તમારા માટે, તમારી સાથે, સતત…

ટ્રમ્પનાં જોડિયાં બહેન લાગતાં આ સ્પેનિશ મહિલા કોણ છે?

નેધરલેન્ડ્સમાં ગીત ગાતા રસ્તાથી ગ્રામજનો પરેશાન...!

0 126

વિશ્વવૃત્ત

ટ્રમ્પનાં જોડિયાં બહેન લાગતાં આ સ્પેનિશ મહિલા કોણ છે?
સ્પેનના નાનકડા ગામડામાં રહેતાં એક મહિલા હાલ ચર્ચામાં છે. તેઓ બિલકુલ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં જોડિયાં બહેન જેવાં લાગે છે. ગામના લોકો મજાકમાં એવું પણ કહે છે કે ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમની બાજુમાં આવીને ઊભા હોય તો અસલ ટ્રમ્પ કોણ તે સાબિત કરવું મુશ્કેલ થઈ પડે. લોકો તેમને ટ્રમ્પનાં કઝિન કહીને બોલાવતાં થઈ ગયાં છે. આ મહિલાનું કહેવું છે કે તેમના માથાના વાળના કલરના કારણે તેમના ફોટાને આટલો પસંદ કરવામાં આવી રહ્યો છે. ટ્રમ્પ જેવા દેખાતાં આ મહિલાનું નામ ડોલોરેસ લેઇસ એન્ટિલો છે. તેઓ તેમના પતિ સાથે સ્પેનના ‘કબાના ડે બર્ગેન્ટિનોસ’ ગામમાં પોતાના ફાર્મહાઉસમાં ૪૦ વર્ષથી રહે છે. નવાઈની વાત એ છે કે તેમની પાસે કમ્પ્યુટર કે ફોન પણ નથી, પરંતુ પત્રકાર પૌલા વાઝક્વેઝે તેમની લીધેલી તસવીર તરત જ વાઇરલ થઈ ગઈ અને ટ્રમ્પ જેવા દેખાવના કારણે તેમને રાતોરાત પ્રસિદ્ધિ મળી ગઈ. હકીકતમાં ડોલોરેસ પોતાના ફાર્મમાં કોબીજ કાઢવા જઈ રહ્યાં હતાં ત્યારે પત્રકાર પૌલાએ તેમની સાથે અમસ્તાં જ વાત કરતાં કરતાં તેમની તસવીરો લીધી. તેમણે ડોલોરેસની આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર મૂકી હતી. ડોલોરેસની પુત્રી એના પોતાની માતાને રાતોરાત મળેલી પ્રસિદ્ધિના કારણે ખૂબ જ ખુશ છે. તે કહે છે, ‘કલ્પના કરો કે અમે ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારના સભ્યો હોત તો?’ અલબત્ત, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હજુ સુધી આ વિશે કોઈ ટ્વિટ કર્યાનું જાણવા મળ્યું નથી.
———————.

Related Posts
1 of 142

નેધરલેન્ડ્સમાં ગીત ગાતા રસ્તાથી ગ્રામજનો પરેશાન…!
નેધરલેન્ડ્સના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં જેલ્સમ નામનું એક ગામ આવેલું છે. આ ગામને અડીને એક રસ્તો પસાર થાય છે. આ રસ્તા પર રમ્બલ સ્ટ્રીપ્સ (ઉપસેલી પટ્ટીઓ) પાથરવામાં આવી છે. આ પટ્ટીઓને રસ્તા પર એવી વ્યૂહાત્મક રીતે પાથરવામાં આવી છે કે ૪૦ માઇલની ઝડપે દોડતા વાહનનું ટાયર જેવું તેના પરથી પસાર થાય કે તરત જ ત્યાંના સ્થાનિક પ્રાંત ફ્રાઇસલેન્ડનું રાષ્ટ્રગીત વાગવા લાગે છે. સ્થાનિક સાંસ્કૃતિક મંત્રી સિએટ્સ્કે પોએપ્ઝેસના કહેવા પ્રમાણે, ‘રસ્તાઓ પર નવા કરાવેલા પેઇન્ટનો ટેસ્ટ થઈ જાય તે સાથે અહીંના શહેર લ્યુવાર્ડનને યુરોપિયન કેપિટલ ઓફ કલ્ચર તરીકે પ્રમોટ કરવાના ભાગરૃપે રસ્તાઓને આ રીતે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા છે. તમે રસ્તા પરથી પસાર થતાં મધુર સ્વરોને સાંભળી શકો છો. આ આખો આઇડિયા ખૂબ જ સફળ રહ્યો છે.’ વાહનચાલકો માટે આ સારો વિચાર હોઈ શકે, પરંતુ કેટલાક લોકો એવા પણ છે જેઓ આનાથી બહુ ખુશ નથી. જેલ્સમ ગામને અડીને આ રસ્તો પસાર થાય છે. અહીંના સ્થાનિક રહીશ સીત્ઝે જન્સમા કહે છે, ‘રાષ્ટ્રગીત વાગે તેમાં અમને કશો વાંધો નથી, પરંતુ દિવસના ચોવીસે કલાક તે વાગ્યા કરે તે ત્રાસદાયક છે. તેનો અવાજ એટલો મોટો છે કે તમને બહેરા બનાવી દેવા પૂરતો છે. અમે તો રાત્રે શાંતિથી સૂઈ પણ શક્તા નથી.’ ગ્રામજનોએ સત્તાવાળાઓને આ સમસ્યામાંથી મુક્તિ અપાવવાની ફરિયાદ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે.
———————.

૫૦૦ વર્ષ પ્રાચીન સ્કોટિશ કિલ્લામાં બેજરે ઉત્પાત મચાવ્યો !
સ્કોટલેન્ડમાં ૧૬મી સદીમાં બનેલા વિખ્યાત ક્રેઇગનેથન કેસલ (કિલ્લો)ના કેટલાક હિસ્સાને હમણાં એક જાનવરના કારણે મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. કોઈ કારણોસર ખૂબ ગુસ્સે ભરાયેલા બેજરે (ટૂંકા પગનું પ્રાણી) કિલ્લાને માથે લીધો હતો. ૫૦૦ વર્ષ પ્રાચીન કેસલની વ્યવસ્થા સંભાળતા સ્કોટલેન્ડના હિસ્ટોરિક ડિપાર્ટમેન્ટે આ ઘટના બાદ કેસલની ટનલ બંધ કરી દીધી હતી. કેસલની નજીકના જંગલમાં ભટકતું બેજર અહીં આવી ચડ્યું હતું. કેસલમાં બેજરે કેટલીક જગ્યાએ જમીન ખોદી કાઢી હોવાનું અને પથ્થરો કાઢી નાંખ્યાની વિગતો બહાર આવી છે. બેજરે જ્યાં ઉત્પાત મચાવ્યો હતો ત્યાં બધું અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. કેસલના ટનલના હિસ્સાની જ્યાં સુધી સાફસફાઈ ન થાય ત્યાં સુધી તેને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અલબત્ત, કેસલના બાકીના હિસ્સાને ટૂંક સમયમાં મુલાકાતીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે તેમ કેસલની વ્યવસ્થા સંભાળતા હિસ્ટોરિક ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું. ક્રેઇગનેથન કેસલનું નિર્માણ ઈ.સ. ૧૫૩૦ની સાલમાં કરવામાં આવ્યું હતું. અભૂતપૂર્વ કિલ્લેબંધી માટે વિખ્યાત એવા આ કિલ્લાને મુખ્યત્વે તો તોપમારા સામે રક્ષણ મેળવવા બાંધવામાં આવ્યો હતો. ૧૫૭૯માં તેનો કેટલોક હિસ્સો ધ્વસ્ત કરી દેવામાં આવ્યો હતો. તેના અવશેષો આજે પણ ત્યાં મોજૂદ છે. દર વર્ષે આ કિલ્લાને જોવા દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે..
———————.

Leave A Reply

Your email address will not be published.

Translate »