તમારા માટે, તમારી સાથે, સતત…

ઉજ્જડ જમીન ૧૯ હેક્ટરના જંગલમાં તબદીલ કરી

એક વર્ષ દરમિયાન ૮૦૦૦ જેટલા છોડવાનું સફળતાપૂર્વક રિપ્લાન્ટેશન કરવામાં આવ્યું

0 163

દૃષ્ટિકોણ

Related Posts
1 of 142

મહારાષ્ટ્રના થાણેમાં આવેલા તિતવાલાના રુંદે નામના વિસ્તારમાં કાલુ નદીની પાસેના ૧૯ હેક્ટરમાં ફેલાયેલા જંગલમાં એક સમયે વન્યજીવન આબાદ હતું. વૃક્ષોથી સમૃદ્ધ આ વિસ્તાર પ્રાણવાયુ પૂરો પાડતાં ફેફ્સાં સમાન મનાતો હતો, પરંતુ વધી રહેલું પ્રદૂષણનું સ્તર, ભૂમિનું ધોવાણ અને વૃક્ષોનું નિકંદન જેવાં પરિબળોએ અહીંની પ્રકૃતિને ધીરે-ધીરે નષ્ટ કરી દેવાનું કામ કર્યું હતું. થાણેની આબાદીને ઓક્સિજન પૂરો પાડતા આ વિસ્તારને ફરીથી હર્યાેભર્યાે કરવા માટે વનવિભાગે ઉજ્જડ બનેલી આ જમીન નાગરિકોને સુપરત કરી મોટી સંખ્યામાં લોકોને આ કાર્યમાં જોડવાના કરાર કર્યા હતા. જનભાગીદારીના આ કામમાં પર્યાવરણ દક્ષતા મંડલ નામની એનજીઓ પણ જોડાઈ હતી. જાન્યુઆરી ૨૦૧૭માં એનજીઓના સ્વયંસેવકો અને લોકોએ જમીનનો કબજો મેળવી કામ શરૃ કર્યું હતું. સંગીતા જોષી નામના કાર્યકરે જણાવ્યું કે, જ્યારે અમે આ પ્રોજેક્ટ હાથ પર લીધો ત્યારે અમારો મુખ્ય હેતુ આ વિસ્તારને ફરી હરિયાળો બનાવવાનો હતો. અમે આ વિસ્તારની માટી અને પાણીના નમૂનાઓ મેળવી તેનો અભ્યાસ કર્યાે. અમારે આ ભૂમિ પર ઊગી શકે તેવા રોપાનું વાવેતર કરવાનું હતું. આ માટે કાર્યકરોએ પોતાના ઘરે બે વર્ષથી ઉછેરેલા છોડવા તિતવાલાના વિસ્તારમાં રિપ્લાન્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું. આ કામ થોડું અઘરું હતું. કેમ કે છોડવા રિપ્લાન્ટ કર્યા બાદ તે ટકશે કે કેમ તે પણ એક પ્રશ્ન હતો. એ કહેવાની જરૃર નથી કે જનભાગીદારીથી શરૃ કરેલા આ મહાકાર્યમાં પાછલા એક વર્ષ દરમિયાન ૮૦૦૦ જેટલા છોડવાનું સફળતાપૂર્વક રિપ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. સદ્નસીબે છોડવાનો ટકી જવાનો દર પણ ૯૮ ટકા જેટલો ઊંચો જોવા મળ્યો છે, જે આ મહાકાર્યની સફળતાની સાબિતી પૂરી પાડે છે. કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ કે.ડી. ઠાકરેએ જણાવ્યું કે, ‘એક વર્ષ કરતાં પણ ઓછા સમયગાળામાં આ વિસ્તારમાં પુનઃ ગ્રીન કવર પ્રસ્થાપિત થઈ શક્યું છે. અહીંની હરિયાળી ધીરે-ધીરે પક્ષીઓ, જીવ-જંતુઓ અને પ્રાણીસૃષ્ટિને આકર્ષિત કરી રહી છે. અહીં નવેસરથી સંપૂર્ણ ઇકો-સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે.’ આપણા દેશમાં માનવીય પ્રવૃત્તિઓના કારણે વૃક્ષ આચ્છાદિત વિસ્તાર ઘટી રહ્યો છે. આવા સમયે થાણેનું ઉદાહરણ અનુકરણીય છે.

——————————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »