તમારા માટે, તમારી સાથે, સતત…

ગટરના ગેસમાંથી વીજળી બનાવે છે સુરત મહાનગર

ગટરના ગેસમાંથી વીજળી બનાવનાર સુરત મહાનગરપાલિકા દેશની પ્રથમ મહાનગરપાલિકા છે,

0 137

નવતર પ્રયોગ – હરીશ ગુર્જર

બિન પરંપરાગત ઊર્જાના સ્ત્રોતની મદદથી વીજળી બનાવવાનો વિચાર સુરત મહાનગરપાલિકાને ૧૯૯૮માં આવ્યો હતો અને સુએઝ વૉટર એટલે કે ગટરના પાણીમાંથી વીજળી બનાવવાનો નિર્ણય લેવાયો. ગટરના ગેસમાંથી વીજળી બનાવનાર સુરત મહાનગરપાલિકા દેશની પ્રથમ મહાનગરપાલિકા છે, ત્યારે સમજીએ આ આખા પ્રકલ્પને.

કંઈક નવું કરવું અને કોઈએ ન કર્યું હોય એવું કરવું, સુરત મહાનગરપાલિકા માટે આ સૂત્ર નવું નથી. રાજ્યની સદ્ધર મહાનગરપાલિકામાં સ્થાન ધરાવતી સુરત મહાનગરપાલિકા સતત નવા વિચારો અને નવી યોજનાઓ દ્વારા શહેરીજનોની સુખાકારીમાં વધારો થાય તેવા પ્રયત્નો કરતી આવી છે. આવો જ એક અદ્ભુત પ્રયત્ન સુરત મહાનગરપાલિકાએ ૧૯૯૮માં કર્યો, ગટરના પાણીમાંથી પેદા થતાં ગેસના ઉપયોગથી વીજળી બનાવવાનો.

૧૯૯૮માં દિલ્હીમાં મિનિસ્ટ્રી ઓફ નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ (મંત્રાલયનું હાલનું નામ મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી)ની એક બેઠક મળી હતી. જેમાં સુરત સહિત દેશની ૭૭ મહાનગરપાલિકાના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં યુનાઈટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ (ેંદ્ગડ્ઢઁ) ના સહયોગથી સુરત મહાનગરપાલિકાની સુએઝ વૉટરમાંથી (ગટરનું પાણી) વીજળી બનાવવાના પ્રોજેક્ટની જવાબદારી ઉપાડવા જણાવવામાં આવ્યું. સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા બિલકુલ અલગ જ પ્રકારની આ કામગીરીને તકની જેમ ઝડપી લીધી અને બેંગ્લોરની સંસ્થા પાસે સ્ટડી રિપોર્ટ બનાવ્યો. ૧૯૯૮માં રોપાયેલા બીજનું ફળ ૨૦૦૩માં સુરત મહાનગરપાલિકાને મળ્યું. સુરતના આંજણા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર અઢી કરોડ રૃપિયાના ખર્ચે ૦.૫ મેગાવૉટના દેશના પહેલા સુએઝ ગેસ બેઝ પ્લાન્ટની સ્થાપના થઈ. જેના માટે ૫૦ ટકા ગ્રાન્ટ યુએનડીપી દ્વારા આપવામાં આવી હતી.

Related Posts
1 of 319

સુરત મહાનગરપાલિકાના આંજણા વિસ્તારમાં બનેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આવતાં ગટરના પાણીને ટ્રીટ કરી નદીમાં છોડવાની પ્રક્રિયામાં અંદાજે ૧૪ લાખ રૃપિયાની વીજળીનો ખર્ચ કરવો પડતો હતો, પરંતુ ૨૦૦૩માં વીજળી ઉત્પન્ન થવાની શરૃઆત થતાં આ ખર્ચ ઘટીને ૭-૮ લાખ પર આવી ગયો છે.

સુરત મહાનગરપાલિકાના મેયર ડૉ. જગદીશ પટેલે આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, સુએઝ વૉટર એટલે કે ગટરનું ગંદું પાણી નદીમાં છોડતાં પહેલાં તેને સુરત સહિત દેશની ઘણી મહાનગરપાલિકાઓ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ કરે છે અને ત્યાર બાદ નદીમાં છોડે છે, પરંતુ સુરત મહાનગરપાલિકા પાણીને ટ્રીટ કરતી વખતે પેદા થતા ગેસને ખુલ્લા વાતાવરણમાં છોડવાને બદલે તેમાંથી વીજળી બનાવે છે અને તે વીજળીની મદદથી જ સુએઝ પ્લાન્ટ ચલાવે છે. આ રીતે ટ્રીટમેન્ટ દરમિયાન પેદા થતાં મિથેન જેવા ઝેરી ગેસને હવામાં ઓગળતો અટકાવી સુરત મહાનગરપાલિકા પર્યાવરણની જાળવણી કરવાની સાથો સાથ વીજળી ઉત્પન્ન કરે છે.

હાલમાં સુરત મહાનગરપાલિકા આંજણા ઉપરાંત ૨૦૦૮-૦૯માં સુરતના ભટાર, કરંજ અને સીંગણપોર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર પણ ૧-૧ મેગાવૉટના વીજળી પેદા કરતાં પ્લાન્ટ સ્થાપ્યા છે. ૨૦૧૩-૧૪માં બમરોલી અને કોસાડમાં બનેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પણ વીજળી બને છે અને જૂન સુધીમાં ડિંડોલી પ્લાન્ટ પર પણ વીજળીનું ઉત્પાદન શરૃ થઈ જશે. સુરત મહાનગરપાલિકાને લઈ ૨૦૦૬માં દુબઈ સરકાર દ્વારા આ સંદર્ભે દુબઈ ઇન્ટરનેશનલ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવી છે.

આ સંદર્ભે વિસ્તૃત માહિતી આપતાં સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગના વડા ઈ.એચ. પઠાણે જણાવ્યું કે, હાલમાં ગટરના ગેસમાંથી ૪.૬૨૫ મેગાવૉટના વીજળીના પ્લાન્ટ કાર્યરત છે. જેમાંથી અત્યાર સુધી ૬.૪૫ કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન થયું છે, જેનું નાણાકીય મૂલ્ય ૩૨ કરોડ રૃપિયા થાય છે. ગેસમાંથી વીજળી બનાવા માટે ઉપયોગમાં લેવાતાં તમામ સાધનો વિદેશથી જ લાવવા પડે છે, જેના કારણે પાવર પ્લાન્ટ બનાવાવનું મોંધુ પડે છે. જો ભારતીય કંપનીઓ આંતરરાષ્ટ્રીય અમારી જરૃરિયાત મુજબના એન્જિન બનાવી આપે તો માત્ર સુરત જ નહીં, દેશની અન્ય મહાનગરપાલિકાઓ પણ ગેસ બેઝ પાવર પ્લાન્ટ સ્થાપવાનું વિચારી શકે.
———————-

Leave A Reply

Your email address will not be published.

Translate »