તમારા માટે, તમારી સાથે, સતત…

કશિશની માગણી સાંભળી ઉદયના હોશ ઊડી ગયા

'હાય! કાલે કોર્ટમાં પધારજો મેડમ...તારીખ છે!'

0 326

નવલકથા – રાઇટ એન્ગલ – કામિની સંઘવી

પ્રકરણ – ૧૧

ધ્યેયે કશિશને બિઝનેસ કરવાનું સૂચન તો આપી દીધું, પણ કશિશને કયો બિઝનેસ કરવો તે અંગે સૂઝ નહોતી પડી રહી. તે મનોમન અકળાઈ ઊઠી. રોજ નેટ પર નવા-નવા આઇડિયા સર્ચ કરતી, પણ કોઈ પણ આઇડિયા ક્લિક નહોતો થતો. અચાનક એક દિવસ સાંજે કશિશને કૉફી હાઉસ શરૃ કરવાનો આઇડિયા આવ્યો. કશિશ પહેલેથી જ કૉફી હાઉસ કલ્ચર તરફ આકર્ષિત થયેલી હતી. કૉફી હાઉસ તરફના ખેંચાણને કારણે જ તે જ્યારે યુરોપ ફરવા ગઈ હતી ત્યારે તેણે જુદાં જુદાં કૉફી હાઉસની મુલાકાત લીધી હતી. ધ્યેયે પણ કશિશના આઇડિયાને ગ્રીન સિગ્નલ આપ્યું. જોકે, કૉફી હાઉસ શરૃ કરવા માટે ફાઇનાન્સ કોણ કરશે તેની મૂંઝવણ કશિશને સતાવવા લાગી. આખરે કશિશે કૌશલ સાથે પોતાનો આઇડિયા શેર કર્યો. કૌશલ કશિશના કૉફી હાઉસ શરૃ કરવાના નિર્ણયને લઈને ખૂબ ખુશ થઈ ગયો. આમેય કૌશલ પોતે બિઝનેસમેન હતો, તેની પાસે આર્કિટેક્ટ-ઇન્ટીરિયર ડિઝાઇનરની ફોજ હતી, તેથી કશિશને અન્ય કોઈ ચિંતા નહોતી. કશિશ પોતાના કૉફી હાઉસને લગતા વિચારોમાં તલ્લીન હતી ત્યાં ધ્યેયનો ફોન આવ્યો. ધ્યેયે તેને ઉદયને મળવાની વાત યાદ કરાવી. કશિશ ધ્યેયના ઘરે પહોંચી. ઉદય અગાઉથી જ ત્યાં પહોંચી ચૂક્યો હતો. ઉદય અને કશિશ વચ્ચે સમાધાન થાય તે માટે ધ્યેય અને ઉદયે આ મિટિંગ ગોઠવી હતી. ઉદયે કશિશને કેસ પાછો ખેંચી લેવા કહ્યું અને બદલામાં જે જોઈએ તે આપવાનો વાયદો કર્યો. સામે પક્ષે કશિશે પણ ઉદય પાસે પોતાને મેડિકલ કોલેજમાં એડમિશન જોઈએ છીએ – એ અપાવી શકશે જેવી રજૂઆત કરીને ઉદયને ઝંખવાણો પાડી દીધો અને પોતાની સાથે એક માત્ર સ્ત્રી હોવાને કારણે થયેલા અન્યાયનો વળતો ઘા ઉદય પર કર્યો.
હવે આગળ વાંચો…

——.

‘કશિશ શું કામ આવું બોલી?’

બે-ચાર દિવસ થયા તો ય ધ્યેયના મનમાંથી આ સવાલ હટતો ન હતો. કશો જવાબ પણ મળતો ન હતો. શું હશે કશિશના મનમાં જેને કારણે એ આ લડાઈ લડી રહી છે? એમ ને એમ છઠ્ઠી મે આવી ગઈ એટલે એણે કશિશને ફોન કર્યો. જસ્ટ જણાવી દેવા કે કાલે કોર્ટમાં તારીખ છે એટલે હાજર રહેવાનું છે.

‘હાય! કાલે કોર્ટમાં પધારજો મેડમ…તારીખ છે!’ ધ્યેયે ફોન કરીને કોર્ટની તારીખ યાદ કરાવી એટલે કશિશ આશ્ચર્યચકિત થઈ ગઈ. ધ્યેય આવી બાબત જણાવવા ફોન કરે?

‘થેન્ક્સ…બાય ધ વે રાહુલનો ફોન આવી ગયો.’ કશિશ બોલી એટલે ધ્યેયે પેલી વાત કેમ પૂછવી તે માટે શબ્દો શોધ્યા પણ મળ્યા નહીં. સામેથી કશું કહેવાયું નહીં એટલે કશિશ બોલી,

‘તેં ફક્ત આટલું જ કહેવા માટે ફોન કર્યો હતો?’ કશિશના સવાલમાં ધ્યેય મૂંગો રહ્યો.

‘હમ…’ ધ્યેયે નરો વા કુંજરો વા જેવો જવાબ આપ્યો એટલે કશિશ હસી પડી.

‘જો તું બેસ્ટી છો. એટલે તારી સાથે બધી વાત શેઅર કરું છું, પણ ડિયર, તારે જાણવું છે ને કે હું શા માટે આ લડાઈ લડું છું. તો એનો જવાબ હમણાં નહીં આપું. સો વેઇટ એન્ડ વૉચ!’ કશિશ વગર કહ્યે એના મનની વાત જાણી ગઈ એટલે ધ્યેય હસ્યો,

‘જી, હુકમ મેડમ…હવે તું કહીશ નહીં ત્યાં સુધી હું કશું પૂછીશ નહીં.’

‘ધેટ્સ લાઇક એ ગુડ ફ્રેન્ડ!’ કશિશે વધુ વાત કર્યા વિના ફોન મૂકી દીધો.

કૌશલ સાથે હવે પહેલાં જેવા નોર્મલ સંબંધ થયા હતા, પણ કાલે કોર્ટમાં તારીખ છે અને પોતે જવાનું છે તે વાત એને જણાવી નહીં, કારણ કે કૌશલે જ ના પાડી હતી ને કે એ કેસ વિશે કશું સાંભળવા નથી ઇચ્છતો.

પછી નાહક એને જાણ કરીને ફરી રિલેશનમાં દરાર પડે તેવું કહેવું કે કરવું જ નહીં.

રાહુલે એને ટૂંકમાં બ્રીફ કરી હતી કે કાલે કોર્ટમાં શું થઈ શકે.

બીજે દિવસે કશિશ સમયસર કોર્ટમાં પહોંચી ગઈ. મહેન્દ્રભાઈ અને ઉદય ત્યાં હાજર હતા એટલે પહેલાંની જેમ જ કશિશ એમને પગે લાગતાં બોલી,

‘જય શ્રીકૃષ્ણ પપ્પા!’

‘જય શ્રીકૃષ્ણ દીકરા! મજામાં ને?’ મહેન્દ્રભાઈએ કહ્યું. એટલે કશિશે સામે એમના ખબર પૂછ્યા,

‘પપ્પા, તબિયત સારી છે ને?’

‘હા, બેટા…આઇ એમ ફાઇન!’ કશિશ અને મહેન્દ્રભાઈ સાથે વાતચીત થતી હતી તે દરમિયાન ઉદય એકદમ નિર્લેપ ઊભો હતો. એ સામાન્ય રીતે એના સ્વભાવથી વિરુદ્ધનું વર્તન હતું. કશિશને તેથી આશ્ચર્ય થયું, પણ એ કશું બોલી નહીં. રાહુલ જજ સામે ઊભો રહી ગયો હતો એટલે જેવો એનો નંબર આવ્યો એટલે જજે ઉદય અને મહેન્દ્રભાઈને બોલાવ્યા અને પૂછ્યું,

‘તમારો વકીલ આવ્યો છે?’

એનો જવાબ ઉદયે આપ્યો,’સાહેબ મને તો હજુ સુધી કેસની નકલ આપવામાં જ નથી આવી. હું કેવી રીતે વકીલ હાયર કરું?’

ઉદયના જવાબ સામે જજ સાહેબની ભ્રૂકુટિ ખેંચાઈ. એટલે તરત રાહુલે જવાબ આપ્યો,

‘સર, બાપ-દીકરા સહ આરોપી છે અને એકસાથે રહે છે એટલે અમે એમને એક જ કોપી આપી હતી.’ જજે તરત રાહુલ સામે જોયું,

‘આમને અત્યારે જ બીજી કોપી આપો અને હવે નેકસ્ટ ડેટ પર તમે વકીલને હાજર નહીં રાખો તો હું પ્લિ રેકોર્ડ કરી લઈશ, કારણ કે તમે જાણી જોઈને કેસ લંબાવવા માટે પ્રયત્ન કરો છો. કોર્ટનો સમય નહીં બગાડો. કોપી લો ને શુક્રવારે હાજર રહેજો.’ જજ સાહેબે કડક સૂચના આપી એનો તરત અમલ થઈ ગયો. રાહુલે ત્યાંથી જ કોપી મેળવીને ઉદયને આપી અને ઉદય લુચ્ચાઈભર્યું સ્મિત કશિશ સામે ફરકાવતો કોર્ટરૃમની બહાર નીકળી ગયો.

કશિશ એને જતાં જોઈ રહી, રાહુલ કશું બોલે તે પહેલાં જ એ બોલી,

‘ફરી તારીખ…’ કશિશ સહેજ નિરાશ થઈ ગઈ.

Related Posts
1 of 279

‘મેમ, તમે થાકતાં નહીં..પણ હવે આવું લાંબું નહીં ચાલે! આજે જજ સાહેબે એમને ઠપકો આપ્યો ને!’ રાહુલે એને આશ્વાસન આપ્યું, પણ આજે ખરેખર કશિશને ડર લાગ્યો હતો કે આ કેસ લડતાં-લડતાં એ હાંફી ન જાય. છેલ્લા બે વખતથી તારીખ પે તારીખ જ મળે છે.

‘મેમ…ઑફિસમાં આવો છો ને? ધ્યેય સર આવી ગયા હશે.’

ધ્યેયને મળવાનું મન પણ કશિશને થયું નહીં.

‘ના, શુક્રવારે આવવાનું જ છે ને ત્યારે મળી લઈશ.’ એટલું બોલીને એ પાર્કિંગ લોટમાં ચાલી ગઈ.

શુક્રવારે હવે જોઈએ શું થાય છે. પાછા કોઈ નવા બહાના સાથે એ લોકો હાજર ન થઈ જાય. આ ધ્યેય કેમ કશું રાહુલને શીખવાડતો નહીં હોય? હા એ હા કરીને આવી જાય છે. કશિશની અપેક્ષા મુજબ કેસ ચાલ્યો નહીં એટલે હવે ખરેખર ગુસ્સો આવી રહ્યો હતો. આમ આદમી બિચારાને એમ હોય કે એકવાર કોર્ટમાં કેસ દાખલ થઈ જાય તો ફટાફટ ચુકાદો આવી જશે, પણ વાસ્તવમાં કોર્ટના ચક્કર કાપી કાપીને જ ન્યાય મેળવાનો ઉત્સાહ ઓસરી જાય. આખરે એને ય રોજિંદા જીવન સાથે એડજસ્ટ કરીને કોર્ટમાં આવવાનું હોય છે. તે વાત આમ આદમી સિવાય કોર્ટ સાથે જોડાયેલા લોકો ક્યાં સમજી શકે છે?

આવા બધા વિચારમાં જ કશિશ ઘરે આવી તો કૌશલનો આર્કિટેક્ટ, કોન્ટ્રાક્ટર એના માટે રાહ જોઈને બેઠા હતા.

‘મેમ, આપણે વાત થઈ હતી તે પ્રમાણે મેં કૉફી હાઉસની બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. તમને કેવી લાગે છે તે જોઈ લઈએ.’

‘યહ, સ્યોર..’ કશિશે જવાબ આપ્યો એટલે આર્કિટેક્ટે લેપટોપ પર કૉફી હાઉસની ડિઝાઇન દેખાડી. કશિશ જોતી ગઈ અને

પોતાનાં સૂચન કહેતી ગઈ. કોન્ટ્રાક્ટર સાથે પણ ડિસ્કસ કરતી ગઈ. ક્યાં કેવા પથ્થર વાપરશે ‘ને ક્યાં કેવી ટાઇલ્સ જોઈશે. જેથી કરીને કૉફી હાઉસને રેટ્રો લુક આપી શકાય. કશિશને પોતાના કૉફી હાઉસનું લુક એકદમ યુરોપિયન રેટ્રો ટાઇપ જોઈતું હતું. જેમાં અંદર જવાથી જ તમને ફીલ આવે કે તમે યુરોપના કોઈ કૉફી-શોપમાં છો. એકાદ કલાકની જહેમત પછી બધું ફાઇનલ થઈ ગયું એટલે કશિશે નિરાંતનો શ્વાસ લીધો.

‘કેટલીવાર લાગશે કામ પૂરું થતાં?’

‘મેમ, લગભગ બેથી ત્રણ મહિનામાં થઈ જશે.’

‘ઓ.કે. જેમ બને તેમ જલદી કરજો.’ જાણે ડેસ્ટિનીએ એને બોલાવ્યું હોય તેમ એ વિચાર્યા વિના સહજ રીતે બોલી ગઈ, પણ કદાચ જ એમાં એનું ભવિષ્ય છુપાયું હતું.

બીજા જ દિવસે કશિશ અને કૌશલે મુહૂર્ત જોઈને કૉફી હાઉસનો પાયો ખોદવાની વિધિ કરી દીધી. હવે કશિશ રોજ સવારે કૌશલ સાથે જ નીકળી જતી અને સીધી કૉફી હાઉસની સાઈટ પર જતી. ત્યાં થતાં દરેક કામ પર નજર રાખતી. એમ જ શુક્રવાર આવી ગયો. આજે ફરી કોર્ટમાં તારીખ હતી. સાંજે જ રાહુલનો મેસેજ આવી ગયો હતો. સવારે કૌશલ તૈયાર થઈને બ્રેકફાસ્ટ ટેબલ પર આવ્યો તો કશિશ હજુ નાઇટવૅરમાં જ હતી એટલે એને આશ્ચર્ય થયું.

‘કેમ આજે સાઈટ પર નથી જવું?’ કશિશ તરત જવાબ ન આપી શકી. ખોટું બોલવું ન હતું અને સાચું કહેશે તે કૌશલને ગમશે નહીં.

‘ના, કોર્ટમાં કામ છે.’ કશિશે ટૂંકમાં પતાવ્યું. કૌશલે પણ તે વિશે પૂછ્યું નહીં. પતિ-પત્ની બંને વચ્ચે વણકહી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી કે કોર્ટ-કેસ વિશે કોઈ વાત કરવી નહીં. બસ, એ બાદ કરતાં બંને સાથે સુખી છે તે વાત વધુ મહત્ત્વની છે. કૌશલ બ્રેકફાસ્ટ કરીને ગયો પછી કશિશ અગિયાર વાગે કોર્ટ પહોંચી.

એના કેસનો નંબર બોલાયો એટલે રાહુલ સાથે એ હાજર થઈ. એ પહેલાં હંમેશની જેમ મહેન્દ્રભાઈને એણે મળી લીધું હતંુ. ઉદય કશું બોલ્યો નહીં, કશિશે પણ એને બોલાવ્યો નહીં.

આજે ઉદય સાથે એક કાળા કોર્ટવાળો માણસ હતો એટલે કશિશ સમજી ગઈ કે આ લોકો વકીલ લઈને આવ્યા છે. એને મનોમન હાશ થઈ કે ચાલો, આજે કામ આગળ વધશે.

ઉદયના વકીલે એક કાગળ જજસાહેબને આપ્યો. એ વાંચીને જજસાહેબ બોલ્યા,

‘આજે બપોરે આપણે તમારી ડિસ્ચાર્જ અરજી પર હિયરિંગ રાખી દઈએ છીએ. તમને ફાવશે?’ કશિશને આ બધું સમજાયું નહીં, પણ રાહુલે તરત જવાબ આપ્યો,

‘યસ સર, અમે તૈયાર છીએ.’

‘ઓ.કે. ત્રણ વાગે આવી જજો.’

જજે કહ્યું એટલે કશિશ સામે જોઈને રાહુલે બહાર જવાનો ઇશારો કર્યો. બંને કોર્ટરૃમની બહાર આવ્યા એટલે કશિશે સહેજ અધીરાઈથી પૂછ્યું,

‘આ શું હતું? તું તો કહેતો હતો કે આજે પ્લિ રેકોર્ડ થશે જેથી કામકાજ આગળ વધશે?’

‘એ લોકોએ ડિસ્ચાર્જ અરજી મૂકી. એટલે કે એમનું કહેવું છે કે એમની સામે જે ચાર્જીસ લાગ્યા છે તે ખોટા છે અને એટલે અમને બરી કરી દો. ક્રિમિનલ પ્રોસિજર કોડ નંબર ૨૩૯ અંતર્ગત આવી તક આરોપીને આપવામાં આવે છે.’ રાહુલની કાયદાકીય વાતો કશિશની સમજની બહાર હતી. એ  એટલું સમજી કે જાણીજોઈને કેસને ડીલે કરવાના પ્રયત્ન ઉદય કરી રહ્યો છે. એણે રાહુલને આ વાત કહી એટલે રાહુલે પણ એમાં હામી પુરાવી.

‘હવે હિયરિંગમાં શું થશે?’

‘જજ બંને પક્ષની દલીલ સાંભળશે અને પછી ડિસ્ચાર્જ અરજી સાચી છે કે ખોટી છે તેનો ચુકાદો આપશે. ડિસ્ચાર્જ અરજી મંજૂર થઈ ગઈ તો કેસ નહીં ચાલે. બધું ખતમ!’

કશિશ આ સાંભળીને નિરાશ થઈ ગઈ.

આગળની કડી વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

Leave A Reply

Your email address will not be published.

Translate »