તમારા માટે, તમારી સાથે, સતત…

કાસ્ટિંગ કાઉચ – બાત નીકલી હૈ તો દૂર તલક જાની ચાહિયે

મહિલાઓએ મહિલાઓના સપોર્ટમાં આગળ આવવું જ જોઈએ

0 283

ફેમિલી ઝોન – લતિકા સુમન

કોરિયોગ્રાફર સરોજ ખાનના કાસ્ટિંગ કાઉચ અંગેના નિવેદને ફરી એકવાર કાસ્ટિંગ કાઉચના મુદ્દાએ જોર પકડ્યું છે. રાજકારણી રેણુકા ચૌધરીએ ત્યાર બાદ રાજનીતિમાં પણ કાસ્ટિંગ કાઉચ થતું હોવાની વાત કહી અને સમગ્ર મુદ્દો નેશન ટોક બની ગયો. હવે દરેક વ્યક્તિ કાસ્ટિંગ કાઉચની તરફેણમાં કે વિરુદ્ધમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહી છે. કાસ્ટિંગ કાઉચને લઈને મહિલાઓ શું વિચારે છે એની વાત…

તમે ક્યારેય મારી સાથે ચા પીવા નથી આવતા. તમારી પાસે તો અમારા માટે ટાઇમ જ નથી. સુપ્રીમ કોર્ટના એક વૃદ્ધ વકીલે ઍડવોકેટ અનિતા બાફનાને પૂછ્યું. આ એકવારની વાત નહોતી, અવારનવાર આ વડીલ વકીલ ઍડવોકેટ બાફનાને આ પ્રશ્ન પૂછતા. અનિતા બાફનાની ધીરજની હદ આવી ગઈ અને તેમણે પણ ચાર લોકોની વચ્ચે જોરથી એ વડીલ વકીલને જવાબ આપતા કહ્યું કે, શા માટે મારે તમારી સાથે ચા પીવા આવવું જોઈએ. હું અહીં ભણવા આવી છું. મારી પાસે તમારી સાથેે ચા પીવાનો ટાઇમ નથી. અનિતાનો જવાબ અને અવાજનો રણકો સાંભળીને સૌ અનિતા અને એ વડીલ વકીલ તરફ જોવા લાગ્યા. એ ઘટના બાદ એ વડીલ વકીલે ક્યારેય પણ ઍડવોકેટ અનિતા બાફનાને ફરી એ પ્રશ્ન ન કર્યો.

મુંબઈમાં રહેનારી અનિતાએ હાલમાં જ એઓઆરની પરીક્ષા(ઍડવોકેટ ઓન રેકોર્ડ વિથ સુપ્રીમ કોર્ટ)પાસ કરી છે. અભ્યાસ માટે તેને દિલ્હી જવું પડ્યું હતું. હોસ્ટેલમાં રહીને તે પોતાનો અભ્યાસ કરતી હતી. એ સમયે તેને આ અનુભવ થયો હતો. અનિતાનું કહેવું છે કે, ‘મહિલાઓ ઘરની બહાર નીકળે એટલે તેમને ઘણીબધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હું દિલ્હી ભણવા માટે ગઈ હતી. તેથી હું મારી જાતને મહેનત અને કામ દ્વારા આગળ લાવવા માગતી હતી અને માગુુ છું. મારેે કોઈ મોટા વ્યક્તિનો હાથ મારા માથા પર નહોતો જોઈતો.’

હાલમાં જ, કાસ્ટિંગ કાઉચનો મુદ્દો જોરશોરથી ગરમાયેલો છે. આ વિષય પર જેટલા જોરશોરથી બોલવામાં આવે છે, તેટલી જ ઝડપથી તે ટાઢો પણ પડી જાય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રોજના હજારો કિસ્સા બને છે આવા તો, જેમાં મહિલાઓને કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડે છે, પણ તેમના અવાજને સાંભળનારું કોઈ નથી હોતું, કારણ કે આ ઇન્ડસ્ટ્રીએ કાસ્ટિંગ કાઉચને સ્વીકારી લીધું છે. જ્યારે કોરિયોગ્રાફર સરોજ ખાને કાસ્ટિંગ કાઉચને બાબા આદમના જમાનાની વાત કહી, ત્યારે કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી રેણુકા ચૌધરીએ પોતાનો દબાયેલો ગુસ્સો બહાર કાઢતાં કહ્યું કે, ‘માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ કાસ્ટિંગ કાઉચ થાય છે એવું નથી, રાજનીતિમાં પણ હવે કાસ્ટિંગ કાઉચ કોઈ નવી વાત નથી.’

આ નિવેદન બાદ ઘણા બધા લોકોએ પ્રતિક્રિયા આપવાનું શરૃ કર્યું. જોકે, આ બધાની વચ્ચે એક નવો પ્રશ્ન એ ઊઠ્યો છે કે શું કાસ્ટિંગ કાઉચ વિના કોઈ મહિલા ટોચ પર નથી પહોંચી શકતી. મહિલાઓએ આ ઝમેલામાં પડવાની જરૃરત નથી. પોતાની મહેનતના જોરે આગળ આવવું જોઈએ. કાસ્ટિંગ કાઉચ થકી નહીં. દરેકે એક જ સૂર વ્યક્ત કર્યો કે મહિલાઓ પોતાના દમ પર આગળ આવી શકે છે, પણ તેમણે પણ ધીરજ અને સંયમ રાખવા જરૃરી છે. કાસ્ટિંગ કાઉચનો શોર્ટકટ અપનાવીને આગળ વધવું જરૃરી નથી. આ શોર્ટકટનો ઉપયોગ કરનારી મહિલાઓએ કાસ્ટિંગ કાઉચના મુદ્દાને લઈને બૂમબરાડા પાડવા જરૃરી નથી, કારણ કે તેઓ પોતે જ આ માર્ગ પસંદ કરે છે.

‘અભિયાન’ સાથે વાત કરતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા વિદ્યાતાઈ ચવ્હાણે કહ્યું કે, ‘કાસ્ટિંગ કાઉચનો ભોગ બનનારી મહિલાઓ માટે દુઃખ વ્યક્ત કરવું જરૃરી નથી. ઝડપથી નામ અને દામ કમાવવા માટે તેઓ પોતે જ આ રસ્તો પસંદ કરતી હોય છે. તેમને આગળ વધવા માટે એ રસ્તો અપનાવવો જરૃરી લાગે છે અને તેમની ઇચ્છાથી તેઓ આ માર્ગ પસંદ કરે છે. પછી બૂમો પાડી પાડીને કાસ્ટિંગ કાઉચનો શિકાર થયાની ફરિયાદ શા માટે કરવી. શા માટે સહાનુભૂતિ મેળવવી. જ્યારે અમે બિયર બાર બંધ કર્યા, ત્યારે એ મહિલાઓએ અમને કહ્યું હતું કે તમે અમારી રોજીરોટી છીનવી રહ્યાં છો. હવે આમાં રોજીરોટી છીનવી લેવાનો પ્રશ્ન જ ક્યાં આવે છે. એક બિયરબારવાળી મહિલા કોઈ બીજી મહિલાના પતિને ડાન્સ બારમાં રૃપિયા ઉડાડવા માટે પ્રોત્સાહિત કરતી હોય છે. એ સમયે એ બીજી મહિલાનું ઘર ઊજડી રહ્યું હોય છે, તેનું શું. શું એ મહિલા અને તેના બાળકોની રોજીરોટી છીનવવાનો પ્રયાસ ડાન્સબારવાળી મહિલાઓ નથી કરતી.’ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચના મુદ્દાને લઈને વિદ્યાતાઈનું માનવું છે કે, જ્યારે કોઈ તમને કામ આપે છે, રૃપિયા આપે છે ત્યારે તમે પોતાની ઇચ્છાથી તેની ઇચ્છાઓને પૂરી કરવા સહમતી આપો છો. તો પછી બાદમાં બૂમો પાડી પાડીને શું જતાવવા માગો છો. તમે એ કામ માટે મૂક સંમતિ આપી દીધી, તેના વિરોધમાં અવાજ ન ઉઠાવ્યો. તો પછી બાદમાં કોઈ સપોર્ટની અપેક્ષા કેવી રીતે રાખી શકો. વિદ્યાતાઈએ મહિલા પોલિટિશિયનનું ઉદાહરણ આપતાં કહ્યું કે, એ મહિલાને રાજનીતિમાં મોટું પદ જોઈતું હતું, ફ્લેટ જોઈતો હતો. એ બધું જ તેણે મેળવ્યું અને પચ્ચીસ વર્ષ પછી જ્યારે બંને વચ્ચે મતભેદો સર્જાયા ત્યારે તે મહિલા રાજકારણીએ પુરુષ રાજકારણી પર આરોપ લગાવવાનું શરૃ કર્યું કે તેણે પચ્ચીસ વર્ષ સુધી મારા પર બળાત્કાર કર્યો. તો મુદ્દો એ છે કે પચ્ચીસ વર્ષ સુધી તે ચુપ શું કામ રહી? પચ્ચીસ વર્ષ સુધી બળાત્કાર થતો રહ્યો અને તમે થવા દીધો? આ પ્રકારનો આરોપ મહિલાના ચારિત્ર્ય પર શંકા જન્માવતો હોય છે.

પૂણેમાં રહેનારી માસૂમ સંસ્થાની સામાજિક કાર્યકર મનિષા ગુપ્તે આ બાબતમાં સંપૂર્ણપણે મહિલાઓના પક્ષમાં પોતાના વિચારો ધરાવે છે અને અવાજ ઉઠાવી રહી છે. મનિષાએ ‘અભિયાન’ને કહ્યું કે, ‘કેટલીકવાર મહિલા કાસ્ટિંગ કાઉચનો શિકાર બનતી હોય છે, તેથી શું તેમણે આ મુદ્દા પર અવાજ ઉઠાવવાનો બંધ કરી દેવો જોઈએ? ભૂતકાળમાં જે મહિલાઓ કાસ્ટિંગ કાઉચનો શિકાર બની હશે, તેમાંથી કોઈએ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો હશે ત્યારે સમાજમાં ખ્યાલ આવ્યો હશે ને કે મહિલાઓ પણ કાસ્ટિંગ કાઉચનો ભોગ બની રહી છે. જો એ કોઈ મહિલાએ ક્યારેય પોતાનું મોઢું ખોલ્યું જ ન હોત તો અન્યોને કેવી રીતે કાસ્ટિંગ કાઉચ વિશે ખબર પડતી. એક જમાનો હતો જ્યારે અમે સામાજિક કામો માટે બહાર નીકળતાં તો બળાત્કાર કે વિનયભંગ જેવા શબ્દો ઉચ્ચારવા પર પણ પાબંદી હતી કે લોકો ક્ષોભ અનુભવતા હતા, પણ હવે મહિલાઓ સામે આવીને ખૂલીને બોલી રહી છે. મહિલાઓ જો અવાજ ઉઠાવવાનું બંધ કરી દેશે તો સમાજને આવા મુદ્દાઓ અંગેની ગંભીરતાનો ખ્યાલ નહીં આવે. જો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ આ વિશે વાત કરી રહ્યું છે તો સારી વાત છે અને એ મુદ્દે આપણે તેમને સપોર્ટ કરવો જોઈએ નહીંતર આર્થિક સત્તા પર કબજો જમાવીને બેઠેલા પુરુષોના હાથ કાદવથી ખરડાયેલા છે, એ વાત બહાર કોણ લાવશે. એવા પુરુષો વિશે શા માટે કશું નથી બોલાતું, જે કશુંક ખોટું કર્યા બાદ પણ ટેન્શન રાખ્યા વિના નિશ્ચિંત થઈને સમાજમાં માથું ઊંચું રાખીને ફરે છે.’

Related Posts
1 of 289

મુંબઈ હાઈકોર્ટમાં બોમ્બબ્લાસ્ટ જેવા કેસને હેન્ડલ કરનારી ઍડવોકેટ ફરહાના શાહનું માનવું છે કે, મહિલાઓએ શોર્ટકટ અપનાવવાની શું જરૃર છે એ વાત સમજાતી નથી. શાહ કહે છે, ‘જે મહિલાઓ પોતાના શરીરનો ઉપયોગ કરીને શોર્ટકટ અપનાવે છે તેમને અલ્લાહ પણ માફ નથી કરતો. ઈશ્વર પર ભરોસો હોય અને મહેનત કરવાની તૈયારી હોય તો દરેક રસ્તા આપોઆપ ખૂલતા જ જાય છે. જોકે, કોઈ પુરુષ કશું ખોટું કામ કરે અને આપણે તેને ચુપચાપ સહન કરતાં રહીએ એ વાત સાથે હું બિલકુલ સહમત નથી. બીજી તરફ મહિલાઓએ પણ કાસ્ટિંગ કાઉચનો હાથો બનીને એક મુકામ બનાવી લેવાની ફિતરત ન રાખવી જોઈએ અને જો તેમણે પોતાની સ્વેચ્છાએ આવા કોઈ શોર્ટકટનો ઉપયોગ કર્યો હોય તો બૂમબરાડા ન પાડવા જોઈએ.’

વિદ્યાતાઈ ચવ્હાણ આ જ વાતને આગળ વધારતાં કહે છે, ‘જે મહિલા દિવસ દરમિયાન મહેનત કરીને સો-બસો રૃપિયાની કમાણી કરે છે, શું તેઓ સુખી નથી હોતી. તેઓ જીવનભર ઘણીબધી ભૌતિક સુખસુવિધાઓથી વંચિત રહી જાય છે છતાં પણ જીવનમાં એક પ્રકારનો સંતોષ અને સુખનો અનુભવ તેઓ કરે છે. જેઓ પ્રસિદ્ધિ માટે, ભૌતિક સુખસુવિધા માટે કાસ્ટિંગ કાઉચ જેવા હથકંડા અપનાવે છે કે તેનો સ્વીકાર કરે છે, તેમને સપોર્ટ કરવાની જરૃર નથી હોતી.’

વિદ્યાતાઈ કમર્શિયલ આર્ટિસ્ટ છે. તેઓ ચિત્રકળાનો શોખ અને વ્યવસાય છોડીને રાજકીય પાર્ટી સાથે જોડાઈ છે. રાજકીય ક્ષેત્ર પણ ખૂબ ગંદંુ છે એમ કહેવામાં આવે છે, પણ તમે કઈ દિશામાં, કેવા વિચારો સાથે આગળ વધી રહ્યાં છો અને પોતાની જાતને કેવી રીતે રજૂ કરો છો તેના પર બધો મદાર છે.

મનિષા ગુપ્તે કહે છે કે, તેનાં માતા-પિતા પણ સામાજિક કાર્યકર્તા હતાં અને તે પોતે પણ સામાજિક કાર્યકર છે તેથી તેને ક્યારેય કાસ્ટિંગ કાઉચનો અનુભવ નથી થયો, પણ જ્યારે પણ કોઈ નવી યુવતી સામાજિક કાર્યના ક્ષેત્રમાં આવે છે ત્યારે સત્તાધારી પુરુષ તેનું શોષણ કરે છે. એ યુવતીને આ વાત જ્યારે સમજાય છે ત્યારે તે તેની સામે અવાજ ઉઠાવે છે. તો દરેક મહિલા જેને અન્યાય થાય છે કે થઈ રહ્યો છે તેણે અવાજ ઉઠાવવો જ જોઈએ. તો જ અન્ય મહિલાઓને સમજાશે કે કેવા-કેવા મુદ્દાઓ પ્રત્યે સાવધાની રાખવી જરૃરી બની જાય છે.

ઍડવોકેટ અનિતાનું કહેવું છે,  ‘કેટલીકવાર મહિલાઓ અનિચ્છાએ કાસ્ટિંગ કાઉચનો ભોગ બનતી હોય છે, પણ એવા સમયે પણ તેમણે પોતાનો અવાજ દબાવી રાખવાને બદલે ખૂલીને સમાજની સામે બોલવું જોઈએ.’

ઍડવોકેટ ફરહાનાનું કહેવું છે, ‘કેટલાંક ઘરોમાં મહિલાઓ આર્થિક તંંગીને કારણે, બાળકોને કારણે, ઘરમાં કોઈ બીમાર હોય તો તેની સારવાર માટે પોતાને આર્થિક રીતે સપોર્ટ કરનારા પુરુષના તાબે થઈ જાય છે. મહિલાની ઇચ્છા હોય કે ન હોય, પણ મજબૂરીના કારણે પણ તે પોતાનું શોષણ થવા દેતી હોય છે. આ પણ એક પ્રકારનું કાસ્ટિંગ કાઉચ જ છે, પણ તેનો વિરોધ કેવી રીતે કરવો.’

મનિષા ગુપ્તે પોતાનો તર્ક રજૂ કરતાં કહે છે, ‘આર્થિક સત્તાનું કેન્દ્રબિંદુ હંમેશાં પુરુષ હોય છે. શા માટે દીકરીઓને જ શીખવવામાં આવે છે કે કેવી રીતે ચાલવું, કેવી રીતે બોલવું, કેવી રીતે વર્તવું. સારા ચારિત્ર્યની શિક્ષા માત્ર દીકરીઓને જ કેમ આપવામાં આવે છે. પુરુષોને પણ ચારિત્ર્યવાન બનવાની અને બની રહેવાની શિક્ષા આપવી જરૃરી છે.’

તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતનું કોઈ મહિલા પત્રકારને સ્પર્શ કરવું, મહિલા પત્રકાર માટે અપમાનજનક ટિપ્પણી કરનારા ભાજપના નેતા હોય, કોર્પોરેટ સેક્ટરમાં કામ કરનારી મહિલા હોય કે મજૂરી કરીને ગુજરાન ચલાવનારી મહિલા – દરેક જગ્યાએ મહિલાનું જ શોષણ થતું હોય છે. જાણે-અજાણ્યે તેનું શોષણ થયા જ કરે છે તો પછી મહિલાઓએ મહિલાઓના સપોર્ટમાં આગળ આવવું જ જોઈએ. અન્યાય સામે અવાજ ઉઠાવવો જ જોઈએ, જેથી અન્ય મહિલાઓ સાથે અન્યાય ન થાય અથવા જો કોઈ મહિલાની સાથે અન્યાય થઈ રહ્યો હોય કે તેનું શોષણ થતું હોય તો તેને તેનો ખ્યાલ આવે અને તેની સામે લડવાની હિંમત પણ મળે.

———————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »