તમારા માટે, તમારી સાથે, સતત…

ઉનાળાની આકરી ગરમીમાં નેતાઓની ફિટનેસ ચેલેન્જ

ફિટનેસ ચેલેન્જના નેતાઓના વાઇરલ થઈ રહેલા વીડિયો

0 118

ગુજરાતકારણ – દેવેન્દ્ર જાની

ઉનાળાની આકરી ગરમી વચ્ચે ‘હમ ફિટ તો ઈન્ડિયા ફિટ’ના સૂત્ર સાથે ફિટનેસ ચેલેન્જ સ્વીકારીને વીડિયો વાઇરલ કરવાની નેતાઓમાં જાણે હોડ બકી છે. ખાસ કરીને શાસક પક્ષના નેતાઓ એક પછી એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે. સવાલ એ છે કે ફિટનેસ ચેલેન્જની આ મૂવમેન્ટ પણ સ્વચ્છતા સહિતના અનેક અભિયાનની જેમ માત્ર ફોટા શેર કરવા પૂરતી સીમિત તો નહીં બની જાય ને?

Related Posts
1 of 37

કસરત કે ફિટનેસની ઝુંબેશ સામાન્ય રીતે શિયાળાની સિઝનની શરૃઆતમાં જોવા મળતી હોય છે. શિયાળો તો પૂરો થઈ ગયો અને આકરા ઉનાળાના પણ અંતિમ દિવસો ચાલી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં સેલેબ્રિટીઓમાં એક અનોખી ફિટનેસ ચેલેન્જ છવાઈ છે. શરીરને તંદુરસ્ત રાખવા માટેની આ સારી વાત છે એટલે જાગ્યા ત્યારથી સવાર એમ માનીને શિયાળા અને ઉનાળામાં આપણે પડવું નથી. ફિટનેસ ચેલેન્જનું એક સારું અભિયાન છેડાયું છે તેમાં ગુજરાતના નેતાઓ પણ બાકાત રહ્યા નથી. નેતાઓ મોર્નિંગ વૉક કે યોગ કરતા હોય તેવાં દ્રશ્યોની સાથે બીજા કોઈને ફિટનેસ ચેલેન્જ આપતા હોય તેવા વીડિયો વાઇરલ કરી રહ્યા છે.

કેન્દ્રીય પ્રધાન રાજવર્ધન રાઠોડે ‘હમ ફિટ તો ઇન્ડિયા ફિટ’ના સૂત્ર સાથે ફિટનેસ ચેલેન્જ આપતો વીડિયો વાઇરલ કર્યો ત્યારથી આ મામલે ચર્ચા છેડાઈ છે. ક્રિકેટર વિરાટ કોહલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફિટનેસ ચેલેન્જ આપી અને વડાપ્રધાને વીડિયો પોસ્ટ કરીને ફિટનેસ ચેલેન્જ સ્વીકારી હતી. બસ, પછી તો સોશિયલ મીડિયામાં આ મૂવમેન્ટ છવાઈ ગઈ છે તેમાં ગુજરાતના નેતાઓ પણ જોડાતા ગયા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યપ્રધાન વિજય રૃપાણી, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિતના નેતાઓએ વીડિયો શેર કર્યા છે. વિજય રૃપાણીએ મહારાષ્ટ્રના સી.એમ. દેવેન્દ્ર ફડણવીસને ફિટનેસ ચેલેન્જ આપી છે. મનસુખ માંડવિયા તો સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે સાઇકલ લઈને જ સંસદ સુધી જાય છે. તેમણે તો આ ફિટનેસ ચેલેન્જ પહેલાં જ સાઇકલ ચલાવતા હોય તેવા વીડિયો શેર કર્યા હતા. પ્રદેશના નેતાઓ બાદ મેટ્રો સિટી અને જિલ્લા કક્ષાના ભાજપના નેતાઓ પણ ફિટનેસ ચેલેન્જના પ્રવાહમાં જોડાઈ રહ્યા છે. રાજકોટના મેયર ડૉ. જૈમન ઉપાધ્યાયે વડોદરાના મેયર ભરત ડાંગરને ફિટનેસ ચેલેન્જ આપતો વીડિયો શેર કર્યો છે.

ફિટનેસ ચેલેન્જના નેતાઓના વાઇરલ થઈ રહેલા વીડિયોએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર તો ચર્ચા છેડી છે, પણ હવે તો આ મુદ્દાની ચર્ચાઓ સચિવાલય સુધી પહોંચી છે. મુખ્યપ્રધાનનો ફિટનેસ ચેલેન્જનો વીડિયો વાઇરલ થયા બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની પ્રતિક્રિયાનો સૌ કોઈને ઇંતેજાર હતો. નીતિન પટેલની પ્રતિક્રિયાએ તો સહુ કોઈને ચોંકાવી દીધા હતા. તેઓ ફિટનેસની મુખ્ય ધારામાં જોડાવાના બદલે અલગ ચાલ્યા. તેમણે તો એવું કહ્યું કે હું કોઈ ચેલેન્જ સ્વીકારવામાં માનતો નથી. જેઓ ફિટનેસ ચેલેન્જ સ્વીકારી રહ્યા છે તેમને મારી શુભેચ્છાઓ. નાયબ મુખ્યપ્રધાનના આવા પ્રતિભાવને દરેક પોતાના તર્ક સાથે જોડીને ચર્ચા કરી રહ્યા છે. ભાજપમાં મુખ્યધારાથી વિરુદ્ધ ચાલવું તેનો અર્થ કંઈક જુદો છે તેવું માનનારો વર્ગ હજુ ચર્ચા છેડે છે ત્યારે તરત જ અહીં રાજકારણની નહીં ભાઈ, ફિટનેસની વાત છે, એમ કરીને વાતને અટકાવી દેનારા નજીકમાં જ હોય છે. રાષ્ટ્રીય સ્તરેથી શરૃ થયેલી આ મૂવમેન્ટ એ હેલ્થ અવેરનેસ માટે ખૂબ સારી વાત છે. આપણે ફિટ રહેશું તો દેશ તંદુરસ્ત બનશે તેમાં બેમત ન હોઈ શકે, પણ સવાલ એ ઉઠાવાઈ રહ્યો છે કે આટલી સારી મૂવમેન્ટ માત્ર વીડિયો શેર કરવા પૂરતી મર્યાદિત ન બની જાય. કમ સે કમ જેમણે વીડિયો શેર કર્યા છે અને ફિટનેસ ચેલેન્જ સ્વીકારી છે તે તો નિયમિત કસરત કરે તો તેનો હેતુ સાર્થક થશે. અગાઉ સ્વચ્છતા અભિયાન સહિતની કેટલીક ઝુંબેશ કયાંક તો માત્ર ફોટોસેશન બની ગઈ હતી તેવું ના થાય તો સારું!
———————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »