તમારા માટે, તમારી સાથે, સતત…

રાજકાજઃ તેલંગાણા વિધાનસભા વિસર્જનના દાવ અને પેચ

જસ્ટિસ રંજન ગોગોઈ નવા મુખ્ય ન્યાયાધીશ

0 146
  • રાજકાજ

તેલંગાણા વિધાનસભા વિસર્જનના દાવ અને પેચ
તેલંગાણા વિધાનસભામાં પોતાના પક્ષ ટીઆરએસની બહુમતી હોવા છતાં મુખ્યપ્રધાન કે.સી. રાવે વિધાનસભાની મુદત પુરી થવાના આઠ મહિના પહેલાં વિધાનસભાનું વિસર્જન કરી નાંખ્યું છે. કે.સી. રાવનાં આ પગલાંમાં પાક્કી રાજકીય ગણતરીઓ છે. સામાન્ય સંજોગોમાં તેલંગાણા વિધાનસભાની ચૂંટણી આગામી મે માસમાં એટલે કે લોકસભાની ચૂંટણી સાથે થવાની હતી. હવે રાજ્ય વિધાનસભાનું વિસર્જન થઈ જતાં છ મહિનામાં એટલે કે માર્ચ પહેલાં વિધાનસભાની ચૂંટણી કરાવવી પડે. લોકસભાની ચૂંટણી સાથે રાજ્ય વિધાનસભાની ચૂંટણી યોજવાને કારણે તેમના પ્રાદેશિક પક્ષ તેલંગાણા રાષ્ટ્ર સમિતિને નુકસાન થવાનો ભય સતાવે છે. લોકસભાની સાથે ચૂંટણી યોજાય તો રાષ્ટ્રીય મુદ્દાઓના પ્રભાવમાં પ્રાદેશિક મુદ્દાઓ દબાઈ જવાની દહેશત છે. આ ઉપરાંત એક અનુમાન એવું પણ છે કે કે.સી. રાવ સ્વયં લોકસભાની ચૂંટણીમાં ત્રીજા મોરચાનું ગઠન કરીને મહત્ત્વની ભૂમિકા ભજવવાનું વિચારે છે. તેમનો આ વિપક્ષી મોરચો ભાજપ કે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવામાં માનતો નથી. જેમને આ બે રાષ્ટ્રીય પક્ષો સાથે જવાની ઇચ્છા નથી એવા પક્ષો આ ત્રીજા મોરચામાં સામેલ થઈ શકે છે.

પ્રથમ દૃષ્ટિએ અવ્યવહારુ અને અશક્ય લાગતી વાતમાં થોડો દમ એટલા માટે છે કે ઓરિસાના બીજુ જનતા દળ જેવા પ્રાદેશિક પક્ષો વિવિધ રાજ્યોમાં છે, જે ભાજપ કે કોંગ્રેસ સાથે જોડાવાનું પસંદ નહીં કરે. તેઓ ત્રીજા મોરચામાં સામેલ થઈ શકે છે. જો કે.સી. રાવ વિધાનસભાની ચૂંટણીની જવાબદારીમાંથી મુક્ત રહે તો જ તેઓ લોકસભાની ચૂંટણીમાં આવી ભૂમિકા ભજવી શકે અને એટલે રાજ્યમાં વહેલી ચૂંટણી યોજવાના ઇરાદે તેમણે વિધાનસભાનું વિસર્જન કર્યું છે. તેમની ગણતરી એવી છે કે આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેની સાથે તેલંગાણાની ચૂંટણી પણ યોજાય. અલબત્ત, આ બાબતમાં ચૂંટણી પંચનો અભિપ્રાય અને તૈયારી પણ જોવાના રહે છે. વહેલી ચૂંટણીની અપેક્ષાએ વિધાનસભાનું વિસર્જન કરી નાખવાનાં પગલાંને મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી. રાવતે સંપૂર્ણપણે અસંગત ગણાવ્યું છે. મતલબ ચૂંટણી પંચનો પ્રતિભાવ કે.સી. રાવની ધારણાને અનુરૃપ નથી. રાજકીય લાભની ઇચ્છાથી ભરવામાં આવતાં આવાં પગલાં સામાન્ય જન માટે પણ લાભકારક નિવડતા નથી. થોડા મહિનાના અંતરે રાજ્યમાં લોકોને બે વખત ચૂંટણીની કવાયતમાં જોતરાવું પડે છે. ચૂંટણી પંચ ચાર રાજ્યો માટે વ્યવસ્થાની તૈયારી કરતું હોય તેમાં વધુ એક રાજ્ય સામેલ થાય તો તેને પણ અનેક આયોજનોમાં ફેરફાર કરવો પડે એ સ્વાભાવિક છે. રાજકારણીઓ તેનો  વિચાર કરતા નથી. તેઓ માત્ર પોતાના અને પક્ષીય હિતોનો જ વિચાર કરે છે. એ કે.સી. રાવનાં પગલાંમાં પ્રતિબિંબિત થયું છે.
—————————.

Related Posts
1 of 269

જસ્ટિસ રંજન ગોગોઈ નવા મુખ્ય ન્યાયાધીશ
જસ્ટિસ રંજન ગોગોઈ ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ બનશે એ હવે નિશ્ચિત થઈ ગયું છે. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ તેમના નામની ભલામણ મોકલી આપી છે અને સરકારે તે સ્વીકારી છે. મુખ્ય ન્યાયાધીશની વરણીમાં આ રીતે વરિષ્ઠતાના સિદ્ધાંતનું પાલન કરાયું છે અને આ બાબતમાં હવે તમામ શંકાઓ નિર્મૂળ થઈ ગઈ છે. અગાઉ ગત જાન્યુઆરીમાં સર્વોચ્ચ અદાલતના જે ચાર ન્યાયાધીશોએ અસાધારણ પગલાં રૃપે પત્રકાર પરિષદ યોજીને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની કાર્યશૈલી અને ન્યાયપાલિકાની સ્વતંત્રતા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા એ ચાર ન્યાયાધીશોમાં રંજન ગોગોઈ પણ સામેલ હતા. તેને કારણે સિનિયર મોસ્ટ હોવા છતાં જસ્ટિસ રંજન ગોગોઈની મુખ્ય ન્યાયાધીશ તરીકેની નિયુક્તિ અંગે સંશય અને શંકાઓ પ્રવર્તતી હતી. આ નિયુક્તિની પ્રક્રિયા અંતર્ગત મુખ્ય ન્યાયાધીશની ભલામણને સ્વીકારીને સરકાર રાષ્ટ્રપતિને મોકલી આપે છે. કાયદા પ્રધાન રવીશંકર પ્રસાદે આ મુદ્દે પ્રવર્તતી શંકાઓને દૂર કરતાં અગાઉ સ્પષ્ટ કર્યું જ હતું કે આગામી મુખ્ય ન્યાયાધીશની નિયુક્તિ અંગે સરકારના ઇરાદા સામે પ્રશ્નો ખડા કરવા ન જોઈએ. જસ્ટિસ રંજન ગોગોઈના પિતા કેશવચંદ ગોગોઈ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા અને ૧૯૮૨માં આસામના મુખ્યપ્રધાન હતા. રંજન ગોગોઈ ૨૦૧૨માં સર્વોચ્ચ અદાલતમાં નિયુક્ત થયા હતા. જસ્ટિસ રંજન ગોગોઈએ અનેક મહત્ત્વના ચુકાદા આપ્યા છે. તેમના આદેશને પગલે જ આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર તૈયાર થયું છે.
—————————.

જમ્મુ-કાશ્મીરમાં હિન્દુ નેતા મુખ્યપ્રધાન બનશે?
જમ્મુ-કાશ્મીરમાં નવા રાજ્યપાલે કામકાજ સંભાળી લીધું છે. રાજ્યમાં પંચાયતોની ચૂંટણી યોજવા સામે નેશનલ કોન્ફરન્સના ફારૃક અબ્દુલ્લાએ વિરોધ કરીને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેઓ ઇચ્છે છે કે, સરકારે પહેલાં કલમ ૩પ-એ વિશે વલણ સ્પષ્ટ કરવું જોઈએ. તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે એક પ્રવચનમાં કલમ ૩પ-એને મોટી ભૂલ ગણાવી હતી. તેમના આ નિવેદનમાં સરકારના વલણનો પ્રતિધ્વનિ સંભળાતો હોવાનું માની લેવામાં આવ્યું છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં સરકારની રચનાની કવાયત તેજ બની રહી હોવાનું કહેવાય છે. કહે છે કે આગામી એકાદ-બે સપ્તાહમાં રાજ્યમાં નવી સરકારની રચનાને આકાર આપવાના પ્રયાસ થશે. ત્યાં પીડીપી અને નેશનલ કોન્ફરન્સથી અલગ થયેલા કે પક્ષમાંથી હાંકી કાઢવામાં આવેલા નેતાઓનો એક મોરચો બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. આ મોરચાને મૂર્ત સ્વરૃપ આપવામાં સજ્જાદ લોન કામે લાગ્યા છે. આ મોરચો ભાજપ સાથે મળીને સરકાર રચે એવી શક્યતા છે. આ સમગ્ર પ્રકરણમાં એકમાત્ર મડાગાંઠ એ છે કે સજ્જાદ લોન સ્વયં મુખ્યપ્રધાન બનવા ઇચ્છે છે જ્યારે ભાજપ તેમને ડેપ્યુટી સીએમ બનાવવા સંમત થયો છે. ભાજપ અગાઉ રાજ્યમાં ડેપ્યુટી સીએમ રહી ચૂકેલા તેમના નિર્મલસિંહ કે કવિન્દ્ર ગુપ્તા જેવા કોઈ નેતાને મુખ્યપ્રધાન બનાવવા ઇચ્છે છે અને દેશમાં એવો મેસેજ મોકલવા ઇચ્છે છે કે જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર ભાજપના નેતૃત્વમાં કોઈ બિન-મુસ્લિમ સરકાર બની છે.
—————————.

દક્ષિણ ભારતમાં ભાજપ આધાર શોધી રહ્યો છે
લોકપ્રિય મલયાલી ફિલ્મ અભિનેતા મોહનલાલ જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છે ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે ભાજપ તેમને કેરળની તિરુવનંતપુરમ લોકભાની બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા સમજાવે છે. કેરળના તિરુવનંતપુરમ મત વિસ્તાર પર ભાજપની નજર ઘણા વર્ષોથી રહી છે. આ વિસ્તારમાંથી ભાજપના નેતા ઓ.રાજગોપાલ સતત ચૂંટણી લડતા અને હારતા રહ્યા છે. તેમને મળતા મતોની ટકાવારી પણ બે મુખ્ય પ્રતિસ્પર્ધી પક્ષો કોંગ્રેસ અને સીપીઆઈને મળતા મતો કરતાં ઘણી ઓછી રહેતી હતી, પરંતુ ર૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળતા મતોમાં ઘણો મોટો વધારો થયો. હાલ ૮૮ વર્ષના રાજગોપાલને ચૂંટણીમાં વીસ ટકા મતો મળ્યા. તેઓ કોંગ્રેસના ઉમેદવાર શશી થરૃર સામે હારી ગયા હતા, પરંતુ શશી થરૃર કરતાં તેમને માત્ર બે ટકા મતો જ ઓછા મળ્યા હતા. મોહનલાલ સાથેની મુલાકાત અને સંવાદ બાદ વડાપ્રધાને ટ્વિટ કરીને તેમની સામાજિક સેવાઓને બિરદાવી હતી. વાસ્તવમાં અભિનેતા મોહનલાલ તેમની સંસ્થા વિશ્વ શાંતિ ફાઉન્ડેશનના એક કાર્યક્રમ માટે વડાપ્રધાનને આમંત્રણ આપવા માટે મળવા ગયા હતા. તેમને કોઈ રાજકીય મહત્ત્વાકાંક્ષા ન હોવાનું સ્પષ્ટ કર્યું હોવાનું માનવામાં આવે છે.
—————————.

Leave A Reply

Your email address will not be published.

Translate »