તમારા માટે, તમારી સાથે, સતત…

રૉબોટ ઓલિમ્પિયાડ ૨૦૧૮ – બળૂકી ટૅક્નિકના પારખાનો પ્રસંગ

ઑટોમેશન અને રૉબોટિક્સથી સૌથી વધુ નુકસાન ભારત જેવા દેશોમાં મધ્યમ વર્ગને થશે

0 179
  • ટૅક્નોલોજી – નરેશ મકવાણા

અમદાવાદે ગત રવિવારે એક અનોખી સ્પર્ધાનું પ્રતિનિધિત્વ કરેલું. વર્લ્ડ રૉબોટિક ઓલિમ્પિયાડ ૨૦૧૮ તરીકે ઓળખાતી આ સ્પર્ધામાં દેશનાં વિવિધ ૧૨ શહેરોના એક હજારથી પણ વધુ વિદ્યાર્થીઓએ કેવી રીતે રૉબોટ ટૅક્નિકની મદદથી ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન, વિતરણ અને મૅનેજમૅન્ટ વધુ બહેતર બનાવી શકાય તેના પર પોતાની આવડત બતાવી હતી. ચાલો રસપ્રદ આ સ્પર્ધા વિશે જાણીએ…

અહીં પ્રથમ સ્પર્ધા વિશે વાત કરતાં પહેલાં તેની થીમ વિશે વાત કરી લેવી જરૃરી લાગે છે. આઝાદીનાં ૭૧ વર્ષ બાદ પણ આપણે ત્યાં સામાન્ય માણસ માટે બે ટંકનું ભોજન પાયાનો સવાલ બની રહ્યો છે. ખાદ્ય ચીજોના સતત વધતા જતા ભાવોને કારણે જનસામાન્ય માટે દિવસમાં બે ટાઇમ પરિવારનું પેટ કેવી રીતે ભરવું તે પ્રશ્ન દિવસે ને દિવસે વિકરાળ બનતો જઈ રહ્યો છે. ભારતમાં ભૂખમરાની સ્થિતિ કઈ હદે ગંભીર સ્વરૃપ ધારણ કરી ચૂકી છે એનો અંદાજ એના પરથી આવે છે કે, ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારત વિશ્વના ૧૧૯ દેશોમાં ૧૦૦મો ક્રમ ધરાવે છે. ભૂખ્ખડ દેશોની યાદીમાં આપણે ઉત્તર કોરિયા, બાંંગ્લાદેશ તો ઠીક, ઈરાક કરતાં પણ પાછળ છીએ. ગ્લોબલ હંગર ઇન્ડેક્સનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા આઈએફપીઆરઆઈ જણાવે છે કે, ભૂખમરા મામલે ભારત એશિયા ખંડમાં ત્રીજા ક્રમે છે. આશ્ચર્યની વાત એ છે કે, આટલી ગંભીર પરિસ્થિતિ છતાં આપણે ત્યાં તેને જોઈએ તેટલું પ્રાધાન્ય મળતું નથી. તળની સમસ્યા એ છે કે દેશમાં પેટ પૂરતું અનાજ અને ખાદ્યચીજો પેદા તો થાય છે, પણ અયોગ્ય મૅનેજમૅન્ટના કારણે તે જરૃરિયાતવાળા છેવાડાના માણસ સુધી પહોંચતી નથી. ક્યારેક ઉત્પાદનની સમસ્યાઓને કારણે, તો ક્યારેક તૈયાર ચીજવસ્તુઓના વિતરણમાં રહેલી ખામીને કારણે ખોરાકનો મોટાપાયે બગાડ થાય છે. આ સમસ્યાની ગંભીરતા એટલા માટે પણ હોવી જોઈએ કે, યુનાઈટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર રિપોર્ટ ૨૦૧૭ પ્રમાણે વિશ્વમાં ૮૦૦ મિલિયન લોકો કાયમ ખોરાકની અછત ધરાવે છે. આજે વિશ્વની વસ્તી ખતરનાક દરે વધી રહી છે ત્યારે ફૂડ ઇન્ડસ્ટ્રી પર દર વર્ષે વધુ ને વધુ ખાદ્યચીજો ઉત્પાદિત કરવાનું દબાણ રહેલું છે.

વિષયને લઈને આટલી સામાન્ય માહિતી મેળવ્યા બાદ હવે મૂળ વાત પર આવીએ. ઉપર વર્ણવી તે સમસ્યાઓમાંથી કેવી રીતે રસ્તો કરવો તેને લઈને હાલમાં જ અમદાવાદમાં એક ટૅક્નિકલ ઈવેન્ટ યોજાઈ ગઈ. જેમાં દેશભરની વિવિધ શાળાઓમાંથી આવેલા એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ ઉકેલ રજૂ કર્યો. આ કોઈ સામાન્ય ચર્ચા સભા પ્રકારની ઇવેન્ટ નહોતી, પણ અત્યંત જટિલ ગણાતાં રૉબોટિક સાયન્સની સ્પર્ધા હતી. જેમાં સંશોધનકર્તા વિદ્યાર્થીઓએ બે દિવસમાં એક એવો રૉબોટ તૈયાર કરવાનો હતો, જે ફૂડ ઇન્ડસ્ટ્રીનાં ઉત્પાદન, વિતરણ અને મૅનેજમૅન્ટમાં સુધારો કરે. વસ્તીના પ્રમાણમાં વધતી જતી ખાદ્યપદાર્થોની ઊણપને પહોંચી વળાય તેવી સુવિધા પૂરી પાડે. ખાદ્ય ક્ષેત્રની સમસ્યાઓને ધ્યાને રાખીને જ આ વર્ષે આયોજકોએ સ્પર્ધાની થીમ ‘ફૂડ મેટર્સ’ નક્કી કરી  હતી. જેમાં સ્પર્ધક વિદ્યાર્થીઓએ એવા રૉબોટ તૈયાર કરવાના હતા જે ફૂડ ઉત્પાદક કંપનીઓને પડતી વિવિધ મુશ્કેલીઓ દૂર કરી આપે. સ્પર્ધક વિદ્યાર્થીઓએ કેવા રૉબોટ તૈયાર કર્યા અને તે કેવી રીતે કામ કરતા હતા તેની વાત કરતાં પહેલાં આ સ્પર્ધા અને તેના આયોજન વિશે જાણી લઈએ.

Related Posts
1 of 142

શું છે વર્લ્ડ રૉબોટ ઓલિમ્પિયાડ?
વર્લ્ડ રૉબોટિક ઓલિમ્પિયાડ ઇન્ડિયા સ્ટેમ ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક ટૅક્નિકલ સ્પર્ધા છે, જે છેલ્લાં ૧૫ વર્ષથી નિયમિત યોજાય છે. દેશની સૌથી મોટી રૉબોટિક સ્પર્ધા હોવાથી તેનું વિશેષ મહત્ત્વ છે. દર વર્ષે દેશનાં જુદાં-જુદાં શહેરોમાં તેનું આયોજન થાય છે. છેલ્લે ફાઈનલ સ્પર્ધકોને તેમના રૉબોટ સાથે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મોકલવામાં આવે છે. આ વર્ષે ૧૫મી સ્પર્ધાનું આયોજન અમદાવાદ સ્થિત કાંકરિયા પાસેના અરેના બાય ટ્રાન્સસ્ટેડિયા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં અલગ-અલગ કક્ષામાં ૬થી ૨૫ વર્ષની ઉંમરના એક હજાર જેટલા સ્પર્ધકોએ ભાગ લઈ પોતાની સર્જકતા અને સમસ્યા નિવારણનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. આયોજકોએ ઉંમર પ્રમાણે સ્પર્ધકોને વહેંચી દીધા હતા. જેમાં પ્રથમ કેટેગરીમાં ૬થી ૯ વર્ષના સ્પર્ધકો, ત્યાર બાદ ૯-૧૯ વર્ષની રેગ્યુલર કેટેગરી અને ઓપન કેટેગરી, ૧૦-૧૯ વર્ષના સ્પર્ધકોની ફૂટબોલ કેટેગરી અને ૧૭થી ૨૫ વર્ષના માટેની એડવાન્સ રૉબોટિક્સ ચેલેન્જ કેટેગરી. અહીં ફૂટબોલ કેટેગરીમાં સ્પર્ધકોની ટીમે મળીને સ્થળ પર જ બે રૉબોટ તૈયાર કરવાના હતા. જેમને બીજા દિવસે બીજી ટીમ સાથે ફૂટબોલ રમવાનું હતું. અહીં રૉબોટની ડિઝાઇન, કોડિંગ અને ચપળતા ચકાસવામાં આવી હતી. આ તરફ ઓપન કેટેગરીમાં સ્પર્ધકે વાસ્તવમાં ખાદ્ય પદાર્થોના પ્રોડક્શન, ડિસ્ટ્રિબ્યુશન અને મૅનેજમૅન્ટમાં રહેલી ખામીઓને કેવી રીતે સુધારી શકાય તેને લઈને પોતાના સંશોધનાત્મક ઉકેલો રજૂ કર્યા હતા. રેગ્યુલર કેટેગરીમાં સ્પર્ધકે એક એવો રૉબોટ તૈયાર કરવાનો હતો જે આયોજકો દ્વારા અગાઉથી આપવામાં આવેલી ‘ફૂટ મેટર્સ’ને બે મિનિટથી ઓછા સમયમાં ઉકેલીને મહત્તમ પોઈન્ટ મેળવી શકે. સ્પર્ધામાં વિજેતા ટીમ આગામી ૧૬થી ૧૮ નવેમ્બરના રોજ થાઈલેન્ડમાં યોજાનાર ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

અહીં સ્પર્ધાના બીજા દિવસે ૨ ટીમની ફૂટબોલ કેટેગરીમાં ઇલેક્ટ્રિફાઇંગ ઓટોનોમસ રૉબોટ્સ વચ્ચે ભારે સ્પર્ધા જામી હતી. તો ઓપન કેટેગરીની ટીમે નિષ્ણાત જજોની પેનલને ફૂડ મેટર્સ સંબંધી ઉકેલો પુરા પાડીને પ્રભાવિત કરી હતી. વી ડૂ કેટેગરીમાં ૬થી ૯ વર્ષના સંશોધકોએ ભવ્ય પ્લેટફોર્મ પર પોતાનું કૌશલ્ય દર્શાવીને ઉપસ્થિતોનાં દિલ જીતી લીધાં હતાં. દરેક કેટેગરીમાં ત્રણ વિજેતા જાહેર કરાયા હતા. એ રીતે કુલ ૧૨ ટીમો આગામી સમયમાં થાઈલેન્ડ જનાર છે.

આ સ્પર્ધાના આયોજક ઇન્ડિયા સ્ટેમ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર સુધાંશુ શર્મા કહે છે, ‘એકવીસમી સદીમાં કુશળતા પ્રારંભિક શિક્ષણનો એક ભાગ બની ગઈ છે. આવી સ્થિતિમાં રૉબોટ ઓલિમ્પિયાડ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓને તેમનામાં રહેલી કુશળતાને બહાર લાવવામાં મદદરૃપ થાય છે. એટલું જ નહીં, ભવિષ્યમાં તેમને ટૅક્નિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા તરફ દોરી જાય છે. રૉબોટ ઓલિમ્પિયાડે તેના સ્વગ્રાહી માળખાને કારણે વિદ્યાર્થીઓની ભાગીદારીમાં વધારો કર્યો છે અને લોકપ્રિયતા મેળવી છે. અમારા યુવા સંશોધકોને પ્રેરણા આપવાના આ પ્રયત્ન બદલ હિન્દુસ્તાન ઇન્ટરનેશનલ સ્કૂલ, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ અને અદાણી વિલ્મર તરફથી પ્રશંસા મળી છે. આ વર્ષે ફૂડ મેટર્સ થીમ હોવાથી સ્પર્ધક વિદ્યાર્થીઓએ ખોરાકનાં ઉત્પાદન, વિતરણ અને સંચાલનમાં કેવી રીતે સુધારો કરી શકાય તેને લઈને રૉબોટનાં વિવિધ મોડેલ રજૂ કર્યાં હતાં. અમારો હેતુ વિદ્યાર્થીઓમાં પ્રારંભથી જ વાસ્તવિક વિશ્વ સાથે જોડાયેલી સમસ્યાઓના નિરાકરણ માટે કુશળતા પેદા કરવાનો છે. એ રીતે તેનામાં સર્જનાત્મકતા, ડિઝાઇનિંગ અને સમસ્યાનું નિરાકરણ લાવવાની ધગશ પેદા થાય છે. જે ભવિષ્યમાં તેને એ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવામાં પણ મદદરૃપ થાય છે. ઇન્ડિયાથી તૈયાર થયેલી ટીમ આગામી નવેમ્બરમાં થાઈલેન્ડ જઈને ભારતનું પ્રતિનિધિત્વ કરશે. વર્ષ ૨૦૦૪માં સૌ પ્રથમ સિંગાપોરમાં રૉબોટ ઓલિમ્પિયાડની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજાઈ હતી. ત્યાર બાદ ક્રમશઃ થાઈલેન્ડ, ચીન, તાઈપેઈ, જાપાન, કોરિયા, ફિલિપાઈન્સ, યુએઈ, મલેશિયા, ઈન્ડોનેશિયા, રશિયા, કતાર, ભારત, કોસ્ટા રિકા અને હવે વધુ એક વખત થાઈલેન્ડ ખાતે યોજાવા જઈ રહી છે.

રૉબોટ અને ભારત ઃ જેટલો ફાયદો એટલું નુકસાન
રૉબોટને આપણે એક તરફ આશીર્વાદરૃપ માનીએ છીએ ત્યારે બીજી તરફ તેની આડઅસરો પણ ઓછી નથી. ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રે રૉબોટના વધતા જતા ઉપયોગથી દુનિયાભરમાં નોકરીઓને લઈને ચિંતાઓ વધી રહી છે. ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી. અનેક વૈશ્વિક સંસ્થાઓ સતત રૉબોટનો અભ્યાસ કરી રહી છે અને તેનો રિપોર્ટ કહે છે કે, સાચે જ ભવિષ્યમાં અનેક પ્રકારની માનવીય નોકરીઓ પર રૉબોટના હાવી થઈ જવાનો ખતરો વધી રહ્યો છે. આજે ટૅક્નોલોજી ઝડપથી દુનિયાને બદલી રહી છે અને આ બદલાઈ રહેલી દુનિયામાં નોકરીઓનું સ્વરૃપ અને સ્થાન બંને બદલાઈ રહ્યાં છે. છેલ્લા એક દાયકાથી વિકાસ અને ઉદ્યોગીકરણને રસ્તે ઝડપથી આગળ વધેલા દેશોમાં માનવીય કામગીરીની જગ્યા રૉબોટ લઈ રહ્યા છે. હાલ ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં રૉબોટના ઉપયોગની શરૃઆત પ્રાથમિક તબક્કામાં છે, પણ સર્વિસ સેક્ટરમાં પણ તેના વધતા ઉપયોગથી આ ક્ષેત્રની નોકરીઓ પર સંકટનાં વાદળો ઘેરાવાની આશંકા પ્રબળ બની રહી છે. ઉદારીકરણના આજના જમાનામાં જ્યાં ભારત જેવા અનેક વિકાસશીલ દેશોમાં સર્વિસ સેક્ટરમાં આઉટસોર્સિંગ દ્વારા વ્યાપક પ્રમાણમાં નોકરીઓની શક્યતાઓ ઊભી થઈ છે તેમાં રૉબોટની દખલગીરી મોટું નુકસાન નોતરે તેમ છે. રઘુરામ રાજને આ મામલે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ઇમર્જિંગ માર્કેટ ઇકોનોમી એટલે કે એવા દેશો જેમની અર્થવ્યવસ્થા ઝડપથી ઊભરી રહી છે ત્યાં આઉટસોર્સિંગ દ્વારા મળતી નોકરીઓની શક્યતાઓ ખતમ થઈ શકે છે. ‘ધ વર્લ્ડ ઇન ૨૦૫૦’ના વિમોચન દરમિયાન રાજને કહ્યું હતું કે, ઑટોમેશન અને રૉબોટિક્સથી સૌથી વધુ નુકસાન ભારત જેવા દેશોમાં મધ્યમ વર્ગને થશે, જેને અત્યાર સુધી આઉટસોર્સિંગનો સૌથી વધુ ફાયદો થઈ રહ્યો છે. દાયકાઓ પછી દુનિયા ક્યાં પહોંચી જશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતાં આગામી પાંચ વર્ષમાં કેટલું પરિવર્તન આવશે તેનો અંદાજ લગાવવો બહુ મુશ્કેલ નથી. ૨૦૫૦ સુધીમાં દુનિયા કેટલી બદલાશે તેના વિશે કોઈ પણ પ્રકારની અટકળો કરવી આસાન નથી.

રઘુરામ રાજન સહિતના તજજ્ઞોની ચિંતા વાજબી છે, છતાં એક રિપોર્ટ માણસને ધરપત આપે તેવો પણ છે. જેમાં એવું કહેવાયું છે કે, આપણે રૉબોટથી ડરવાને બદલે માણસ તરીકેની આપણી કુશળતાઓને વિકસાવવી જોઈએ. શિક્ષણ અને કુશળતા – આ બે માણસ પાસેના એવા મોટા હથિયારો છે જેના વડે તે પોતાને ઉત્કૃષ્ટ સાબિત કરી શકે છે. રૉબોટ ઓલિમ્પિયાડ ૨૦૧૮માંથી આપણે આ જ શીખવાનું છે.
————————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »