તમારા માટે, તમારી સાથે, સતત…

વૉલમાર્ટ-ફ્લિપકાર્ટનો સોદો કોને લાભ, કોને નુકસાન?

સ્વદેશી જાગરણ મંચે ફ્લિપકાર્ટના આ સોદાનો ઉગ્ર વિરોધ કર્યો છે

0 165

બિઝનેસ – અભિયાન ડેસ્ક

ભારતમાં ઓનલાઇન માર્કેટમાં સર્વોપરી સ્થાન ભોગવનાર ફ્લિપકાર્ટને રિટેલ માર્કેટમાં આંતરરાષ્ટ્રીય જાયન્ટ વૉલમાર્ટે હસ્તગત કરી લીધી છે. વૉલમાર્ટ કંપની ફ્લિપકાર્ટના ૭૭ ટકા શૅર હિસ્સાને ૧૬ અબજ ડૉલરમાં એટલે કે ૧.૧૨ લાખ કરોડ રૃપિયામાં ખરીદશે. ભારતીય બજારમાં તાજેતરના સમયનો વિશ્વનો આ સૌથી મોટો સોદો છે. ઘણા સમયથી વૉલમાર્ટ ભારતમાં રિટેલ બજાર પર વર્ચસ્વ સ્થાપિત કરવા પ્રયાસ કરી રહી હતી. તેમાં સફળતા મેળવવા માટે હવે વૉલમાર્ટ ફ્લિપકાર્ટને હથિયાર બનાવશે. ભારતમાં ઓનલાઇન માર્કેટમાં ફ્લિપકાર્ટ વ્યાપક નેટવર્ક ધરાવે છે. વૉલમાર્ટ તેનો ઉપયોગ કરીને આગળ વધશે. ફ્લિપકાર્ટને ખરીદવામાં વૉલમાર્ટની પ્રતિસ્પર્ધી કંપની એમેઝોનને પણ રસ હતો, પરંતુ વૉલમાર્ટે બાજી મારી છે. હવે એમેઝોન પણ ભારતમાં વૉલમાર્ટ સામે પ્રતિસ્પર્ધા માટે ધરખમ રોકાણની યોજના બનાવી રહ્યું છે.

ફ્લિપકાર્ટ એ તાજેતરનાં વર્ષોનું ભારતનું સૌથી સફળ સ્ટાર્ટઅપ સાહસનું ઉદાહરણ છે. લગભગ અગિયાર વર્ષ પહેલાં દિલ્હીના બે એન્જિનિયર યુવાનોએ બે રૃમના એક ફ્લેટમાં સ્ટાર્ટઅપ રૃપે ફ્લિપકાર્ટની શરૃઆત કરી હતી. એ વખતે આઇટીઆઇ કરીને નીકળેલા આ યુવાનોની ઉંમર માંડ ૨૪-૨૫ વર્ષની હશે, પરંતુ તેમના સખત પરિશ્રમ, આગવી સૂઝ અને સમજ દ્વારા થોડાં વર્ષોમાં જ ફ્લિપકાર્ટને ઇ-કોમર્સના ભારતીય બજારમાં અગ્રસ્થાને ખડી કરી દીધી. આજે એક દાયકા પછી તેને હસ્તગત કરીને ભારતના ઓનલાઇન માર્કેટ પર એક આંતરરાષ્ટ્રીય કંપની વર્ચસ્વ સ્થાપિત કરવાના વ્યૂહ સાથે મેદાનમાં આવી છે. વૉલમાર્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે રિટેલ વેપારમાં મોટું નામ અને મોટી બ્રાન્ડ હોવા છતાં ફ્લિપકાર્ટની સફળતા અને લોકપ્રિયતા તેમજ તેના બ્રાન્ડિંગને જોતાં કંપનીએ ફ્લિપકાર્ટ નામને યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. મતલબ કે વૉલમાર્ટ ફ્લિપકાર્ટના નામે જ ભારતમાં તેની કામગીરી કરશે. વૉલમાર્ટ ભલે વિશ્વની માતબર રિટેલ કંપની હોય, છેલ્લાં ચાર વર્ષોમાં વિશ્વના વધુ બાર દેશોમાં તેણે તેના વેપારનો વિસ્તાર કર્યો છે. આમ છતાં તેને હાલ મુશ્કેલીનો સમય ચાલી રહ્યો હતો. વૉલમાર્ટ ઇન્ટરનેશનલ ડિવિઝનના વડા કાર્લ ડલાસ મેકમિલન કંપનીને મુસીબતમાંથી બહાર લાવવા માટે મોટા બજારની શોધમાં હતા અને ભારત તેને માટે આવું એક ગંતવ્યસ્થાન હતું. તેમણે ઇ-કોમર્સમાં ઝંપલાવવાની પ્રતિબદ્ધતા સાથે ફ્લિપકાર્ટનો સોદો પાર પાડ્યો. વૉલમાર્ટ દ્વારા ફ્લિપકાર્ટને હસ્તગત કરવાથી ભારતને, ભારતના ગ્રાહકોને, ખેડૂતો, નાના વિતરકોને અને મહિલા સાહસિકોને લાભ થશે એવો દાવો કરવામાં આવે છે, પરંતુ એ તો નિવડે વખાણ થાય એવી વાત છે. એક વાત નિશ્ચિત છે કે આ સોદાથી વૉલમાર્ટને મોટો લાભ થશે.

Related Posts
1 of 319

ફ્લિપકાર્ટમાં જાપાનની સોફ્ટ બેન્કનું પણ મોટું રોકાણ છે. તે અંદાજે ૨૨ ટકા જેટલો શૅર હિસ્સો ધરાવે છે. આ સોદા પછી એવી વાત બહાર આવી છે કે સોફ્ટ બેન્ક તેના હોલ્ડિંગને તત્કાલ વેચવા તૈયાર નથી. જો સોફ્ટ બેન્ક તેના આ નિર્ણયને વળગી રહેશે તો વૉલમાર્ટ માટે ૭૭ ટકા હોલ્ડિંગ મેળવવાનું મુશ્કેલ બનશે. આ સોદામાં સોફ્ટ બેન્કનો આ નવો પેચ પાછળથી ઉમેરાયો છે. તેનું નિરાકરણ કેવી રીતે લાવવામાં આવે છે એ જોવાનું પણ રસપ્રદ બની રહેશે. વૉલમાર્ટ એવો દાવો કરે છે કે અમેરિકામાં તેના બિઝનેસને કારણે ત્યાંના લોકોના જીવનધોરણના ખર્ચમાં ૦.૬ ટકાથી એક ટકા સુધીનો ઘટાડો થયો છે. હવે આવો જ ફાયદો ભારતના લોકોને પણ થશે. ભારતમાં ૨૦૧૮ના વર્ષના અંત સુધીમાં ઇ-કોમર્સનું બજાર પંદર ટકા સુધીનું થશે. વૉલમાર્ટ અને એમેઝોન- બંને માટે ભારતના બજારનું મોટું આકર્ષણ રહ્યું છે. ફ્લિપકાર્ટના સોદાએ ફરી એક વખત ભારતીય બજાર અને ભારતના મધ્યમવર્ગની હેસિયતની મહત્તાને ઉજાગર કરી છે.

અલબત્ત, સંઘ પરિવારની સંસ્થા સ્વદેશી જાગરણ મંચે ફ્લિપકાર્ટના આ સોદાનો ઉગ્ર વિરોધ કર્યો છે અને તેને મંજૂરી ન આપવા માટે કેન્દ્ર સરકારને લાંબો પત્ર પણ લખ્યો છે. એ પત્રમાં વૉલમાર્ટ કંપનીની રીતરસમોનો ઉલ્લેખ કરીને ભારતના રિટેલ માર્કેટ માટે આ સોદો કેટલો હાનિકર્તા નિવડશે એ દર્શાવવાનો પ્રયાસ કરાયો છે. જોકે વિદેશી મૂડી રોકાણને આકર્ષવા પ્રતિબદ્ધ કેન્દ્ર નરેન્દ્ર મોદીની સરકાર આ સોદામાં કોઈ અવરોધ સર્જે એવી શક્યતા હાલ જણાતી નથી, પરંતુ સ્વદેશી જાગરણ મંચના વિરોધના પગલે સરકાર અને સંગઠન વચ્ચે વિચારધારાનો વિરોધાભાસ અને વિસંગતિ સપાટી પર આવી છે એટલું તો નિશ્ચિત છે.

—————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »