તમારા માટે, તમારી સાથે, સતત…

રાજનીતિ અને અપરાધનો સંબંધ – વિચ્છેદ હજુ દૂરની વાત છે

છત્તીસગઢમાં સરકારી અધિકારીઓ નોકરી છોડી રાજકારણમાં ઝંપલાવે છે

0 132
  • રાજકાજ

રાજકારણના અપરાધિકરણને અટકાવવા અને અપરાધ તેમજ રાજકારણના ગઠજોડને તોડવાની ચર્ચા અને પ્રયાસો દાયકાઓથી થઈ રહ્યા છે, પરંતુ સક્રિય રાજનીતિના કર્ણધારોની નિષ્ઠા અને પ્રતિબદ્ધતામાં કમીને કારણે આ ઉદ્દેશ આજ સુધી સિદ્ધ થઈ શક્યો નથી. લોકોની અપેક્ષાને અનુરૃપ દેશના ચૂંટણી પંચે પણ એ માટે સમયાંતરે રાજકીય પક્ષોને અનેકવિધ સૂચનો કર્યા પછી પણ પરિસ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી. એ સ્થિતિમાં જે નેતાઓ કે લોકો પર અદાલતમાં આરોપ નક્કી થયા હોય અને કેસ ચાલતા હોય અથવા જેમની સામે ગંભીર અપરાધ અંગે પોલીસમાં એફઆઈઆર નોંધાવાઈ હોય એવા દાગી લોકો ચૂંટણી લડી શકે કે કેમ એ મુદ્દે સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપીને સ્પષ્ટ કર્યું છે કે આવા નેતાઓ કે અગ્રણીઓ ચૂંટણી તો લડી શકશે, પરંતુ તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની સામેના આરોપોને પ્રચારિત કરવા પડશે. માત્ર ચૂંટણી પંચને તેની જાણ કરી દેવાથી નહીં ચાલે, બલ્કે પ્રિન્ટ મીડિયામાં ત્રણ વાર અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં એક વાર તેમની સામેના આરોપોને પ્રચારિત કરીને લોકોને તેની જાણકારી આપવી પડશે.

અહીં ગંભીર અપરાધની વ્યાખ્યા એવી કરવામાં આવી છે કે જેમાં પાંચ વર્ષથી સમયની સજાની જોગવાઈ હોય એવા અપરાધના આરોપ. આવા લોકોને ચૂંટણી લડતા અટકાવવાની માગ અદાલતમાં દાખલ અરજીમાં કરવામાં આવી હતી, પરંતુ અદાલતે સૂચવ્યું છે કે માત્ર ચાર્જશીટના આધારે જનપ્રતિનિધિઓ સામે કાર્યવાહી થઈ શકે નહીં. કાયદાની દુનિયામાં એક વાત સર્વસ્વીકૃત છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ પર આરોપ પુરવાર ન થાય ત્યાં સુધી તે નિર્દોષ ગણાય. રાજકારણ એ એક એવું અટપટું ક્ષેત્ર છે કે જ્યાં પ્રતિસ્પર્ધીને મ્હાત કરવા માટે અત્યંત મલિન દાવપેચ ખેલાતા રહે છે. એ સ્થિતિમાં માત્ર આરોપોના આધારે કોઈને ચૂંટણી લડતા અટકાવવાની જોગવાઈ થાય તો વગદાર પ્રતિસ્પર્ધીને ચૂંટણીના મેદાનમાંથી હટાવવા માટે ખોટી ફરિયાદો અને ઉપજાવી કાઢેલા આરોપોનો આશ્રય લેવામાં પણ કદાચ કોઈને હિચકિચાટ ન થાય. યુદ્ધ અને પ્રેમની માફક રાજકારણમાં પણ કશું અશક્ય નથી. રાજનીતિના ખૂની ખેલને સમજનારાઓ આ બાબતથી સુપરિચિત છે. એ સ્થિતિમાં માત્ર આરોપોના આધારે કોઈને ચૂંટણી લડતા અટકાવવાનો ઇનકાર કરીને અદાલતે યોગ્ય નિર્ણય આપ્યો છે. રાજનીતિના અપરાધીકરણને અટકાવવાના ઉપાય આખરે તો સંસદ અને જનપ્રતિનિધિઓએ જ કરવા જોઈએ.

પહેલી ઑક્ટોબરે નિવૃત્ત થયેલા મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાના વડપણ હેઠળની ત્રણ ન્યાયાધીશોની બૅન્ચે કહ્યું છે કે સંસદ કાયદો બનાવીને અપરાધી રેકર્ડ ધરાવનાર વ્યક્તિને લોકપ્રતિનિધિ બનતા અટકાવે એ માટેનો સમય પાકી ગયો છે. મતલબ, કોણે ચૂંટણી લડવી અને કોણે નહીં લડવી એ જો અદાલત નક્કી કરે તો એક પ્રકારે લોકતંત્રના મૂલ્યો પર પ્રહાર કરવા જેવી બાબત ગણાશે. આદર્શ સ્થિતિ તો એ ગણાય કે મતદારો જ અપરાધી ઇમેજ ધરાવતા ઉમેદવારને રિજેક્ટ કરી દે. અલબત્ત, આજે એવું બનતું નથી. જેને બાહુબલિ ગણવામાં આવે છે એવા અપરાધ જગતના રીઢા લોકો ચૂંટાઈ આવે છે. આવા લોકોને ચૂંટવામાં ન આવે એ માટે લોકોને જાગૃત કરવાનો ઉપાય સૂચવવામાં આવે છે, પરંતુ ઉપાય પણ અનેકવાર કારગર જણાયો નથી. અનેક દાગી નેતાઓ આજે કાયદો-વ્યવસ્થાના સમગ્ર તંત્રને પ્રભાવિત કરવાની સ્થિતિમાં જોવા મળે છે. અદાલતે આવા દાગી લોકો સામે ઝડપી કાર્યવાહી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટનું સૂચન કર્યું છે, પરંતુ અનેક રાજ્યોએ આવી કોર્ટની રચના જ કરી નથી. એ સંજોગોમાં દાગી લોકોને ચૂંટણી પ્રક્રિયાથી અલિપ્ત કરવાની મંજિલ હજુ દૂર જ છે.

Related Posts
1 of 37

—————————–

છત્તીસગઢમાં સરકારી અધિકારીઓ નોકરી છોડી રાજકારણમાં ઝંપલાવે છે
૨૦૧૮ના આખરી મહિનામાં છત્તીસગઢ સહિતનાં ચારેક રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ રાજ્યોમાં રાજકીય પક્ષો તેની તૈયારીમાં વ્યસ્ત બની ગયા છે. ચૂંટણીનાં સમીકરણોનું જે ચિત્ર ઉપસે છે તેમાં ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં વિપક્ષી મહાગઠબંધન માટે તેમ કોંગ્રેસ માટે પણ નિરાશાજનક સંકેત છે. છત્તીસગઢમાં એક સમયે કોંગ્રેસનું નેતૃત્વ કરનાર પૂર્વ મુખ્યપ્રધાન અજીત જોગીએ જનતા કોંગ્રેસ નામે પોતાનો અલાયદો પક્ષ બનાવ્યો છે અને વિધાનસભાની ચૂંટણી માટે માયાવતીએ અજીત જોગીના પક્ષ સાથે ગઠબંધન કરીને કોંગ્રેસને જબ્બર આંચકો આપ્યો છે. મધ્યપ્રદેશમાં પણ માયાવતી કોંગ્રેસને ભારે પડી રહ્યાં છે. અજીત જોગીએ પોતાના પક્ષને મજબૂત બનાવવા માટે નવી ઝુંબેશ શરૃ કરી છે. તેઓ સરકારી અધિકારીઓને રાજકારણમાં ઝંપલાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. તેમની ઝુંબેશને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રાયપુરના કલેક્ટર ઓ.પી. ચૌધરી સહિત પચીસથી વધુ સરકારી અધિકારીઓએ તેમના પદ અને નોકરી છોડીને રાજકારણમાં ઝંપલાવવાના નિર્ધાર સાથે જોગીના પક્ષમાં જોડાયા છે. આ બધા માટે સ્વયં અજીત જોગી રાજકીય કારકિર્દીનું આદર્શ ઉદાહરણ છે. દિવંગત રાજીવ ગાંધીના સમયમાં અજીત જોગી પણ આઇએએસ અધિકારી તરીકેની સરકારી નોકરી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. હવે એ જ જોગી સરકારી ‘બાબુઓ’ને પોતાના પક્ષમાં આવકારી રહ્યા છે અને તેમને ચૂંટણીની ટિકિટ ફાળવી રહ્યા છે. જોગીનો આ દાવ કેટલો સફળ થાય છે એ જોવું રહ્યું.
—————————–

ભાજપ ૨૦૧૯ની ચૂંટણી માટે લોકો પાસેથી ફંડ ઉઘરાવશે
ભારતીય જનતા પાર્ટી અન્ય તમામ પક્ષો કરતાં સૌથી વધુ અમીર અને સમૃદ્ધ પાર્ટી છે એ વિશે શંકા કરવાનું કોઈ કારણ નથી. વિપક્ષો તો આવી વાત અવારનવાર કહે છે અને આક્ષેપો પણ કરતા રહે છે. છેલ્લા ઘણા વર્ષોથી ભાજપનો ખજાનો છલકાઈ રહ્યો છે અને એ બાબત અન્ય પક્ષો માટે ઈર્ષ્યાનું કારણ પણ બને છે. જોકે સત્તા પર હોય એ પક્ષને અન્ય પક્ષો કરતાં વધુ ભંડોળ મળતું હોય એ સ્વાભાવિક ઘટનાક્રમ છે. કોર્પોરેટ ફન્ડિંગની વાત કરવામાં આવે તો ભાજપ એક એવો પક્ષ છે કે જેને માટે કોર્પોરેટ ગૃહો અને ધન્નાશેઠો તેમની તિજોરી ખોલી નાખે છે. આવી અમીરીની સ્થિતિમાં પણ સમાચાર એવા છે કે ભાજપ સામાન્ય લોકો પાસેથી પણ ફંડ માગશે. ભાજપના અંતરંગ વર્તુળોના કહેવા પ્રમાણે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે પક્ષનું બજેટ એટલું મોટું છે કે પક્ષને વધારે ભંડોળ એકત્ર કરવાની જરૃર પડી રહી છે. એથી હવે એ માટે વડાપ્રધાનના નમો ઍપમાં નજીવો ફેરફાર કરીને તેમાં લોકો પાસેથી ફંડ મેળવવાનો વિકલ્પ પણ સામેલ કરી દેવામાં આવ્યો છે. ફંડની રકમ પાંચ રૃપિયાથી શરૃ કરીને પચાસ રૃપિયા, પાંચસો રૃપિયા કે પછી દસ હજાર રૃપિયા સુધીની હોઈ શકે છે. ભૂતકાળમાં વિપક્ષમાં રહીને જનસંઘ અને ભાજપે તેમજ કટોકટી સમયની ૧૯૭૭ની ચૂંટણીમાં જનતા મોરચાના નેતાઓએ પણ લોકો પાસેથી વોટ સાથે નોટની માગણી કરી હતી.

—————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »