તમારા માટે, તમારી સાથે, સતત…

સ્વચ્છ ભારત અભિયાન, ખુશ્બૂ કહાં હૈ ગુજરાત કી ?

ગુજરાત ટોપ ટેનમાંથી બહાર નીકળી ગયું

0 997

કવર સ્ટોરી – દેવેન્દ્ર જાની

મહાત્મા ગાંધીના જન્મદિન તા. ર ઑક્ટોબર, ર૦૧૪થી દેશભરમાં સ્વચ્છતા અભિયાન શરૃ કરવામાં આવ્યું હતું. આરંભના સમયમાં એક ઝુંબેશના સ્વરૃપમાં કામ થતું જોવા મળ્યું હતું. સ્વચ્છતા અભિયાન હેઠળ શહેરોમાં થતી કામગીરીનું મૂલ્યાંકન છેલ્લાં ત્રણ વર્ષથી કરવામાં આવે છે. છેલ્લે ર૦૧૮ના સર્વેક્ષણના આંકડાઓ અને પરિણામો બહાર આવ્યાં તે મહાત્મા ગાંધીની ભૂમિ તરીકે ઓળખાતા ગુજરાત માટે શરમજનક છે. ગુજરાતનું એક પણ શહેર રાષ્ટ્રીય સ્તરના ટોપ ટેનના રેન્કિંગમાં નથી આવ્યું. ગયા વર્ષે ર૦૧૭માં ટોપ ટેનમાં સુરત અને વડોદરાનો સમાવેશ થયો હતો તે પણ આ વર્ષે પાછળ ધકેલાઈ ગયા છે. તંત્રની સાથે નાગરિકો પણ આ જવાબદારીમાંથી છટકી શકે નહીં. આ સ્થિતિ માટે કોણ છે જવાબદાર, કયાં છે કારણો? આવો જોઈએ એક વિશેષ અહેવાલ…

યહાં ખુશ્બૂ હૈ ગુજરાત કી.. એક પ્રમોશન ઍડ્.માં અમિતાભ બચ્ચન જ્યારે આ શબ્દો બોલે છે ત્યારે ગુજરાતની એક આગવી ઓળખ નજર સમક્ષ ખડી થઈ જાય છે. દેશમાં એક પ્રગતિશીલ રાજ્ય તરીકે ગુજરાતને જોવામાં આવી રહ્યું છે ત્યારે સ્વચ્છતાની બાબતમાં ગુજરાત તેની પ્રતિષ્ઠાની ચમક ગુમાવી રહ્યું છેે. ગુજરાત સ્વચ્છતાની બાબતમાં શિરમોર રહે તેવી અપેક્ષા એટલા માટે હોય કે મહાત્મા ગાંધીની આ જન્મભૂમિ છે. તેમણે સ્વચ્છતાના સંદેશને એક વિચારના રૃપમાં વિશ્વભરમાં ફેલાવ્યો હતો એટલે જ સ્વચ્છતા મિશનનો આરંભ બાપુના જન્મદિન તા. ર ઑક્ટોબરથી કરવામાં આવ્યો હતો. સ્વચ્છતા સર્વેક્ષણ ર૦૧૮નું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યંુ એ ગુજરાત માટે આંખ ખોલનારું છે. ગુજરાત મોડલની આજે દેશભરમાં જ્યારે ખૂબ ચર્ચા છે ત્યારે દેશના કલીન સિટીના રેન્કિંગમાં ગુજરાતનું એક પણ શહેર સ્થાન પામ્યું નથી. આ સ્થિતિ માટે માત્ર તંત્રને જવાબદાર ઠેરવી શકાય નહીં. નાગરિકો પણ એટલા જ જવાબદાર છે. નાગરિક તરીકેની પોતાના વિસ્તાર કે શહેરને સ્વચ્છ રાખવા માટેની જવાબદારીમાં આપણે ઊણા ઊતર્યા છીએ. જ્યાં સુધી નાગરિકોની માનસિકતામાં બદલાવ નહીં આવે ત્યાં સુધી ખુશ્બૂ નહીં, પણ અસ્વચ્છતાની બદબૂ જ આવતી રહેશે.

દેશભરમાં સ્વચ્છતા મિશન લોન્ચ થયા બાદ છેલ્લાં ત્રણ વર્ષથી સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી કેન્દ્ર સરકાર હસ્તકના શહેરી વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવે છે. ક્લીન સિટીની અલગ-અલગ કેટેગરી વિશે આકલન કર્યા બાદ રેન્કિંગ આપવામાં આવે છે. આજે ઇન્દોર દેશનું નંબર વન ક્લીન સિટી બન્યું છે. છેલ્લાં બે વર્ષથી ઇન્દોર શહેરે તેનો આ દરજજો જાળવી રાખ્યો છે. ઇન્દોર શહેરમાં કોઈ પણ મુલાકાતી પગ મુકે એટલે ત્યાંની સ્વચ્છતાથી તે પ્રભાવિત થયા વિના રહેતો નથી. વર્ષ ર૦૧૮માં દેશના ૪ર૦૩ શહેરોને આવરી લઈને સ્વછતા સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. દેશભરમાં ૬૬ દિવસ સુધી ચાલેલા આ વિરાટ મિશનમાં ર લાખ કરતાં વધુ સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રર૧ જેટલી જુદી-જુદી ટીમો દ્વારા ૧પ હજાર સ્કૂલો અને ર૮ હજાર કોમર્શિયલ એરિયાની વિઝિટ કરવામાં આવી હતી. દેશભરમાં ૩૮ લાખ લોકો પાસેથી ફીડબૅક લેવામાં આવ્યાં હતાં. આ સર્વેક્ષણમાં સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો. ખાસ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી હતી આ ઉપરાંત ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમો થકી ૪૦ લાખ લોકો સુધી પહોંચી ફીડબૅક લેવામાં આવ્યા હતા.

ગુજરાત ટોપ ટેનમાંથી બહાર નીકળી ગયું
સ્વચ્છતા સર્વેક્ષણ ર૦૧૮નું પરિણામ જાહેર કરવામાં આવ્યું તે ગુજરાત માટે શરમજનક છે. જેના વિકાસ મોડલની સૌથી વધુ ચર્ચા છે તે સ્વચ્છતાની બાબતમાં પાછળ ધકેલાતું જાય છે. સ્ટેટ રેન્કિંગમાં ગુજરાતનું સ્થાન ૧૭મુ આવ્યું છે. દેશના ટોપ ટેન ક્લીન સ્ટેટમાં પણ ગુજરાત સ્થાન મેળવી શક્યંુ નથી. આ યાદીમાં ઝારખંડ પ્રથમ, મહારાષ્ટ્ર બીજા અને છત્તીસગઢ ત્રીજા સ્થાને છે. રાજ્ય પછી શહેરની વાત કરીએ તો દેશના ક્લીન ટોપ ટેન સિટીમાં પણ ગુજરાતનો એક પણ શહેરનો સમાવેશ થયો નથી. વર્ષ ર૦૧૬ના સર્વેક્ષણમાં સુરત છઠ્ઠું અને રાજકોટે સાતમુ સ્થાન મેળવ્યંુ હતું. વર્ષ ર૦૧૭ના સર્વેક્ષણમાં સુરત થોડું આગળ વધ્યું અને ચોથો ક્રમ મેળવ્યો હતો જયારે વડોદરાએ દસમુ સ્થાન મેળવ્યું હતું. આમ ગુજરાતનાં બે શહેરો દેશના કલીન ટોપ ટેન ક્લીન સિટીમાં સ્થાન પામતાં રહ્યાં હતાં.

Related Posts
1 of 262

સર્વેક્ષણ ર૦૧૮માં ગુજરાતના વધુ શહેરો ટોપ ટેનમાં આવશે તેવી અપેક્ષા હતી તે તો ન સંતોષાઈ ઉલટાનું એક પણ શહેર ટોપ ટેનમાં ન આવ્યું. ક્લીન સિટીના ટોપ ટેનમાંથી ગુજરાત બાકાત થઈ ગયું છે. દેશનાં ૪,ર૦૩ શહેરોનો જુદી-જુદી કેટેગરીમાં આવરી લઈને સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું તેમાં રાજ્યનાં ૪૦ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગુજરાતના સૌથી મોટા અમદાવાદ શહેરનો ૧રમો ક્રમ, સુરતનો ૧૪, રાજકોટનો ૩પ અને વડોદરાનો ૪૪મો ક્રમ આવ્યો છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર ગ્રીન સિટી કહેવાય છે પણ પાટનગરનું સ્થાન ર૬મુ આવ્યું છે. રાજ્યનાં મોટા શહેરોમાં મહાનગરપાલિકાઓ કાર્યરત હોય છે. ડોર ટુ ડોર ટિપરવાન કચરો લેવા આવે તેવંુ મિકેનિઝમ ગોઠવાયું હોય છે. સ્વચ્છતાની બાબતમાં ગુજરાત પાછળ ધકેલાયું છે, તેમાં તંત્રની સાથે નાગરિકોનો પણ એટલો જ વાંક છે. સિવિક સેન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. એવું અનેક વખત જોવા મળ્યું છે કે કચરા પેટી સામે પડી હોવા છતાં કચરો તેમાં નાખવાના બદલે રોડ પર ફેંકવામાં આવે છેે. જ્યાં અને ત્યાં પાન-ફાંકીની પિચકારી મારવામાં આવે છે. સ્વચ્છતાની બાબતમાં સ્વયં શિસ્ત જે અન્ય દેશોમાં જોવા મળે છે તે અહીં જોવા મળતી નથી. ગુજરાતીઓ જયારે વિદેશ જાય છે ત્યારે ત્યાંના સ્વચ્છતાનાં નિયમો પૂરે પૂરા પાળે છે કારણ કે કડક સરકારી પગલાનો ડર સતાવે છે, પણ પરત ગુજરાત આવે એટલે નિયમો ભૂલી જવાના. દંડની તો કોઈને પરવા જ નથી, કારણ કે સફાઈની બાબતમાં આપણે કોઈને કડક સજા થઈ હોય તેવો  દાખલો જ બન્યો નથી.

રાજકોટ સતત પાછળ ધકેલાતું જાય છે
સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ સ્વચ્છતા સર્વેક્ષણમાં સતત પાછું ધકેલાતંુ જાય છે. વર્ષ ર૦૧૬માં જ્યારે સૌ પહેલું સર્વેક્ષણ થયું ત્યારે રાજકોટનું સ્થાન દેશના સ્વચ્છ શહેરોમાં ૭મુ આવ્યું હતું. રાજકોટ માટે આ ગૌરવની વાત હતી, પણ ત્યાર પછીના વર્ષ ર૦૧૭નું પરિણામ આવ્યું ત્યારે પાછળ ધકેલાતાં ૧૮મો ક્રમ આવ્યો. આશરે ૧પ લાખની વસતી ધરાવતું રાજકોટ શહેર સ્વચ્છતાની બાબતમાં ન સુધર્યું અને વર્ષ ર૦૧૮ના સર્વેક્ષણમાં ૩પમા ક્રમે ધકેલાઈ ગયું છે. રાજકોટ કોર્પોરેશન સક્ષમ હોવા છતાં સ્વચ્છતાની કામગીરીમાં નબળી કામગીરી થઈ રહી છે. રાજકોટમાં કાયમી અને કોન્ટ્રાક્ટરના મળી આશરે ૪૦૦૦ જેટલા સફાઈ કર્મચારીઓ છે. ૬૬ સફાઈ કર્મચારીઓ રાત્રે રોડ સફાઈની કામગીરી કરે છે છતાં મોટા ભાગના વોર્ડમાં નિયમિત સફાઈ થતી ન હોવાની ફરિયાદો મળી રહી છે. રાજકોટમાં દૈનિક આશરે ૬૦૦ મેટ્રિક ટન કચરો નીકળે છે અને કચરાની ડમ્પિંગ સાઈટ એક માત્ર નાકરાવાડી ખાતે છે. નાકરાવાડી સાઈટ પર કચરાના પહાડ જોવા મળી રહ્યા છે. રિ-પ્રોસેસિંગ કરવાનો પ્લાન્ટ કાર્યરત થયો જ નથી.

રાજકોટ કોર્પોરેશનમાં મેયર સહિતના પદાધિકારીઓની નવી ટીમે ચાર્જ સંભાળતાની સાથે જ સફાઈની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મેયર બીનાબહેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલિયા અને સ્ટેન્ડિંગ ચૅરમેન ઉદયભાઈ કાનગડ વોર્ડ ઑફિસની મુલાકાત લઈ સફાઈ કર્મચારીઓને મળી રહ્યા છે. તેમની કામગીરીનું ઓચિતું ચેકિંગ કરી રહ્યા છે. રાજકોટ સ્વચ્છ રહેવું જોઈએ તેવા એકમાત્ર લક્ષ્ય સાથે કામ કરવા સૂચનાઓ આપે છે. સ્ટેન્ડિંગ ચૅરમેન ઉદયભાઈ કાનગડે સોશિયલ મીડિયાના માધ્યમથી જાગૃતિ લાવવાના પ્રયાસો તેજ કર્યા છે. રાજકોટ કોંગ્રસના કોર્પોરેટર મનસુખભાઈ કાલરિયા કહે છે, ‘રાજકોટ સ્વચ્છતાની બાબતમાં સતત પાછળ ધકેલાતું જાય છે. તેનું મહત્ત્વનું એક કારણ એ છે કે સફાઈ કર્મચારીઓની સંખ્યા બતાવવામાં આવે છે તેમાંથી માત્ર ૩૦થી ૩પ ટકા જ ફિલ્ડ પર કામ કરે છે.

વોર્ડમાં નિયમિત સફાઈ થતી નથી. ટિપરવાન બે-ત્રણ દિવસે એક વાર સોસાયટીમાં આવતી નથી. આ રાબેતા મુજબનું થઈ ગયું છે. તંત્રની બેદરકારી છે, પણ સામા પક્ષે લોકોમાં પણ સ્વયં શિસ્ત નહીં આવે ત્યાં સુધી સારાં પરિણામો નહીં મળે.’ રાજકોટ ચેમ્બરની વ્યવસ્થાપક કમિટીના સભ્ય રાજુભાઈ ઝુંઝા તેમના થોડા દિવસ પહેલાંના દુબઈ પ્રવાસના અનુભવની વાત કરતાં કહે છે, ‘દુબઈમાં પ્રજા હોય કે રાજા હોય, તમામ લોકો ચુસ્તપણે નિયમો પાળે છે. રસ્તાઓ પર ક્યાંય કચરો ન દેખાય કે પાનની પિચકારી મારતા કોઈ જોવા મળતા નથી. ગુજરાતીઓ દુબઈ જાય તો નિયમો પાળે છે. ખિસ્સામાં ફાકી રાખતા બંધ થઈ જાય છે અને એ જ પરત ગુજરાત આવે એટલે નિયમો પાળવાનું બંધ થઈ જાય છે. દુબઈથી પરત આવ્યા બાદ જાહેર વ્યવસ્થાના તમામ નિયમો મેં પાળવાનું નક્કી કર્યું છે. રાજકોટમાં હું બાઈક લઈને નીકળંુ તો હેલમેટ પહેરું છું. ટ્રાફિકના નિયમોનો ભંગ થાય તો તરત જ દંડ ભરી દઉ છંુ. લોકોમાં જ્યાં સુધી સ્વયં શિસ્ત અને જાગૃતિ નહીં આવે ત્યાં સુધી સ્થિતિમાં બદલાવ નહીં આવે.’

રાજકોટમાં બહુમાળી ભવનમાં જ્યાં  આખા જિલ્લાની સરકારી કચેરીઓ આવેલી છે ત્યાં સૌથી વધુ ગંદી જોવા મળે છે. સરકારી કર્મચારીઓમાં જ સફાઈ પ્રત્યે કોઈ કેર જોવા મળતી નથી. બહુમાળી ભવનની સીડી અને દીવાલો પર જ પાનની પિચકારી મારેલી જોવા મળે એ સામાન્ય બની ગયું છે. પરિસરમાં કાગળોના ડૂચા પડેલા હોય છે. શૌચાલય તો સાફ જ નથી હોતાં. બહુમાળી ભવનની સ્વચ્છતા રાખવાની બાબતમાં અનેક વખત સત્તાધીશોને રજૂઆતો કરવામાં આવી છે, પણ સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી. જ્યાં સુધી કર્મચારીઓ જાગૃત નહીં થાય ત્યાં સુધી હાલતમાં સુધારો નહીં થાય તેવું શહેરીજનો કહી રહ્યા છે.

વાત કરીએ સૌરાષ્ટ્રનાં અન્ય શહેરની તો એક સમયે જેને પેરિસ કહેવામાં આવતું હતંુ એ મોરબી શહેર પણ ગંદકીના થર પર જાણે ઊભંુ હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લા કક્ષાનંુ મથક બન્યું હોવા છતાં સફાઈની બાબતમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. મોરબીનો રાષ્ટ્રીય સ્તરે ૩પ૧મો ક્રમ અને ગુજરાતનાં ૪૦ શહેરોમાં સૌથી છેલ્લા ક્રમે આવ્યો છે તે જ આ શહેરની સ્વચ્છતા કેવી હશે તેનો અંદાજ આપે છે. આવી જ હાલત છે રાજાશાહીના સમયમાં સ્વચ્છતા માટે મોડલ સિટીની ઓળખ આપનાર રાજવી ભગવતસિંહજીના ગોંડલ શહેરનો સ્વચ્છતા સર્વેક્ષણમાં ૩૩૯મો ક્રમ આવ્યો છે. જામનગરની સ્થિતિ પણ એવી જ છે. જામનગર શહેરના અંદરના માર્ગો કચરાથી ઉભરાતા હોય તેવા દ્રશ્યો સામાન્ય બની ગયા છે. મેયરના વોર્ડમાં જ કચરાના ઢગલા જોવા મળે છે. જામનગર ૧ર૭મા ક્રમે ધકેલાયું છે. જૂનાગઢ ૧૧૭ અને ભાવનગર ૧૩પમા સ્થાન પર આવ્યું છે. આમ સૌરાષ્ટ્રના શહેરી વિસ્તારોમાં સફાઈની બાબતમાં સતત ઉણા ઊતરી રહ્યા છે.
——————

Leave A Reply

Your email address will not be published.

Translate »