તમારા માટે, તમારી સાથે, સતત…

ગુજ્જુ ગર્લે ઉગ્રવાદીઓનાં હૃદય પરિવર્તન કર્યાં

ગુજ્જુ ગર્લે ઉગ્રવાદીઓનાં હૃદય પરિવર્તન કર્યાં

0 181

– હેતલ રાવ

ગુજરાતની એક દીકરીએ એક બે નહીં, પણ કેટલાય ઉગ્રવાદીઓની જિંદગીને બદલી નાંખી છે. જેમને બંદૂક અને ગોળી ચલાવવા સિવાય બીજું કંઈ આવડતંુ જ નહોતું તે લોકો આજે પોતે તો સારું જીવન જીવી જ રહ્યા છે, સાથે પોતાની આવનારી પેઢીના સારા ભાવિ માટે પ્રયત્નો કરી રહ્યા છે અને આવા સારા કાર્યનું નિમિત્ત દીપા દવે નામની એક ગુજ્જુ ગર્લ બની છે.

‘દીકરી ‘ને ગાય, દોરે ત્યાં જાય,’ આ કહેવત દાયકાઓથી સાંભળતા આવ્યા છીએ અને ક્યાંક તો એવું જોવા પણ મળે છે કે દીકરી ૧૮ વર્ષની થાય અને તેનાં લગ્ન કરી દેવામાં આવે અથવા તો ઘરના કામમાં જોતરી દેવામાં આવે, પણ આ બધી વાતો માટે દીપા સર્જાઈ ન હતી. રાજકોટની રહેવાસી દીપા દવે કંઈક અલગ કરવા આ દુનિયામાં આવી હતી. બાળપણથી જ સેવાભાવી સ્વભાવ અને ધાર્મિક વૃત્તિના કારણે તેમનામાં અલગ જ ચેતના હતી. આજે પણ દીપા સાહસ અને સંઘર્ષના ચહેરા તરીકે ઓળખાય છે. છેલ્લાં પંદર વર્ષથી ઇમ્ફાલના સુફો બેલો ગામમાં બાળકોને અભ્યાસ કરાવવાનું કાર્ય કરતી દીપાએ ૬૮થી પણ વધુ ઉગ્રવાદીઓને ખરા અર્થમાં માનવ હોવાનો અહેસાસ કરાવ્યો છે.

૨૦૦૩માં ગુજ્જુ ગર્લ દીપા આર્ટ ઓફ લિવિંગ દ્વારા શરૃ કરવામાં આવેલી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવવા માટે આવી હતી. તે સમયે મણિપુરના આ વિસ્તારમાં ઉગ્રવાદી પ્રવૃત્તિઓ ચરમસીમાએ હતી, પણ દીપાએ નક્કી કર્યું હતું કે ગમે તે થાય, પોતે પોતાનું આ કાર્ય ક્યારેય નહીં છોડે. આ વિસ્તારમાં રહીને ભણાવવાની વાત કરવી એટલે પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર કરવાની વાત હતી, પણ દીપાએ હાર ના માની. જ્યારે શાળા શરૃ કરવામાં આવી ત્યારે દીપાને શાળા બંધ કરી પરત ફરી જવાનો સંદેશ આવી ગયો હતો, પણ આ સંદેશાને તેમણે નજરઅંદાજ કરી પોતાનું કાર્ય શરૃ રાખ્યું ત્યારે ઉગ્રવાદીઓ જાતે આવ્યા. કહેવાય છે કે તેમની પાસે હથિયાર પણ હતા. એક માસનો સમય આપી તેઓ પરત ફર્યાં. થોડા સમય પછી દીપા પાસે શાળા ચલાવવા બદલ પૈસા પણ માગવામાં આવ્યા, પણ તેઓ ટસના મસ ન થયાં. તે સમય ઘણો ખરાબ હતો, દીપા ઉગ્રવાદીઓ સાથે વાત કરવા માગતી હતી. તેમણે સ્થાનિક આદિવાસીઓની મદદ માગી, સાથે જ ઉગ્રવાદીઓના ઘરે જઈને પણ મળ્યાં, પરંતુ પ્રથમ મુલાકાત સફળ ન નિવડી. છતાં પણ ગુજરાતી પાણી એમ હાર થોડું માને? પોતાના ગુરુ શ્રી શ્રી રવિશંકર મહારાજને વાત કરી. તેમણે કહ્યું, ‘પ્રયત્ન કરો, સફળતા મળશે.’ આ વાતે દીપામાં નવી સ્ફૂર્તિ પ્રેરી.

Related Posts
1 of 289

હું અહીં ભણાવવા આવી છું. કોઈના નુકસાન માટે નથી આવી. આવી વાતો દીપા વારંવાર કરતી. લોકો ધીમે-ધીમે સમજતા થયા કે આમાં કોઈનું નુકસાન નથી. જોકે લોકોનો વિશ્વાસ જીતવા માટે દીપાને ત્રણથી ચાર વર્ષ જેટલો સમય લાગ્યો. આ સંઘર્ષના એવા દિવસો હતા જે ક્યારેય ભૂલી શકાય તેવા નથી. અંતમાં તેમને પ્રથમ સફળતા એ જ ઉગ્રવાદીઓને સમજાવવામાં મળી જે એ.કે. ૪૭ લઈને તેમને ધમકાવવા આવ્યો હતો. દીપાની હિંમત ત્યાર પછી વધુ વધી અને આ સિલસિલો આજે પણ ચાલુ જ છે.

આ વિશે વાત કરતાં દીપા દવે કહે છે, ‘આર્ટ ઓફ લિવિંગ દ્વારા હું દરેક જગ્યાએ ટ્રાવેલિંગ કરીને કોર્સ કરાવું છું. તેમાં જ મારે મણિપુર સ્ટેટમાં જવાનું થયું. ત્યાં પણ કાશ્મીર અને આંધ્રપ્રદેશમાં હોય છે તેવી પરિસ્થિતિ હતી. ભારતના વિરોધમાં તેમનામાં ઘણો રોષ છે. હું આર્ટ ઓફ લિવિંગના કોર્સ માટે ગઈ હતી. શરૃના તબક્કામાં કોઈને ગુરુજી પર કે મારા પર વિશ્વાસ નહોતો. સૌથી મોટો પડકાર મારા માટે ત્યાંના લોકોનો વિશ્વાસ જીતવાનો હતો. ધીમે-ધીમે જે કોર્સ ચાલતો હતો તેમાં ત્યાંના લોકોનો વિશ્વાસ બેસતો ગયો. અમારા ત્યાં આવીને તે લોકો ધ્યાન કરતા થયા. તેનાથી તેમનામાં ઘણો ફરક પડ્યો. સ્થાનિક લોકો શિક્ષક બન્યા. ત્યાંના કેટલાક લોકો આઝાદીના નામે લડત ચલાવતા હતા. ભારતમાં ભેળવવામાં આવ્યું તે પહેલાં મણિપુરમાં રાજાઓનું રાજ ચાલતંુ હતું. સરકારથી તે લોકોને પ્રશ્ન હતા અને અમે સરકારનું કામ કરવા આવ્યા છીએ, તેવું ત્યાંના સ્થાનિકોને લાગતું, પરંતુ અમારા સંપર્કમાં આવી ધ્યાન અને સુદર્શન પ્રક્રિયા કરી તેમને લાગ્યંુ કે અમારું વર્ક જુદું છે. આર્ટ ઓફ લિવિંગના હેપીનેસ પ્રોગ્રામ તેમને ગમતા. આ ઉપરાંત મણિપુરથી યુવાઓને અમે બેંગ્લોર લઈ આવતા અને તેમને યૂથ લીડરશિપ ટ્રેનિંગ પ્રોગ્રામ, સ્કિલ ટ્રેનિંગ પ્રોગ્રામ વગેરે કરાવતાં. અત્યારે વાયોલન્સ થોડું ઓછું છે. મારા પર વિશ્વાસ છે, અમારા ગુરુ પર વિશ્વાસ છે. હા, અહીં બોમ્બબ્લાસ્ટ થાય છે, પણ સ્થાનિક લોકોને અને અમને તેઓ હેરાન નથી કરતા. ધીમે-ધીમે અમે તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમારા પર તેમને ટ્રસ્ટ છે અને તેમના ટ્રસ્ટને અમે સમજીએ છીએ.’

અહીંની જેલોમાં પણ કોર્સ ચલાવવામાં આવ્યો હતો. જેમાં ૭૦૦થી ૮૦૦ જેટલા લોકોનો તણાવ દૂર થયો હતો. ખાસ કરીને જેલમાં સુદર્શન ક્રિયા લોકોને વધુ સારી લાગતી હતી. આ એક એવી પ્રક્રિયા છે જેનાથી લોકો પોતાની મુશ્કેલી, તકલીફો ભૂલી જાય છે અને નવી દિશામાં સંચાર કરે છે. જેલમાં શરૃ કરાયેલા આ કોર્સથી લોકો તણાવમુક્ત બન્યા હતા. અત્યાર સુધીમાં દીપાએ ટીમની સાથે મળીને ૪૦૦થી ૫૦૦ લોકોનાં હૃદય પરિવર્તન કરાવ્યાં છે.

દેશના હિતમાં કામ કરવું હોય તો તે ગમે તે રીતે કરી શકાય છે. પછી તે સરહદ હોય, શાળા હોય, ધર્મ હોય કે કોઈ ટ્રસ્ટ દ્વારા ચલાવાતા આવા કોઈ કાર્યક્રમ હોય. અંતે ભલું તો માનવતાનું અને સારું તો દેશનું જ થવાનું છે. એક ગુજરાતી ધારે તો શંુ ના કરી શકે, તેનું ઉત્તમ ઉદાહરણ દીપા દવે છે. ખુદમાં વિશ્વાસ હોય તો દરેક કાર્ય કરી શકાય છે. આવા ગુજરાતી ગુજરાતનું ગૌરવ છે.
——————

Leave A Reply

Your email address will not be published.

Translate »