તમારા માટે, તમારી સાથે, સતત…

ઓનલાઈન શોપિંગઃ આજ અને આવતીકાલ

0 373
  • કવર સ્ટોરી  – વિનોદ પંડ્યા

ભારતમાં ઈ-કોમર્સે હજુ જન્મ જ લીધો છે, ત્યારે તેમાં ઝંપલાવીને વૉલમાર્ટે બજાર સર કરવાની તમન્નાનાં દર્શન કરાવી દીધા છે. વૉલમાર્ટની ભારતમાં બીજી રીતે તો હાજરી હતી જ. ભારતમાં તેના ર૧ બિઝનેસ ટુ બિઝનેસ કેશ એન્ડ કેરી સ્ટોર્સ દ્વારા વેપારીઓને જથ્થાબંધ માલ વર્ષોથી વેચે છે. વૉલમાર્ટ દુનિયાભરમાં જે માલસામાન વેચે છે તેમાં ઈ-કોમર્સનો હિસ્સો માત્ર ત્રણ જ ટકા છે. ભારતમાં હવે તેનો ફેલાવો વધશે તેમ ટકાવારી પણ વધશે. જીએસટી લાગુ પડ્યા પછી તેનું વ્યવસ્થાતંત્ર સુરેખ બનશે તેમ તેમ ઈ-કોમર્સ અને કુલ રિટેઈલિંગનું પ્રમાણ વધશે તેમ કેટલાક નિષ્ણાતોનું માનવું છે, પણ રિટેઈલિંગમાં નોંધવા લાયક નવો ટ્રેન્ડ એ જોવાઈ રહ્યો છે કે જે કંપનીઓ ઈ-કોમર્સમાં જ રહીને સફળ થઈ તેઓ હવે પોતાના રિટેઈલ સ્ટોર્સ ખોલી રહી છે. તેઓની ફિલોસોફી છે કે ફિઝિકલ (શોપ) સ્ટોર અને ઈ-કોમર્સ એકબીજાના હરીફના બદલે પૂરક બની શકે છે.

અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીયો વિકએન્ડમાં ગ્રોસરી જાયન્ટ કોસ્ટકો અથવા ફર્નિચર જાયન્ટ આઇકિયા સ્ટોર્સમાં ટોળાબંધ જોવા મળે. કોસ્ટકોમાં માત્ર ગ્રોસરી જ મળે એવું નથી અને આઇકિયામાં ઘર સજાવટ અનેે ઘરવપરાશની નાની-મોટી અનેક ચીજો મળે. મૂળ સ્વીડનની આઇકિયા કંપની (જેને સ્વિડિશમાં ‘ઇકેઆલ્લ કહીને ઓળખવામાં આવે છે)નો એક સ્ટોર ૧પથી ર૦ એકરમાં ફેલાયેલો હોય છે. તેનો ગ્રાઉન્ડ ફ્લોર ત્રણ માળના મકાન જેટલી હાઈટ ધરાવતો હોય. આ આઇકિયા કંપની ભારતમાં આવી ચૂકી છે. હૈદરાબાદના હાઈટેક સિટી વિસ્તારમાં ૧૩ એકર વિસ્તારમાં ફેલાયેલો ઘેરા બ્લ્યુ રંગનો આ મૉલ દૂરથી લોકોનું ધ્યાન ખેંચે છે. ફર્નિચરની આવડી મોટી દુકાન હોય તેવું ભારતના લોકોએ અગાઉ જોયું કે સાંભળ્યું ન હતું. જોકે આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુ હાઈટેક ક્રાંતિ લાવ્યા. ત્યાર બાદ લાખો પ્રોફેશનલો અમેરિકા અને અન્યત્ર સ્થાયી થયા છે. તેઓ અને આંધ્રમાં વસતા તેઓના સગા આઇકિયા વગેરેથી સુપરિચિત છે. કંપની ભારતનાં બીજા શહેરોમાં મેગાસ્ટોર્સ ખોલવાની તૈયારીઓમાં છે.

આજથી થોડાં વર્ષો અગાઉ આઇકિયા જેવી કંપનીઓને ભારતમાં મેગાસ્ટોર્સ ખોલવામાં જોખમ જણાઈ રહ્યું હતું. આઇકિયા રૃ.ર૦,૦૦૦ કરોડ રૃપિયાના રોકાણથી ભારતમાં રપ (પચ્ચીસ) સ્ટોર ખોલશે. ગંજાવર રોકાણ પ્રમાણે વળતર રળવાની શક્યતા ઓછી જણાતી હતી, પરંતુ હવે ઈ-કોમર્સ અથવા ઓનલાઈન બજારો ખૂલી ગયાં છે અને સફળતાપૂર્વક ચાલી રહ્યાં છે. તેથી આઇકિયાને ભારતમાં વેપાર કરવાની ચાનક ચડી છે. સવાલ એ છે કે જો ઓનલાઈન વેપાર કરવાનો હોય તો ૧પ-૧પ એકરના ગંજાવર સ્ટોર ખોલવાની જરૃર શી છે? આ સવાલ જ બતાવે છે કે રિટેઈલ માર્કેટમાં કોમ્પ્યુટરોની બનેલી ઓનલાઈન સિસ્ટમ પણ ચાલશે અને ઈંટ-ચૂનાના બનેલા ગંજાવર સ્ટોર્સ પણ ચાલશે. હમણા થોડાં વર્ષો અગાઉ ભારતના વેપારીઓએ ઓનલાઈન છૂટક વેચાણ કરતી દુકાનો (ઈ-ટ્રેડર્સ) સામે મોરચો માંડ્યો હતો અને તેઓને રોકવા માટે સરકાર સમક્ષ માગણી કરી હતી, પણ જો કોઈ કાનૂની માર્ગે સસ્તામાં ચીજવસ્તુઓ વેચવા માગે તો તેને રોકી કઈ રીતે શકાય? એ વેપારીઓ માટે સારી અને સાચી સલાહ એ છે તેઓ પણ ઈ-કોમર્સની દુનિયામાં જોડાઈ જાય. આ હાલની અને આવનારા સમયની નવી સ્થિતિ છે.

તેની સાથે તાલ બેેસાડી નહીં શકે એ લોકો સંકોચાતા જશે. વાસ્તવમાં ઈકોમર્સને કારણે કુલ વેપારવણજમાં વધારો થઈ રહ્યો છે. ગંજાવર સ્ટોર્સને પણ તેના ફાયદા સમજાઈ રહ્યા છે. જેમને મોડું સમજાયું તેને વધુ નુકસાન થયું છે. અમેરિકામાં વૉલમાર્ટની બોલબાલા બંધ થઈ ગઈ છે અને એમેઝોન અને બીજી કંપનીઓ આગળ નીકળી ગઈ છે. વૉલમાર્ટે પોતાના સ્ટોર્સ પર જ વેપાર કરવાનો મદાર રાખ્યો અને ઓનલાઈનમાં ગયા નહીં તો કંપની લાઈનમાંથી બહાર નીકળી ગઈ છે. હકીકતમાં વૉલમાર્ટ ઓનલાઈન ટ્રેડિંગ શરૃ કરે તે માટે એક સમયે એમેઝોન કરતાં પણ વધુ મજબૂત માળખું તેની પાસે હતું, પણ નવું નહીં અપનાવવાની ફિલોસોફી ભારે પડી ગઈ. ભારતમાં આઇકિયા આવતા વરસથી ઓનલાઈન વેપાર પણ શરૃ કરશે.

ભારતના ગ્રાહકો ઓનલાઈન ફર્નિચર ખરીદીમાં થોડી અકળામણ અનુભવશે. આઇકિયાનાં ફર્નિચરો છૂટા ભાગોના રૃપમાં મળશે અને ગ્રાહકે તેને ઘરમાં જાતેે (ડુ ઈટ યોર સેલ્ફ) જોડવા અથવા એસેમ્બલ કરવા પડશે, પરંતુ ભારતમાં મજૂરી સસ્તી હોવાથી મિસ્ત્રી, કારપેન્ટર વગેરે આસાનીથી મળે છે. તેથી લોકો તેઓ પર આધાર રાખે છે. હવે જો મિસ્ત્રી બોલાવવાનો હોય તો લોકો ખરીદી પહેલાં વિચારશે. જોકે આજકાલ મિસ્ત્રીઓ ખૂબ મોંઘા થઈ ગયા છે. એટલે લોકો ડીઆઈવાય વિકલ્પ વધુ પસંદ કરશે. આજના ભણેલા યુવા વર્ગને આવી પ્રવૃત્તિઓ જાતે કરવાનું પસંદ પણ પડે છે. છતાં આઇકિયા માટે ભારતમાં આ એક વિક્ષેપક (હર્ડલ) રહેશે. આમ ના થાય તે માટે કંપની તરફથી મિસ્ત્રી, પ્લમ્બર, ટેકનિશિયન વગેરેની સેવા પૂરી પડાશે.

અમેરિકામાં ઘણા લોકોનો અડધોથી પોણો દિવસ આઇકિયા સ્ટોરમાં પસાર થઈ જાય. મતલબ કે આ સ્ટોર ઉજાણીનું સ્થળ બની રહે. તેમાં બાળકો અને મોટાઓ માટેનાં આનંદ-પ્રમોદનાં સાધનો અને રેસ્ટોરાં વગેરે હોય છે. હૈદરાબાદના સ્ટોરમાં ૧,૦૦૦ જણ બેસીને જમી શકે એવડી રેસ્ટોરાં છે. જેની વાનગીઓમાં ભારતીયોના ધર્મ અને રુચિ પ્રમાણે ફેરફારો કરવામાં આવ્યા છે. ભારતમાં પ્રત્યેક સ્ટોરમાં ૭પ૦૦ પ્રકારની ચીજવસ્તુઓ વેચવામાં મૂકવામાં આવશે. ભારતના લોકો મોંઘી ચીજવસ્તુખો ખરીદતા નથી. તેથી સાડા સાત હજારમાંથી એક હજાર ચીજો એવી રાખી છે જેની કિંમત રૃ.ર૦૦થી ઓછી હોય. બીજી પ૦૦ ચીજ એવી છે જેની કિંમત રૃ.૧૦૦ અથવા તેનાથી ઓછી છે. આઇકિયાએ ભારતમાં રૃ.૧૦૦ અબજ અર્થાત્ રૃ.૧૦,૦૦૦ કરોડનું રોકાણ કર્યું છે.

ભારતમાં રિટેઈલિંગના ક્ષેત્રે ક્રાંતિ આવી રહી છે. હજુ થોડા સમય અગાઉ અમેરિકાની વૉલમાર્ટ કંપનીને ભારતમાં છૂટક વેપાર (રિટેઈલિંગ)માં પડેલી અમાપ શક્યતાઓનો ખ્યાલ આવ્યો અને ઈકોમર્સમાં પડેલી ભારતીય કંપની ફ્લીપકાર્ટનો ૭૭ ટકા હિસ્સો ૧૬ અબજ ડૉલરમાં ખરીદી લીધો. ડીલ થયું તે સમયની ડૉલરની કિંમતોના હિસાબે એક લાખ આઠ હજાર આઠસો એંસી કરોડ (૧૦૮.૮૮૦ કરોડ) રૃપિયા થાય. હવે ડૉલરની કિંમત વધી અને રૃપિયાની કિંમત ઘટી છે ત્યારે ચૂકવવા બાકીની રકમમાં વૉલમાર્ટને આઠથી દસ ટકાનો ફાયદો થશે. ભારતમાં આજ સુધીમાં થયેલો આ સૌથી મોટો સોદો છે અને વિશ્વમાં થયેલા મોટા સોદાઓમાં પણ તેની ગણતરી થાય છે. વૉલમાર્ટને ભારતમાં ઈ-કોમર્સનું ભવિષ્ય ખૂબ જ ઊજળું જણાઈ રહ્યું છે તેનું માપ ડીલની આવડી અધધ રકમ પરથી મળે છે. આ ડીલ વડે વૉલમાર્ટ જૂની ઘરેડના સ્ટોરમાંથી બહાર આવી છે અને ભારતમાં ઈ-કોમર્સે હજુ જન્મ જ લીધો છે. ત્યારે તેમાં ઝંપલાવીને વૉલમાર્ટે બજાર સર કરવાની તમન્નાનાં દર્શન કરાવી દીધા છે. વૉલમાર્ટની ભારતમાં બીજી રીતે તો હાજરી હતી જ.

ભારતમાં તેના ર૧ બિઝનેસ ટુ બિઝનેસ કેશ એન્ડ કેરી સ્ટોર્સ દ્વારા વેપારીઓને જથ્થાબંધ માલ વર્ષોથી વેચે છે. વૉલમાર્ટ દુનિયાભરમાં જે માલસામાન વેચે છે તેમાં ઈ-કોમર્સનો હિસ્સો માત્ર ત્રણ જ ટકા છે. ભારતમાં હવે તેનો ફેલાવો વધશે તેમ ટકાવારી પણ વધશે. જીએસટી લાગુ પડ્યા પછી તેનું વ્યવસ્થાતંત્ર સુરેખ બનશે તેમ તેમ ઈ-કોમર્સ અને કુલ રિટેઈલિંગનું પ્રમાણ વધશે તેમ કેટલાક નિષ્ણાતોનું માનવું છે, પણ રિટેઈલિંગમાં નોંધવા લાયક નવો ટ્રેન્ડ એ જોવાઈ રહ્યો છે કે જે કંપનીઓ ઈ-કોમર્સમાં જ રહીને સફળ થઈ તેઓ હવે પોતાના રિટેઈલ સ્ટોર્સ ખોલી રહી છે. તેઓની ફિલોસોફી છે કે ફિઝિકલ (શોપ) સ્ટોર અને ઈ-કોમર્સ એકબીજાના હરીફના બદલે પૂરક બની શકે છે. ભારતમાં પાંચ વર્ષ પૂરા કરી ચૂકેલી એમેઝોન હવે એક એવા પ્રયાસમાં સામેલ થઈ છે જેમાં આદિત્ય બિરલાની કરિયાણાની દુકાનોની ચેઈન જે ‘મૉરલ્લ નામથી ચાલે છે તેને હસ્તગત કરવાની પેરવી થઈ રહી છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પણ ઓનલાઈન વેપાર વિશ્વમાં પોતાના માટે જગ્યા બનાવવામાં પ્રવૃત્ત બની છે. ૪૧મી વાર્ષિક સામાન્ય સભામાં મુકેશ અંબાણી બોલ્યા હતા કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઓનલાઈન અને ઓફલાઈનના સંમિશ્રણ (હાઈબ્રિડ) વડે એક નવા કોમર્શિયલ વેપાર પ્લેટફોર્મમાં આગળ વધવા માગે છે. રિલાયન્સ રિટેઈલની દુકાનોના નેટવર્કને જીઓના ડિજિટલ નેટવર્ક સાથે સાંકળીને રિલાયન્સ નવું હાઈબ્રિડ પ્લેટફોર્મ તૈયાર કરશે.

ભારતમાં એમેઝોનની ચોંકાવનારી સફળતાએ બીજી કંપનીઓ અને વેપારીઓને ઈ-કોમર્સમાં ઝંપલાવવાની પ્રેરણા આપી છે. એટલું યાદ રાખવું જરૃરી છે કે જ્યાં પૈસો છે ત્યાં પ્રેરણા છે. પાંચ વર્ષ પૂરા કરવાની સાથે એમેઝોન હવે નવા મુકામ સર કરી રહી છે. હવે તેણે હિન્દીમાં મોબાઈલ વર્ઝનની વેબસાઈટ વહેતી મૂકી છે. જોકે આ સાઈટ માત્ર એન્ડ્રોઈડ આધારિત મોબાઈલ ફોન માટે છે. એમેઝોનના ભારતના બોસ અમિત અગ્રવાલ કહે છે કે ભારત ખૂબ ઝડપથી ડિજિટાઈઝેશનની દુનિયામાં આગળ વધી રહ્યું છે અને તેમાં અમે મહત્ત્વના સ્થાને છીએ તેનો અમને રોમાંચક હર્ષ છે. આ શબ્દો એમણે દાવોસ ખાતે વલર્ડ ઈકોનોમિક ફોરમની બેઠક વખતે ઉચ્ચાર્યા હતા.

એમેઝોનની કામગીરી અને વૉલમાર્ટના નવા વલણે ભારતની ઘણી કંપનીઓને ઓનલાઈન અને ઓફલાઈન બંને ફોર્મેટમાં આગળ વધવા પ્રેરિત કરી છે. તેમાં મિન્ટ્રા, જયપોર, અર્બન લેડર, પેપરફ્રાય, નિક્કી અને બીજી ઘણી કંપનીઓ છે. પેટીએમ હવે એક ફિઝિકલ સ્ટોર કંપની સાથે જોડાણ કરીને એવા પીટીએમ મૉલ ઊભા કરવા માગે છે જેમાં ગ્રાહક પીટીએમ મૉલમાં જઈને ચીજવસ્તુઓ ઝાંકી જોઈને પરખી શકે અને પછી ઘરે જઈને ઓનલાઈન દ્વારા એ ચીજવસ્તુનો ઓર્ડર આપી શકે. ઓનલાઈન અને ઓફલાઈન ખરીદી બંનેના સારા લાભ ગ્રાહક મેળવી શકશે. પીપરફાય ફર્નિચરનો ઓનલાઈન રિટેઈલ સ્ટોર છે અને તેના ર૧ જેટલા ફિઝિકલ સ્ટોર્સ પણ છે. તેના સ્થાપક આશિષ શાહ કહે છે કે, લોકોને એ જોવું અને જાણવું ગમે છે કે પોતાના ઘરમાં ફર્નિચર કેવો ઓપ આપશે? એ માટે તેઓને રિટેઈલ શોપમાં રૃબરૃ જવું ગમે છે.

Related Posts
1 of 262

એમનું કહેવું છે કે બજારમાં સ્ટોર્સ હોય તો કંપનીની બ્રાન્ડ ઈમેજ પણ વધે છે. ફર્નિચરની ડિલિવરી અને અન્ય લોજિસ્ટિકસમાં પણ ફાયદો થાય છે. ભારતનું રિટેઈલિંગ માર્કેટ તેજીમાં છે. નોટબંધી અને જીએસટીમાં માર પડ્યો છે, પણ એ ઘા હવે રૃઝાઈ જશે. ભારતના ખાનગી ઈક્વિટી ફંડોએ રિટેઈલ સેક્ટરમાં લગભગ પ૮૦૦ કરોડ રૃપિયાનું રોકાણ કર્યું છે. વેપારની નવી-નવી વ્યવસ્થાઓનો વિકાસ અને લોકો પાસે બચતી રકમમાં વૃદ્ધિ અને યુવાનોની વસતીમાં વધારો થવાને કારણે પણ રિટેઈલિંગમાં નોંધપાત્ર વધારો થયો છે. દુનિયામાં રિટેઈલિંગની સાઈઝ પ્રમાણે ભારતનો પાંચમો ક્રમ છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં આ સેક્ટરનો ૧૦ ટકા હિસ્સો હોય છે અને દેશમાં આઠ ટકા નોકરીઓ આ ક્ષેત્ર આપે છે. ભારતમાં વૉલમાર્ટનો એક સ્ટોર સીધી કે આડકતરી રીતે ર,૦૦૦ લોકોને રોજીરોટી આપે છે. જોકે એ પણ હકીકત છે કે બીજા હજારો રિટેઈલરની રોજીરોટી છીનવાઈ પણ જાય છે. દક્ષિણ ગુજરાતમાં ડી-માર્ટની સફળતાએ બીજા વેપારીઓને પણ ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવાની ફરજ પાડી છે. છતાં મોટા જથ્થામાં માલ ખરીદીનો લાભ ડીમાર્ટ મેળવી શકે છે તેવો નાના વેપારીઓ મેળવી ના શકે.

રિટેઈલિંગમાં ટૅક્નોલોજી મહત્ત્વનો ભાગ ભજવી રહી છે. ઈલેકટ્રોનિક્સ રજિસ્ટર (માલની વિગત, કિંમત અને સરવાળો કરતું મશીન) અને બાર કોડ રીડરના સથવારે થોડી ટૅક્નોલોજી જાણતી વ્યક્તિ દિવસના લાખો રૃપિયાનો માલ ત્વરાથી અને ભૂલચૂક વગર વેચી શકે છે. તેના વડે રિટેઈલ વેપાર સરળ અને સસ્તો બન્યો, પણ આ તો પ્રાથમિક, બેઝિક ટૅક્નોલોજી છે. ગ્રાહકો પણ તેના પર વિશ્વાસ કરતા થયા છે, પરંતુ એક સમયે બિગ બઝારથી ફેમસ બનેલું કિશોર બિયાનીનું ફ્યુચર ગ્રૂપ રિટેઇલિંગમાં નવી ટૅક્નોલોજી સાથે નવા ભવિષ્યની અજમાઈશ કરી રહ્યું છે. ગ્રાહકોની ખરીદીની આદતો, વલણો વગેરેનો બારીકાઈથી હિસાબ રાખતા ડાટા ફ્યુચર ગ્રૂપ બહોળા પ્રમાણમાં ધરાવે છે. ક્લાઉડ ટૅક્નોલોજી, ડાટા એનાલિટિક્સ વગેરેનો આધાર લઈ ફ્યુચર ગ્રૂપ હવે પોતાની ‘રિટેઈલ થ્રી પોઈન્ટ ઝીરો’ નામથી સ્ટોર્સ ખોલવા માગે છે. જોકે કિશોર બિયાનીને હજુ ફિઝિકલ સ્ટોરમાં જ વધુ આસ્થા બેસે છે. બિગ બઝાર અને પેન્ટાલૂન જેવા સ્ટોર્સનો પ્રારંભ એમણે કર્યો હતો. એ કહે છે કે ભારતમાં રિટેઈલ બિઝનેસમાં ફિઝિકલ સ્ટોર્સનું પ્રભુત્વ છે. શા માટે ઓનલાઈન સ્ટોર્સ સામે આટલો ઊહાપોહ થાય છે તે બિયાનીને સમજાતું નથી. એક રીતે જોઈએ તો બિયાનીની વાત હજી સાચી છે. ભારતમાં રિટેઈલિંગનું બજાર ૭૦૦ અબજ ડૉલરનું છે. તેમાં ઓનલાઈન રિટેઈલિંગથી ખાસ મોટું ગાબડું પડ્યું નથી. માત્ર રથી ૩ ટકા જેટલો વેપાર ઓનલાઆઈન થાય છે.

જોકે વૉલમાર્ટ અને બીજા સ્ટોર્સે અમેરિકામાં ઓનલાઈન ટ્રેડિંગની અવગણના કરી અને માર સહન કરવો પડ્યો. ભારતમાં ઈ-કોમર્સનું જોર ધીમે-ધીમે વધી રહ્યું છે ત્યારે આવી અવગણના મિથ્યાભિમાન પુરવાર થઈ શકે. એ પણ હકીકત છે કે હજી ભારતની અરધાથી વધુ વસતિને દુકાને જઈને પણ બરાબર ખરીદી કરતા આવડતું નથી ત્યારે ઓનલાઈન ખરીદી તેઓ ક્યારે કરવાના? પણ આવા અભણ લોકોની ખરીદશક્તિ પણ ખાસ મોટી હોતી નથી. ડીમાર્ટ હાલમાં મધ્યમવર્ગ અને નીચલા મધ્યમ વર્ગ માટે કિફાયતી દરની એક સારી ફોરમેટ પુરવાર થઈ છે. તેના યુવાન એમડી, જે એક સામાન્ય એકાઉન્ટન્ટમાંથી અબજોપતિ બની ગયા છે એમનું કહેવું છે કે સમય જતા ખબર પડશે કે ઓનલાઈન વેપાર ટકશે કે ઓફલાઈન વેપાર? પરંતુ હાલમાં દુનિયામાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે વેપારમાં દરેક પ્લટફોર્મની મદદ લેવી. એક કરતાં વધુ ફોરમેટ સફળ થશે તો ભારતના વેપારીઓ ઓનલાઈન થવામાં પશ્ચિમના વેપારીઓ જેટલી વાર નહીં લગાડે. રિટેઈલના મોટા વેપારીઓને સમજાયું છે કે ગ્રાહકોને બંને ફોરમેટના અનુભવો પસંદ છે. ફિઝિકલ સ્ટોરમાં જઈ વસ્તુને સ્પર્શી શકાય, બરોબર જોઈ શકાય અને ફેશન ગૂડ્સ હોય તો પહેરીને ટ્રાયલ પણ લઈ શકાય.

ઓનલાઈનમાં અનેક સ્ટોર ભટકવા પડતા નથી અને છતાં પસંદગી માટે બહોળા પ્રમાણમાં ચીજ વસ્તુઓ સ્ક્રીન પર જોઈ શકાય છે. ઘરે બેઠા ચીજો મળી જાય છે. સમયની બચત થાય છે. જો તમે કામની ચીજો ખરીદીને સ્ક્રીન બંધ કરી દો તો. ભારતમાં હજી રિટેઈલિંગ માટે સ્ટોર્સ મોટા પાયે ખૂલી રહ્યા છે. પંદર શહેરોમાં ગયા વરસના બીજા છ મહિના દરમિયાન મૉલ માટેની જગ્યાના રૃપમાં ૩૪ લાખ ચોરસ ફીટ વધુ જગ્યા ઉમેરાઈ હતી. અહેવાલો જણાવે છે કે લગભગ પ૦ જેટલા નાનાથી મોટા વૈશ્વિક રિટેઈલરો ભારતમાં ધંધો શરૃ કરવા માટે તૈયારી કરી રહ્યા છે. આગામી થોડાં વર્ષોમાં તેઓ ભારતમાં ત્રણ હજાર જેટલા સ્ટોર્સ ખોલશે તેવી ધારણા છે. એવા ગ્રાહકો પણ વધી રહ્યા છે જેઓ ઓનલાઈન ચીજવસ્તુઓ નિરખ્યા બાદ દુકાનમાં જઈને ખરીદી કરે છે. કપડાં, જૂતાં, ચશ્માં, મોબાઇલ ફોન અને ઈલેકટ્રોનિક્સ ચીજવસ્તુઓની ખરીદી ઓનલાઈન વધારે થાય છે, પણ ઘણા ગ્રાહકો ઓનલાઈન માધ્યમથી બધું જાણી લઈને સ્ટોરમાં રૃબરૃ જઈને ખરીદી કરે છે. યુવાન વર્ગ આ પ્રકારે વધુ ખરીદી કરે છે.

ભારતનો તમામ યુવા વર્ગ નહીં તો એક મોટો યુવા વર્ગ સારી એવી કમાણી કરતો થયો છે. આજના વિજ્ઞાન યુગે સુખસુવિધા માટેની ચીજવસ્તુઓની સંખ્યા પણ વધારી દીધી છે. ચીન જેવા દેશો સૌને પોસાય એવી કિંમતોમાં વસ્તુઓનું નિર્માણ કરે છે. પરિણામે ઉપભોગનું પ્રમાણ ખૂબ વધ્યું છે. આજે વ્યક્તિ અનેક જોડી કપડાં, પગરખાં, ઘડિયાળો, સેલફોન બીજી ચીજો અને સામાન ધરાવતો હોય છે. પશ્ચિમના દેશોએ આવો સમય દાયકાઓ અગાઉ જોયો હતો. હવે ભારતનો વારો આવ્યો છે. લોકો તદ્દન નવી અને અદ્ભુત ચીજવસ્તુ ના ખરીદે ત્યાં સુધી જીવનમાં થ્રિલ મળતી નથી. વળી ભારતના લોકોની વાર્ષિક આવક હવે એવા પોઈન્ટ પર આવવાની છે કે ત્યાર બાદ ઉપયોગમાં અથવા ભોગવટામાં જબરો ઉછાળો આવશે.

દુનિયાના જે દેશોમાં કુલ રાષ્ટ્રીય આવ નાગરિક દીઠ દોઢ લાખ રૃપિયા પર પહોંચી ત્યારે રિટેઈલ ધંધામાં ખૂબ તેજી આવી હતી. ભારતમાં હમણા સુધી મંદીનો માહોલ હતો અને પેટ્રોલ ડીઝલે લોકોની કમાણીમાં મોટી ફાચર મારી છે તેથી અર્થશાસ્ત્રીઓની આગાહી પરિપૂર્ણ થતાં સમય લાગી શકે તેમ છે. છતાં આગાહી કહે છે કે આ વરસની જીડીપી વ્યક્તિદીઠ દોઢ લાખ રૃપિયાને આંબી જશે. થાય તો સારી વાત છે. આ કારણથી વિદેશની રિટેઈલર કંપનીઓ ભારતમાં કામકાજ શરૃ કરવા આતુર બની છે. દુનિયાના જે દેશોમાં જીડીપીનું પ્રમાણ વ્યક્તિદીઠ સરેરાશ દોઢ લાખ રૃપિયાથી ઊંચે ગયું ત્યાં ઉપભોગવૃત્તિ સડસડાટ ઊંચે ગઈ હતી. સિંગાપુર, જાપાન, ચીન, દ.કોરિયા વગેરેનો આ અનુભવ છે. જીએસટીની વ્યવસ્થા વધુ સુરેખ બનશે પછી, છૂટક વેચાણની પ્રવૃત્તિ હાલમાં સાત ટકાનો ફાળો આપે છે તે વધીને ૧૩ ટકાની આસપાસ થવાની સંભાવના છે. હાલમાં ભારતમાં રિટેઈલિંગનો કુલ વિસ્તાર એટલે કે વેપારી વાર્ષિક પ૦ હજાર અબજ રૃપિયાની આસપાસ છે તે વરસ ર૦ર૦ સુધીમાં ૮૦થી ૮પ હજાર અબજની આસપાસ પહોંચશે એવી ગણતરી છે. સરકાર પણ ઇચ્છે છે કે રિટેઈલિંગનો કૅન્વાસ ખૂબ મોટો થાય. તેમ થાય તો જ નવી નોકરીઓની તકો પેદા થશે. સિંગલ બ્રાન્ડ રિટેઈલમાં સો ટકા વિદેશી મૂડીરોકાણની સરકારે છૂટ આપી છે. જોકે મસ્ટ-બ્રાન્ડ (બહુવિધ બ્રાન્ડ)ના રિટેઈલિંગમાં વિદેશી મૂડી રોકાણની મર્યાદા પ૧ ટકા સુધી મર્યાદિત રાખવામાં આવી છે. જે કોઈ વિદેશી કંપની ભારતમાં સ્ટોર ખોલવા માગે તે કંપનીનો ૪૯ ટકા હિસ્સો ભારતીય રોકાણકારોના તાબામાં હોવો જોઈએ.

વરસ ર૦ર૦ સુધીમાં રિટેઈલ ઈન્ડસ્ટ્રી એક ટ્રિલિયન ડોલરથી વધુ મોટી ઈન્ડસ્ટ્રી બની જશે એ અંદાજ સાચો પડે તે માટે જીડીપીનો દર હાલમાં છે ત્યાં સ્થિર અથવા તેનાથી ઊંચો રહેવો જોઈએ. હાલનો દર ઘટે તેવી સંભાવના છે. સ્ટોક માર્કેટ પડી રહ્યું છે. બેરોજગારીને દર ઊંચો અને યથાવત્ છે. નબળો રૃપિયો અસ્થિરતા સર્જે છે. બધા માપકો સાનુકૂળ રહેશે તો જ રિટેઈલમાં પ્રગતિ સંભવ છે.

છૂટક વેપારનો બિઝનેસ એ કોઈ વેફર ખાવાના ખેલ નથી. ઘણા લોકોએ આ લાઈન પકડી અને નિષ્ફળ ગયા હતા. માલેતુજારો પણ ફાવ્યા નથી. સુભિક્ષા નામની કંપનીએ ર૦૦૮ અને ર૦૦૯માં ભારતભરમાં દુકાનોની હારમાળા ખડી હતી અને કંપનીને આખરે બેન્કો પાસેથી લોનની સુભિક્ષા માગવાનો વખત આવ્યો હતો. કંપનીનું ઉઠમણું થઈ ગયું. બ્રિટન અને યુરોપમાં જે સફળ રહી હતી તે ‘કૅરફોર’ કંપનીએ ભારતમાં એક કેશ એન્ડ કેરી સ્ટોર ખોલીને દ્રાક્ષ ખાટી હોવાનો અનુભવ કરી જોયો છે. ‘લોકલબનિયા’ નામક ઓનલાઈન ગ્રોસરી સ્ટોર પણ નિષ્ફળ ગયો. લોકો ઓનલાઈન કરિયાણુ ખરીદે એવો દિવસો હજી આવ્યા નથી.

ભારતમાં ડિલિવરીનું માળખું થોડું સુધર્યું છે છતાં હજી ખૂબ કાચી અવસ્થામાં છે. બીજી ઘણી કપડાં અને ફેશનની રિટેલ ચેઈનો પણ બંધ પડી ગઈ. તેમ છતાં હમણા હમણા રિટેઈલિંગમાં ચમકારો જોવા મળી રહ્યો છે. જૂની ઢબના વેપારીઓએ ઓનલાઈન વેપારનો મોટો વિરોધ કર્યો તે જ દર્શાવે છે કે થોડાં વર્ષોથી તેઓને માર પડવા માંડ્યો છે. ટાટાની ક્રોમા જેવી ઈલેક્ટ્રોનિક્સ રિટેઈલ કંપનીનું વેચાણ વરસના ૩૦ ટકા હિસાબે વધી રહ્યું છે જે નેત્રદીપક ગણાય. તેમાંથી પાંચ ટકા હિસ્સો ઓનલાઈન વેચાણમાં આવે છે. ઓનલાઈન વિભાગ પા પા પગલી કરી રહ્યો છે, પરંતુ તેને જુવાન થતાં વાર નહીં લાગે. આજે બેંગ્લુરુમાં બાળકોના ડાયપર્સ માતાઓ રૃબરૃ જઈને ખરીદવાને બદલે ઓનલાઈન વધુ ખરીદે છે. બીજી બાજુ હૈદરાબાદમાં ગયા મહિને આઇકિયાનો સ્ટોર ખુલ્લો મૂકાયો ત્યારે પ્રથમ દિવસે જ ચાલીસ હજાર લોકોએ તેની મુલાકાત લીધી હતી અને લગભગ અઢી કરોડ રૃપિયાનો વેપાર કર્યો હતો. લોકોએ રેસ્ટોરાંમાં ૧૧ લાખ રૃપિયાની વાનગીઓ ખાધી તે અલગ.

ઓનલાઈન નેટવર્ક શરૃ કરવા માટે કરોડો રૃપિયાનું મૂડીરોકાણ કરવું પડે છે. તેમાં એક ફાયદો છે કે ઓછી જાણીતી કે દૂરની જગ્યાએથી પણ તે શરૃ કરી શકાય છે. ફિઝિકલ સ્ટોર્સ માટે મોકાની જગ્યાની જરૃર પડે છે તે ઓનલાઈન ફેસિલિટી માટે પડતી નથી. હાઈરાઈઝ ટાવરમાં પણ તે ખોલી શકાય છે -તેથી જમીનમાં મોટું રોકાણ જરૃરી બનતું નથી. જ્યારે આઇકિયા જેવા ફિઝિકલ સ્ટોર માટે શહેરમાં ગ્રાહકોને અનુકૂળ પડે તેવી જગ્યાએ દસથી પંદર એકર જમીન જોઈએ. આજે મહાનગરોમાં જમીનની જે કિંમતો છે તે પ્રમાણે જમીન અને મકાન માટે જ અબજો રૃપિયાનું રોકાણ કરવું પડે, જે દરેક કંપનીના કાબૂની વાત નથી.

ડીમાર્ટના નોરોન્હાના કહેવા પ્રમાણે ઓનલાઈન કે ઓફલાઈન બિઝનેસ, બંનેમાંથી કોણ આગળ નીકળી જશે તે માત્ર સમય જ કહેશે. સરકાર તરફથી અચ્છે દિન આવશે કે કેમ તે આસમાની સુલતાની છે, પણ જો તમારા વૉલેટમાં ત્રણ ચાર ક્રેડિટ અને ડેબિટ કાર્ડ હોય તો તમે ખરેખર સુલતાન હશો. વેપારી કંપનીઓ ગ્રાહકોને રાજા બનાવવા બેઠી જ છે.
————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »