તમારા માટે, તમારી સાથે, સતત…

કોઈ શબ્દ આવે મનગમતો મહામૌનના શિખરથી…

દરિયાને ફક્ત ઊભા-ઊભા જોયા કરવાથી પાર ના કરી શકાય.

0 352

ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન
vatsyara@gmail.com

સત્યની શોધ કરતાં ભટકે અટકે લોક શબ્દના શરણમાં
શબ્દની પગથી પકડી પગને પડવું છે સુખના ચરણમાં

જીવન શબ્દમાં વર્ષો સમાયેલાં હોય છે અને એ વર્ષોમાં અગણિત શબ્દો. પોતાના જીવન વિષે સાચું કહેનાર ના કહી શકે એટલા શબ્દો. છતાં આપણે જીવન વિષે બોલીએ સાંભળીએ છીએ. શોધ સુખની છે. ખાંખાંખોળા સત્યના છે. પ્રશ્ન છે, એ કયું સત્ય છે જે પોતાનું મુખ ક્ષતિ વિનાની આરસીમાં જોઈને સ્મિત વેરે ત્યારે સુંદરતા તરીકે અવતરે છે? સુંદરતા એટલે જ્યારે સત્ય પોતાનો ચહેરો પૂર્ણ દર્પણમાં ગ્રહણ કરે ત્યારે તેનું સ્મિત. આ કહેનાર રવીન્દ્રનાથ ટાગોર આપણી વચ્ચે નથી. એમના ચાહકો અને ટીકાકારો છે. સત્ય અને અને તેની સામેનો સાચો અરીસો એકબીજાને મળે ત્યારની એકાંતિકતા જાહેરમાં લાવીએ ત્યારે શબ્દનું ટોળું બની જાય. વાત સત્યને થતાં આત્મ-સાક્ષાત્કારની છે. તેની પોતીકી છે. સત્ય જ્યારે સ્વયંને, જૈસે થે યાને પૂર્ણરૃપે નીરખે છે ત્યારે તેના મોઢા પર સંતોષ, આનંદ અને શાંતિની વિરામત્રયીરૃપ મુસ્કાન આવે છે. અહીં દર્દ અને મોજ વચ્ચેની સ્થિતિ છે. ટુ સમ અપ, એ પ્રેમરૃપ થાય છે.

યસ, સત્યને આઝાદી મળે અથવા સત્ય જાતે સ્વતંત્ર થાય ત્યારે પ્રેમમાં પરિણમે છે. સત્ય અને તેનું પ્રતિબિંબ, બસ બેનું જ મિલન. મને હું જેવો છું તેવો જ દેખાવો જોઈએ અને એ જોઈને મારું મોઢું બગાડવું ના જોઈએ કે ના હું અટ્ટહાસ્ય કરવો જોઈએ. ના અભિમાન કે ના લઘુતાગ્રંથિ. ત્યાં પ્રેમ જન્મે છે, જીવે છે. બે મનુષ્ય એકબીજાની આંખમાં એકબીજાને જોઈને જ્યારે પામે ત્યારે સુંદરતાનો આવિર્ભાવ થાય છે. તું મારો છું ‘ને હું તારી છું! પણ, પ્રાથમિક અને ફરજિયાત શરત હું ‘ને તું, સત્યરૃપ હોવા જોઈએ. આંખને ફિલ્ટરની જેમ નથી વાપરવાની બલ્કે આંખથી અલગ કર્તાપણું જ ગુમાવી દેવાનું છે. હંન બરાબર આંખ અને આંખ બરાબર હું. ‘મારી આંખ’ એવું ના હોય ત્યાં ‘મારી નજર’ એવું થવાનું જ નથી, અને અંતે દૃશ્ય ફક્ત દૃશ્ય બની રહેશે. એ ‘મારું દૃશ્ય’ છે કે એને ‘મારું દૃશ્ય’ કેવી રીતે બનાવવું એ પ્રશ્ન જ ના રહે.

પરંતુ, સમય પણ એક સત્ય છે. આયુષ્ય પણ એક સત્ય છે. આયુષ્ય માટે એક શબ્દ છે વય. વી ઉર્ફે આપણે એટલે સંસ્કૃતમાં વયમ. જોડે છીએ ત્યાં સુધી જીવીએ છીએ. ‘આપણું’ અસ્તિત્વ છીએ. ટાગોરે કહેલું સત્ય જ્યારે અને જ્યાં સુધી પોતાને આરસીમાં જુએ છે ત્યાં સુધી સુંદરતા તરીકે પ્રસ્થાપિત થાય છે. સત્યનું મોઢું જ્યારે અન્ય કોઈ પણ દિશામાં ફરે છે ત્યારે? જ્યાં સત્ય નથી ત્યાં અસત્ય છે. સુંદર નથી એ બધું અસુંદર છે. પ્રેમ નથી ત્યાં બધે જ અપ્રેમ છે. સત્ય, સુંદરતા ‘ને પ્રેમ નથી ત્યાં શું છે એનું મહત્ત્વ એટલું જ કે એ આરસીની ક્ષતિઓ છે અને ક્ષતિઓ બહિર્મુખ હોય છે એટલે સહજ પ્રસરણ પામે છે. જ્યારે સત્ય, સુંદરતા ‘ને પ્રેમ અંતર્મુખી છે એટલે સ્વ-શરણ પામે છે. તું એ હું એમ કરીને પર-શરણ પામે છે. પાર્શ્વ એટલે નજીક. પ્રોક્સિમેટ, અપ્રોક્સિમેટ નહીં. સત્ય કહે છે પરસ્વશરણમ ગચ્છામિ!

Related Posts
1 of 57

કિન્તુ, ટાગોર તો બીજું પણ ઘણું કહી ગયા છે. દરિયાને ફક્ત ઊભા-ઊભા જોયા કરવાથી પાર ના કરી શકાય. એક તરફ ટાગોર દરિયો પાર કરવાનું કહે છે તો બીજી તરફ કહે છે, જે આપણું હશે તે બધું જ આપણી પાસે આવશે જો તે સ્વીકારવાની ક્ષમતા આપણે પેદા કરી હશે તો. સાથે એવુંય કહે છે, વાસણમાં રહેલું પાણી સોડા જેવું ઊભરાતું હોય છે; દરિયાનું પાણી અંધારિયું હોય છે; નાનકડા સત્યના શબ્દો સ્પષ્ટ હોય છે; મહત સત્ય પાસે મહત મૌન હોય છે. કવિવર બાકી ભલે પરસ્પર વિષમધ્રુવી કે અસમધરી કથન કરે, એક વાત કામની કહે છે- છોટે સચ કી બાત બડી સ્પષ્ટ હોતી હૈ. બ્રહ્મની વાત? શબ્દ માને અવાજને બ્રહ્મ કીધો છે એનું શું? ટાગોર સંગીતને બે હૃદય વચ્ચેનું પૂરણ કહે છે. કહે છે જ્યારે પૂર્ણ સત્ય બોલવા સુધીની ધીરજ ના હોય ત્યારે બડબોલા થવું સરળ પડે છે. એમનું માનવું છે કે સ્વર્ગને પોતાની વાત કહેવાની પૃથ્વીની અમર્યાદ કોશિશ એટલે વૃક્ષ. સો, મુદ્દો એવા અવાજનો છે જે સમ ગીત હોય.

જીવન મહેનત કરાવે છે. શબ્દો કસ કાઢે છે. છતાં સત્ય કદાચ ઇન્વેન્ટ થાય છે, પણ ડિસ્કવર નથી થતું. એટલે માનવી સીધું સુખ શોધ્યા કરે છે. ઈશાવાસ્યોપનિષદના પંદરમાં શ્લોકમાં કીધું છે, સત્યનું મુખ સુવર્ણના ઠામથી ઢંકાયેલું છે. ટાગોર શક્યતઃ માનતા હશે એવું જ આગળ એ જ શ્લોકમાં કીધું છે કે, હે મહામાયા, એ હિરણ્ય-પાત્ર હટાવી દો. એ લોકો માટે સત્ય એટલે બ્રહ્મ. પેલું કાંચનનું વાસણ જે સત્યની આસપાસ છાલ, કવચ કે મહોરું બનીને વિહરે છે તે એટલે આપણી દ્રષ્ટિએ સુખ. કઠોપનિષદની પ્રથમ અધ્યાયની તૃતીય વલ્લી લખે છે કે ઊઠો, જાગો ‘ને ધ્યેય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી મંડ્યા રહો. આગળ ઉમેરે છે કે (વિવેકાનંદ જેવા) જ્ઞાનીઓએ માર્ગને છરીની ધાર જેવો ઓળંગવા માટે કઠિન કહે છે. મે બી ટાગોર એટલે એકલા ચાલો રે કહેતા હશે.

પહેલું સુખ તે જાતે નર્યા/નરવા. જાતે એટલે એકલા. ચેરિટી બિગિન્સ એટ હોમ. પહેલું ઘર/પિંડ ‘ને પછી પર/પરમેશ્વર. તો શું સુખના ક્રમ હોય છે? બીજું, ત્રીજું ‘ને છેલ્લું સુખ પણ હોય? કહેવત ઉવાચઃ બીજું સુખ તે ઘરે દીકરા, ત્રીજું સુખ ગુણવંતી નાર, ચોથું સુખ કોઠીએ જાર. દુઃખની વાત કરે છેઃ પહેલું દુઃખ જે બારણે તાર, બીજું દુઃખ જે પડોશી ચાર, ત્રીજું દુઃખ જે પૂંઠે ચાંદું, ચોથું દુઃખ જે બૈરું માંદું. તો શું સાચું-ખોટું તેમજ મિક્સ સુખ પણ હોય? ‘સાચું સુખ’ એવી ઇન્ટરનેટ પર સર્ચ મારી. ઘણું દેખાયું. બાલાશંકર કહી ગયા છે કે ‘રહી નિર્મોહી શાંતિથી રહે એ સુખ મોટું છે, જગત બાજીગરીના તું બધાં છલબલ જવા દેજે.’ એટલે પાછું સુખ નાનું-મોટું પણ હોય! ‘રહે ઉન્મત્ત સ્વાનંદે ખરું એ સુખ માની લે, પિયે તો શ્રીપ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે.’ હમણાં કીધું તેવું. ખરું-ખોટું એમ કમ સે કમ બે બીજા સુખ! એમની આ જ રચનામાં આગળ જે વાત કરી છે તેય રસપ્રદ. ‘કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઈ? નિજાનંદે હંમેશાં બાલ મસ્તીમાં મઝા લેજે.’

નિજાનંદ! કંથારિયા સાહેબને પૂછીએ કે સ્વાર્થ અને નિજાનંદને સંબંધ ખરો? ‘તો રહેજે શાંતિ-સંતોષે સદાય નિર્મળ ચિત્તે, દિલ જે દુઃખ કે આનંદ કોઈને નહીં કહેજે.’ તો સ્વાભાવિક રીતે મૂર્ખ ઠરવા જેવું થાય. કારણ, કવિ સ્વાર્થમાં નથી જ માનતા એ સ્પષ્ટ છે! ‘કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડીનો, જગત-કાજી બનીને તું વહોરી ના પીડા લેજે.’ = બીજાની પંચાત કે વિવેચનના સ્વાનંદ કે નિજાનંદની એ વાત નથી કરતા એ સ્પષ્ટ થાય છે. તો પછી સ્વ કે આનંદ સાથે ખરું-મોટું શું? અલબત્ત, તેઓ ઈશ્વર ભક્તિની વાત કરે છે, પણ તે સિવાય શું? જવાબ સાચો બધાને જોઈએ. (હા મોટો નહીં!) અને સારો પણ, આ સારા પરથી વિચાર આવ્યો અને જોયું કે, ‘સારું સુખ’ એવું શોધું. જબરાં પરિણામ આવ્યાં- ‘સુખ સારું લાગે છે, પણ તેનું પરિણામ સારું હોતું નથી. દુઃખ ખરાબ લાગે, પણ તેનું પરિણામ સારું હોય છે.’, ‘સુખ હંમેશાં સારું હોતું નથી,’ ‘જાતક સંગ્રહના મત અનુસાર લગ્નથી પાંચમા ભાવમાં શુભ ગ્રહો હોય તો પ્રથમ અવસ્થામાં સારું સુખ મળે છે.’ વાહ! ક્યાંક લખેલું છે, ધર્મ આપણને સુખ-દુઃખ, સારું-નરસું, શુભ-અશુભ એ દ્વંદ્વોમાંથી બહાર નીકળી જવાના બોધ આપે છે. ખેર, ચરકસંહિતા કહે છે- ધર્મ, અર્થ, કામ અને મોક્ષનાં મૂળ ઉત્તમ આરોગ્યમાં છે. કાલિદાસનું પણ એવું જ કહેવું છે કે, ધર્મની સિદ્ધિ માટે સૌથી પહેલું અને સૌથી મુખ્ય સાધન શરીર છે.

વ્હોટ ટુ ડુ એન્ડ વ્હોટ નોટ ટુ ડુ! સુખની શોધ ‘ને સત્યના ખાંખાંખોળાની ગૂંચ સ્પષ્ટ છે. પોતાની વાત છે, પરંતુ કોઈ એકલું નથી જીવતું. એકલો રહેનાર શબ્દ સાથે જીવતો હોય છે. ચરકસંહિતા કહે છે- બુદ્ધિ, ધૈર્ય ‘ને સ્મૃતિ ભ્રષ્ટ થાય ત્યારે મનુષ્ય અશુભ કર્મ કરે છે અને ત્યારે શરીર કે મનના રોગ થાય છે. આયુર્વેદ એવા અશુભ કર્મને પ્રજ્ઞાપરાધ કહે છે. યાદ રહે અહીં અલાભ કર્મ નથી કીધાં. મંગલ કર્મ કીધાં છે. ફરે તે ચરે, બાંધ્યું ભૂખે મરે. કર્મ કરવું પડે. કૃષ્ણ કહે ફળની આશા વગર કરો ‘ને બુદ્ધ કહે છે ઇચ્છા સર્વ દુઃખનું મૂળ છે. અગેન, શું કરવું?! અરે યારાઝ, આવું વિચારીને બેસી રહેવું એમાં વિચારવું એ પણ કામ જ છે. તો પછી એક પછી એક પદ્ધતિ પ્રયોગમાં મૂકતા રહેવી, સુખ ‘ને સત્યની તપાસ કરતા રહેવું. બાકી વિકલ્પ પસંદ કર્યા વગર નિર્વિકલ્પ સમાધિ લાગતી હોય તો તો ક્યાં કોઈ પ્રશ્ન જ છે કે પછી કોઈ શબ્દ જ છે. અતઃ આપણે તો મકરંદ દવે કહે છે એમ રાખવું રહ્યું- કોઈ શબદ આવે આ રમતો રે, કોઈ શબદ આવે મનગમતો, મહામૌનના શિખર શિખરથી.

બુઝારો
એક પછી એક તમામ સંદર્ભોને જીવનયજ્ઞમાં હોમીને દરેક વ્યક્તિને જોઈશું તો તેને પોતાના જેવો જ પામીશું.
(મુંડક ઉપનિષદ ૩/૧/૫ પરથી.)
————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »