયા પાર્ક ઊભો કરાયો હતો. દેવળિયા પાર્કમાં આવનારા પ્રવાસીઓની સંખ્યા સતત વધતી રહી છે. અહીં દસ જેટલા સિંહને રાખવામાં આવ્યા છે. વન વિભાગ રોજ સવારે સિંહને પાંજરામાંથી બહાર પાર્કમાં છૂટા મુુકી દે અને સાંજે પાછા પાંજરે પૂરી દે છે. ખાસ તાલીમ પામેલી ટ્રેકર ટીમ આ કામ કરે છે. સિંહ માટે ખોરાક પણ વન વિભાગની ટુકડી લાવતી હોય છે. સવારે ૮થી ૧૧ અને બપોરે ૩થી પ સુધી પ્રવાસીઓને આ પાર્કમાં પ્રવેશ કરવા દેવામાં આવે છે. પાંજરામાંથી સિંહને છોડનાર વન વિભાગની ટીમને ખબર જ હોય છે કે સિંહ કયા કયા સ્થળે જ ઝાડી-ઝાંખરાંઓમાં બેસતા હોય છે. ટ્રેકર ટીમ સતત તેના લોકેશન ટ્રેસ કરતી હોય છે અને તેનું મુખ્ય કામ જ પ્રવાસીઓને સિંહના લોકેશનની જાણ કરી સલામત અંતર રાખીને દર્શન કરાવવાનું હોય છે.

Related Posts
1 of 142

જૂનાગઢ વન વિભાગના સીસીએફ ડી.ટી.વસાવડા કહે છે, ‘આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. અમે પણ માની ન શકીએ, પણ આવી ઘટના બની તે હકીકત છે. દેવળિયા પાર્કમાં જે ટ્રેકર ટીમ હોય છે તે સિંહોની વર્તણૂક અને સ્થળથી પૂરી પરિચિત હોય છે. આમ છતાં જે રીતે સિંહે હુમલો કર્યો અને રજનીશ કેશવાલાનું મોત થયું અને બે વન કર્મચારીઓ ઘાયલ થયા એ ઘટના અમારા માટે પણ આંચકારૃપ  છે. રજનીશ પણ જંગલ એરિયા કે સિંહની વર્તણૂકથી અજાણ ન હતો. તે છેલ્લાં આઠ વર્ષથી આ કામ કરતો હતો. આ યુવાનનો ભાઈ અને પરિવારના કેટલાક સભ્યો પણ વન્ય રક્ષણની કામગીરી સાથે જોડાયેલા છે. અમારી પૂરી સંવેદના મૃતકના પરિવાર સાથે છે, પણ સાથે આ ઘટનાની પૂરી તપાસ કરવાના પણ આદેશ આપ્યા છે, જેથી ભવિષ્યમાં આવી ઘટના નિવારી શકાય.’

ગુજરાત સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડના સભ્ય અને વન્ય જીવનના અભ્યાસુ ભૂષણભાઈ પંડ્યા ‘અભિયાન’ને કહે છે, ‘દેવળિયા પાર્કમાં હતા તે સિંહ સેમી કેપ્ટિવ એનિમલ હતા. ઝૂમાં કેપ્ટિવ એનિમલ હોય છે, મતલબ કે જંગલમાં વિહરતાં સિંહ અને બંધ પાંજરામાં રહેતા સિંહની વર્તણૂકમાં ફેર હોય છે. જંગલમાં રહેતા સિંહ બચ્ચા હોય ત્યારથી તેને કેમ શિકાર કરવો ખોરાકની શોધ કેમ કરવી તેની તાલીમ સિંહણ આપતી હોય છે. સામાન્ય રીતે જંગલના સિંહને કોઈ છંછેડે નહીં તો હુમલા કરતા નથી, જ્યારે પાંજરામાં કેદ રહેતા સિંહ સતત ગુસ્સામાં રહેતા હોય છે. વારંવાર માનવીઓનાં ટોળાં સામે દેખાતા હોવાથી તે ડર અનુભવે છે અને ક્યારેક હુમલા કરી દે છે. દેવળિયા પાર્કમાં પણ અગાઉ એક વખત એક વન કર્મી પર હુમલો કર્યો હતો, પણ તે બચી ગયો હતો. જૂનાગઢ સક્કરબાગમાં પણ હુમલાની ઘટના બની છે, પણ તા. ર૯ નવેમ્બરે દેવળિયામાં સિંહે ટ્રેકર પાર્ટી પર હુમલો કરી એક વન કર્મીને જ ઢસડીનેે ઢૂવામાં લઈ ગયો અને મારી નાખ્યો તે ઘટના ચોંકાવનારી છે. સિંહની હેબિટથી પરિચિત વન કર્મીએ કેમ ગાડીમાંથી નીચે ઊતરવાની ભૂલ કરી? એ અને સિંહ કેમ આટલા ગુસ્સામાં હતા તે બંને વિષય તપાસ માગી લે છે.’

લાકડીથી ડાલામથ્થા સામે બાથ ભીડી
આ ઉપરાંત સૌથી મોટો સવાલ એ પણ છે કે, સિંહના લોકેશન શોધનારી ટ્રેકર ટીમ પાસે આવા અસામાન્ય હુમલાના સંજોગોમાં તત્કાળ રક્ષણ માટેનાં પૂરાં સાધનો ન હતાં. વૉકીટોકી અને લાકડીઓ સિવાય કોઈ સાધન ન હતાં. રજનીશને શોધવા ગયેલી પાર્ટી પર ફરી એક વાર સિંહે હુમલો કર્યો ત્યારે જશાભાઈ હેડિયા નામના ફોરેસ્ટરે લાકડીથી સિંહ સામે બાથ ભીડી એક સાથીને બચાવ્યો હતો. સિંહ જેવા હિંસક પ્રાણીઓ સામે રક્ષણની જવાબદારી નિભાવનારા સ્ટાફને પણ પૂરી તાલીમ સાથે સાધનો આપવા જોઈએ જેથી આવા સંજોગોમાં જીવ બચાવી શકે.

સિંહને આજીવન કારાવાસની સજા કેમ?
દેવળિયા પાર્કમાં વન કર્મીઓ પર ઘાતક હુમલો કરનાર બે સિંહ ગોૈરવ અને ગૌતમ છેલ્લાં સાતેક વર્ષથી દેવળિયા પાર્કમાં જ હતા. તેનો ઉછેર જ આ પાર્કમાં થયો છે. આ બંને સિંહે અચાનક જ ભારે ગુસ્સામાં આવી વન કર્મીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટનાથી વન વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. કલાકોની જહેમત બાદ બંને સિંહ પાંજરે પુરાયા હતા. આ બંને સિંહને હવે દેવળિયા પાર્કમાં રાખવાના બદલે કાયમી પાંજરે જ કેદ રાખવાનો વન તંત્રએ નિર્ણય કર્યો છે. જોકે સિંહને આ સજા સામે કેટલાંક પ્રાણી પ્રેમીઓમાં રોષ પણ છે. તેઓની દલીલ એવી છે કે ભૂલ કોની હતી તે તપાસનો વિષય છે, પણ સિંહને આવી આજીવન કારાવાસની સજા કેમ? આમ દેવળિયાની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાએ અનેક સવાલો સર્જયા છે.
————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »