તમારા માટે, તમારી સાથે, સતત…

….અને ભૈયુજી મહારાજે કહ્યું: મને કોઈ મારી નાખવા ઇચ્છે છે! 

હું દરેકને દિશા બતાવવાનું કાર્ય કરું છું,

0 221

સ્મરણાંજલિ – લતિકા સુમન

-અને ભૈયુજી મહારાજે કહ્યું – મને કોઈ મારી નાખવા ઇચ્છે છે! એક દિવસ મને ફોન આવ્યો, હલ્લો બોલતા જ સામેથી ભૈયુજી મહારાજ બોલ્યા, દીદી મને કોઈ મારવા ઇચ્છે છે. તે સમયે ભૈયુજી મહારાજને અકસ્માત થયો હતો અને તેઓ હૉસ્પિટલમાં એડમિટ હતા. આ સંદર્ભે તેમણે ૧૦ મે, ૨૦૧૬માં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ફોન પર મારી અને તેમની વાતચીત લાંબી ચાલી હતી. તેઓ ‘અભિયાન’ સાથે વાત કરવા માગતા હતા, પરંતુ કોઈ કારણસર તે શક્ય ન બની શક્યું અને વાતોનો દોર ફોન સુધી જ સીમિત રહ્યો.

ભૈયુજી મહારાજની પ્રથમ પત્નીનાં નિધન બાદ મારે ફોન પર તેમની સાથે વાત થઈ હતી. તે સમયે તેઓ ખૂબ હતાશામાં હતા. મને કહ્યું પણ ખરા કે હું આ બધી વાતોથી ખૂબ કંટાળી ગયો છું. પોતાના માટે મારે સમય કાઢવો છે. કંઈક લખવા માગંુ છું, લોકો સાથે મેળાપ ઓછો કરી રહ્યો છું. મારી દીકરી કુહુને સમય આપવા માગું છું. મારી જાત એકલતામાં ઘેરાઈ ગઈ છે. તે સમયે પણ મેં ઇન્દોર તેમને મળવા જવાનો વાયદો કર્યો હતો, પરંતુ ના જઈ શકી. થોડા સમય પછી તેમના બીજા લગ્ન ડૉ.આયુષી સાથે થવાના છે તેવા સમચાર મળ્યા. ત્યારે મેં સામેથી ફોન કરી અભિનંદન આપ્યા, પરંતુ લગ્નમાં ન જઈ શકી. મારી અને ભૈયુજી મહારાજની અંતિમ વાત રક્ષાબંધનના દિવસે થઈ. જે દર વર્ષે થતી હતી. એકબીજા સાથે આનંદની આપ-લે કરી તે સમયે પણ તેમણે મને કહ્યું હતું કે, દીદી ઇન્દોર આવો, શાંતિથી બેસીને વાતચીત કરવી છે. મેં પણ કહ્યું હા ભાઈ, આ વખતે તો ચોક્કસથી આવીશ જ. એટલી વાત થઈને ફોન મુકી દીધો. હવે ક્યારેય તેમની સાથે વાત કરી નહીં શકાય, કારણ કે હવે તેઓ આ દુનિયામાં નથી.

પોતાની જાતને ગોળી મારીને ઇન્દોરમાં જ તેમણે આત્મહત્યા કરી. મુંબઈ હૉસ્પિટલ પહોંચતા પહેલાં તો તેમનું નિધન થઈ ગયું.  આ રીતે એક આધ્યાત્મિક ગુરુ આત્મહત્યા કરે છે અને સુસાઇડ નોટમાં લખેલું હોય છે કે ઘરના તણાવના કારણે કંટાળીને આત્મહત્યા કરું છું. આ માટે કોઈ પણ વ્યક્તિને દોષિત ગણવામાં ન આવે. આ વાત ગળે ઊતરે તેવી નથી.

‘અભિયાન’ સાથે ભૈયુજી મહારાજની મુલાકાત એક ઇન્ટરવ્યૂ દરમિયાન સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસમાં થઈ હતી. યુવાન અને આધ્યાત્મિક ગુરુ અને તે પણ દરેક રાજકીય મંત્રીના, તે જોઈને મેં તેમને પૂછ્યું હતું કે, શું આપ માત્ર રાજકીય ગુરુ જ છો. ત્યારે તે હસ્યા, પરંતુ હું તેમને પ્રશ્ન પૂછતી રહી ત્યારે તેમણે મને દીદી કહીને સંબોધી અને કહ્યું કે તમે મને ખૂબ જ ઊલટ-સૂલટ પ્રશ્ન પૂછી રહ્યા છો, કારણ કે તમે હાલમાં એક પત્રકારની ભૂમિકા નિભાવી રહ્યા છો, પરંતુ હું જાણુ છું કે તમે પણ સૂર્યભક્ત છો. ત્યાર પછી અમે એકબીજા સામે જોઈને હસ્યા અને અમારો ફોન પર વાત કરવાનો દોર શરૃ થયો. ક્યારેક તેઓ ફોન પર દેશ પર લખેલી  કવિતાઓ સંભળાવતા, તો ક્યારેક દિલમાં છુપાયેલું દર્દ પણ વહેંચતા. એકવાર તેમણે કહ્યંુ કે, દીદી આધ્યાત્મિક ક્ષેત્રમાં આવીને દરેકના પ્રશ્નોનું નિરાકરણ કરવું તે ખૂબ કઠિન છે. હું દરેક વ્યક્તિનાં દુઃખો લઈને ટ્રેનથી લાંબી યાત્રા પર નીકળી પડ્યો છું. જેમની મુશ્કેલી હલ થાય છે તે ટ્રેનમાંથી ઊતરી જાય છે, પરંતુ મારી યાત્રા ક્યારેય પૂર્ણ નથી થતી. ઘણી મુશ્કેલ સફર છે.

Related Posts
1 of 319

એકવાર તેમના આગ્રહ વશ હું ઇન્દોર તેમને મળવા ગઈ હતી. મને આરામ કરવાનું કહીને તેઓ ભાવિકોને દર્શન આપવામાં વ્યસ્ત બન્યા. વ્યક્તિઓ આવતા ગયા અને તેઓ દરેકના પ્રશ્નનું નિરાકરણ કરતા ગયા. દરેક પાર્ટીઓના નેતાઓનો મેળાવડો હતો. મેં પ્રશ્ન પૂછ્યો કે, એવું તો શું છે કે  દરેક પાર્ટીના નેતાઓ અહીં આવે છે. ત્યારે તેમણે હસીને કહ્યું હતું કે, જે મારી પાસે આવે છે તે મારા છે ભલે પછી તે ગમે તે દિશામાંથી આવે.

તમારા પર દરેક જણ વિશ્વાસ કરે છે. તે પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે કહ્યું કે હા, કેમ નહીં, હું દરેકને દિશા બતાવવાનું કાર્ય કરું છું, કોઈનો દુશ્મન નથી. ત્યારે તેમની વાતોમાં મને સચ્ચાઈ જોવા મળી હતી. તેઓ દરેક સવાલના જવાબ અભ્યાસ કરીને આપતા, માટે જ ભારતીય ઘટનાના સન્માનમાં તેમણે રેલી પણ યોજી હતી. મારી રહેવાની વ્યવસ્થા તેમણે પોતાના શુજાલપુરના ઘરમાં કરી હતી. જ્યાં તેમનાં માતા-પિતા રહેતાં હતાં. તેમનાં માતા કુુમુદિની દેશમુખે મને કહ્યું હતું કે જ્યારે ભૈયુજી મહારાજનો જન્મ થયો ત્યારે એક સાધુ આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, તમારો આ દીકરો કશું કમાશે નહીં, માટે કોઈ આશા ન રાખતા, પણ હા, આધ્યાત્મિક ક્ષેત્રે તમારું નામ જરૃર રોશન કરશે. ભૈયુજીના જન્મ પછી તેમની માતા દરેક પૂર્ણિમાએ સત્યનારાયણની પૂજા કરતાં હતાં. આ સિલસિલો વર્ષો સુધી ચાલ્યો.

મહારાજની કહેલી વાતો સાચી પડી. અભ્યાસ પછી ભૈયુજીને નોકરી મળતી નહોતી. માટે તેમણે દૂધનો ધંધો શરૃ કર્યો, પરંતુ તે ચાલ્યો નહીં. એક દિવસ તે પૂનાના જંગલી મહારાજના મંદિર સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની ગાડી બંધ પડી ગઈ અને તેમને અલગ જ અનુભૂતિ થવા લાગી. આવું વારંવાર થતાં તેમના પિતાએ કોઈ વિદ્વાનને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે, તમારા સંતાનમાં દૈવી શક્તિનોે સંચાર થાય છે તેમને આધ્યાત્મિક માર્ગ પર છોડી દો. ભૈયુજી મહારાજને જે યુવતી પસંદ હતી તેમની સાથે લગ્ન થઈ ગયા હતા. પિતા

નિવૃત્ત થતા જે નાણા  આવ્યા તેમાંથી ૬૦ હજાર રૃપિયા ભૈયુજી મહારાજને આપ્યા અને કુલદેવી મહાકાલીનું મંદિર બનાવી આપ્યું. સાથે એક આશ્રમ પણ બનાવ્યો. ત્યાં જ તે સાધના કરવા લાગ્યા. મંદિરના ખોદકામ વખતે ત્યાંથી નાનું ત્રિશૂલ પણ મળી આવ્યું હતંુ માટે ત્યાં નવનાથોનું મંદિર પણ બનાવવામાં આવ્યું. તે સમયે ‘અભિયાન’એ ભૈયુજીને પ્રશ્ન કર્યો હતો કે, સાધના માટે ગુરુની જરૃર હોય છે, તમે કોની પાસેથી દીક્ષા લીધી? ત્યારે તેમનો જવાબ હતો કે હું નવનાથના આદેશ પ્રમાણે કોલ્હાપુરના શ્રીકૃષ્ણ સરસ્વતીના સમાધિસ્થળ પર ગયો હતો. ત્યાં જઈને તેમને જ મારા ગુરુ બનાવી લીધા છે. હવે તેમના આદેશ પ્રમાણે તેમની મૂર્તિને પ્રત્યક્ષ રાખીને દરેકને માર્ગદર્શન પૂરું પાડું છું.

ભૈયુજી મહારાજ નેતાઓ માટે વિશ્વસનીય હતા. નીતિન ગડકરી, ઉદ્ધવ ઠાકરે, અનિલ દેશમુખ, આનંદીબહેન પટેલ જેવાં કેટલાંય રાજકીય નેતાઓ તેમને માનતા. જ્યારે કલાક્ષેત્રમાં કામ કરતા લોકો પણ તેમની સાથે જોડાયેલા હતા. લતા મંગેશકર ભૈયુજીને બહુ માનતા હતા. સૂર્યોદય ટ્રસ્ટની સ્થાપના કરી તેમણે આધ્યાત્મિક સાથે સામાજિક કાર્ય પણ કર્યું છે. જેના કારણે દરેક વ્યક્તિને તેમના માટે આદર છે. અન્યને રાહ દેખાડનાર વ્યક્તિ જ્યારે આત્મહત્યા કરે ત્યારે દરેકનાં મનમાં અનેક પ્રશ્નોનો જમાવડો ઊભો થાય છે.

——————-

Leave A Reply

Your email address will not be published.

Translate »