તમારા માટે, તમારી સાથે, સતત…

લોકશાહીમાં એક પક્ષની સત્તા સારી કે મોરચા સરકારોને પણ તક?

વિપક્ષોએ સાથે મળી દેશને કોંગ્રેસનો વિકલ્પ આપવા માટે જનતા પાર્ટીની રચના કરેલી

0 167

ઍનાલિસિસ – સુધીર એસ. રાવલ

એક સમય હતો જ્યારે દેશમાં એકચક્રી શાસન ચલાવી રહેલા લોખંડી મનોબળ ધરાવતાં ભૂતપૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીને પરાસ્ત કરવા વિપક્ષો એક થયા હતા. નવનિર્માણ આંદોલનની અસર અને કોંગ્રેસ સામેના વિરોધના કારણે જયપ્રકાશ નારાયણ જેવા લોકનાયકની આગેવાની હેઠળ વિપક્ષોએ સાથે મળી દેશને કોંગ્રેસનો વિકલ્પ આપવા માટે જનતા પાર્ટીની રચના કરેલી. તે સમયે દેશની જનતાએ રાજકીય ઘટનાક્રમોને ઉત્સુકતાપૂર્વક નિહાળી વિપક્ષોને એક તક આપવા નક્કી કર્યું અને ૧૯૭૭માં મોરારજી દેસાઈના નેતૃત્વ હેઠળ જનતા પાર્ટીને સુકાન સોંપેલું. તે સમયે કટોકટી બાદ જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂકેલાં અને ચૂંટણી હારી ચૂકેલાં ઇન્દિરા ગાંધીએ વિપક્ષોની એકતાને નારંગીનાં ફળ સાથે સરખાવી હતી.

નારંગી જે રીતે બહારથી એક પડ ધરાવે છે, પરંતુ અંદર તેની ફાડો (ચીર) અલગ-અલગ અસ્તિત્વ ધરાવે છે અને સરળતાથી છૂટી પડી શકે છે. આથી ઇન્દિરા ગાંધીએ સત્તા માટે ભેગા થયેલા વિપક્ષોની એકતા નારંગીની માફક ટૂંક સમયમાં છૂટી પડી જશે તેવી આગાહી કરી હતી, જે અક્ષરશઃ સાચી પડી હતી. જનતા પાર્ટીનું શાસન માંડ અઢી વર્ષ ટકેલું. અંદરો-અંદર વિખવાદ કરી રહેલા ઘટક પક્ષો વચ્ચે એકસૂત્રતા થઈ ન શકી. ૧૯૭૯માં ચરણસિંહે વડાપ્રધાન બનવા માટે કોંગ્રેસનંુ સમર્થન માંગ્યું અને વડાપ્રધાન બની પણ ગયા. તેમણે પાંચ મહિના સત્તાનું સુખ ભોગવ્યું અને એક દિવસ પણ સંસદમાં વડાપ્રધાન પદે બેસી ન શક્યા. આ સમયગાળા દરમિયાન આજનો ભારતીય જનતા પક્ષ એ જનતા પક્ષનો જ હિસ્સો હતો. આ અઢી વર્ષ દરમિયાન દેશની જનતાએ રાજકીય સ્તરે જે અસ્થિરતા જોઈ તેનાથી નિરાશ થઈ ફરી ૧૯૮૦માં ઇન્દિરા ગાંધીને જ પ્રચંડ બહુમતી સાથે સત્તાના સિંહાસન પર બેસાડી દીધા.

Related Posts
1 of 269

વિપક્ષોની એકતાનો બીજો તબક્કો શરૃ થયો હતો ૧૯૮૯માં. ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીથી નારાજ થઈ તેમનાથી છૂટા પડેલા વિશ્વનાથ પ્રતાપસિંહે મૂલ્યનિષ્ઠ રાજકારણની વાત કરીને દેશની જનતામાં આશાનો સંચાર કર્યો હતો. તે સમયે કોંગ્રેસથી દુઃખી એવા કેટલાય નેતાઓ તેમની સાથે જોડાયેલા અને જુદાં-જુદાં રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોએ પણ તેમના જનતા દળને સમર્થન કરતા ૧૯૮૯માં તેમના વડાપ્રધાન પદ હેઠળ સરકાર રચાયેલી. વિશ્વનાથ પ્રતાપસિંહ મંડલ કમિશનનું અનામતનું રાજકારણ કરવા ગયા અને રાજકીય અપરિપક્વતાના કારણે સત્તા પર ટકી ન શક્યા. વડાપ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષી ફરીફાઈમાં હવે ચંદ્રશેખરનો વારો હતો. કોંગ્રેસે તેમને બહારથી ટેકો આપ્યો અને સાત જ મહિનામાં સાવ ક્ષુલ્લક કારણ સાથે ટેકો પાછો પણ ખેંચી લીધો. રાજકીય અસ્થિરતા વચ્ચે ૧૯૯૧માં ચૂંટણીઓ યોજાઈ અને કોંગ્રેસના નરસિંહ રાવે સંસદમાં કોંગ્રેસ પક્ષની પૂર્ણ બહુમતી ન હોવા છતાં કુનેહભર્યું પાંચ વર્ષનું સ્થિર શાસન આપ્યું.

આથી રાજકીય સ્થિરતા એ કોંગ્રેસનું જમા પાસું ગણાવા લાગ્યંુ. જોકે ૧૯૯૬માં ફરી વિપક્ષોનો જાણે સુવર્ણકાળ આવ્યો. આટલા સમય દરમિયાન ભારતીય જનતા પક્ષનું રાજકીય કદ ખાસ કહી શકાય તેવું જામ્યું નહોતું. ૧૯૯૬માં કોંગ્રેસને પૂરતી બેઠકો ન મળતા તેણે વિપક્ષમાં બેસવાનું પસંદ કર્યું અને ભાજપે સરકાર રચવા દાવો કર્યો અને અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા, પરંતુ બે અઠવાડિયાંમાં જ રાજીનામું આપવું પડ્યું. ત્યાર બાદ યુનાઇટેડ ફ્રન્ટના નેજા હેઠળ ભાજપ અને કોંગ્રેસ બંને સામે જેમને વાંધો હતો તેવા પક્ષો ભેગા થયા અને બગાસું ખાતા પતાસું મોંમાં આવી પડે તેમ કર્ણાટકના દેવગૌડા નસીબજોગે રાતો-રાત વડાપ્રધાન બની ગયા અને તેમણે કેન્દ્રમાં મોરચા સરકાર રચી દીધી. આ સરકારને કોંગ્રેસે અને ડાબેરી પક્ષોએ બહારથી સમર્થન આપેલું. આવા બહારથી અપાયેલા સમર્થનના કારણે દેવગૌડા સરકારની સ્થિરતા અંગે પહેલેથી જ આશંકાઓ જન્મેલી. દેવગૌડા દસ મહિના વડાપ્રધાન પદે રહ્યા અને ત્યાર બાદ વડાપ્રધાન બનેલા આઈ. કે. ગુજરાલ પણ એક વર્ષ પૂરું કરી ન શક્યા. કુલ મળીને વીસ મહિનામાં જ કેન્દ્રમાં સંયુક્ત મોરચાની સરકારનો પ્રયોગ નિષ્ફળ ગયો. આ અલ્પજીવી સરકારોમાં આંતરિક વિખવાદો અને વિચારભેદ સૌથી મહત્ત્વનાં કારણો હતાં.

હવે આજે ફરી એવો સમય આવ્યો છે જેમાં વિપક્ષો એક થઈ રહ્યા હોવાનો આભાસ થાય છે. મુખ્ય ફરક એ છે કે કોંગ્રેસના સ્થાને ભાજપ છે અને ઇન્દિરા ગાંધી વિરોધના સ્થાને નરેન્દ્ર મોદી વિરોધ જોવા મળે છે. જોકે અગાઉની અને આજની પરિસ્થિતિ વચ્ચે ઘણો ભેદ છે. જુદાં-જુદાં રાજ્યોમાં રાજકીય પરિસ્થિતિ ખાસ્સી બદલાઈ ચૂકી છે. પ્રાદેશિક પક્ષોની સ્થિતિ વચ્ચે મોટો તફાવત છે. નેતાઓ વચ્ચે મત-મતાંતર અને સંવાદિતાનો અભાવ એટલી હદે છે કે ભૂતકાળના અનુભવો જોતા તેમના વચ્ચે થઈ રહેલી કે થનારી એકતા પર ભરોસો મૂકી શકાય તેમ નથી. પ્રાદેશિક પક્ષોની મજબૂરી એ છે કે રાષ્ટ્રીય પક્ષ સાથે સમજૂતી કરવા જતા પોતાના પ્રદેશમાં જનસમર્થનની બાબતમાં તેણે પોતે ઘસારો વેઠવો પડે છે. વળી દરેક રાજ્યોની સમસ્યાઓ જુદી-જુદી છે, પ્રાથમિકતાઓ અલગ-અલગ છે અને રાજકીય સમીકરણો પણ એટલા ભિન્ન છે કે રાષ્ટ્રીય સ્તરે એક મંચ પર સામાન્ય લઘુતમ કાર્યક્રમ આપવો હોય તો પણ તેઓને મુશ્કેલી પડે. આ પક્ષો વચ્ચે એવું કોઈ પ્રભાવી વ્યક્તિત્વ પણ નથી કે જે સૌની વચ્ચે એકસૂત્રતા આણી શકે.

રાજકીય વિશ્લેષણની આગળની વિગતો વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો..

Leave A Reply

Your email address will not be published.

Translate »