તમારા માટે, તમારી સાથે, સતત…

રાજકાજઃ રાષ્ટ્રીય સમાચાર

ત્રિપુરાનો કિલ્લો-મમતાનો ત્રીજો મોરચો-મ.પ્ર. સંઘની ચિંતા

0 401

રાજકાજ-ચાણક્ય

ત્રિપુરામાં ડાબેરીઓનો કિલ્લો મજબૂત હતો જ નહીં
ઉત્તર-પૂર્વનાં ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનાં પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. ખાસ કરીને ત્રિપુરામાં પચીસ વર્ષથી સત્તા પર કબજો જમાવીને બેઠેલા માકર્સવાદી સામ્યવાદી પક્ષ (સીપીએમ)ના શાસનને ધ્વસ્ત કરીને ભાજપ અને તેના સાથી પક્ષોએ મેળવેલા જંગી વિજયને કલ્પનાતીત ગણવામાં આવે છે. વાસ્તવમાં તેમાં કલ્પનાતીત જેવું કાંઈ નથી. ત્યાંના લોકો, સ્થાનિક મીડિયા અને સ્થાનિક રાજકીય પંડિતો લગભગ આ પ્રકારનાં પરિણામોની અપેક્ષા રાખી રહ્યા હતા. ત્રિપુરાની બહાર મીડિયા અને ડાબેરીઓના દાવાઓથી અભિભૂત રાજકીય પંડિતો માટે આવાં પરિણામ કલ્પના બહારના ગણી શકાય. કેરળ અને પશ્ચિમ બંગાળની માફક ત્રિપુરાને પણ ડાબેરીઓનો ગઢ માનીને ચાલવું અને પછી એવું પણ ધારી લેવું કે ડાબેરીઓના ગઢને ધ્વસ્ત કરવાનું આસાન નથી હોતું, આવી પૂર્વધારણાઓ પણ હવે ધ્વસ્ત બની છે. એટલું જ નહીં તો કેરળને પણ ડાબેરીઓના હાથમાંથી મુક્ત કરી શકાય છે એ હવે શક્ય માનવામાં આવે છે.

અત્યાર સુધી ઉત્તર-પૂર્વનાં રાજ્યોની કેન્દ્ર દ્વારા ઘોર અવગણના અને ઉપેક્ષા કરવામાં આવી હતી. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર સત્તા પર આવ્યા પછી આ વલણમાં બદલાવ આવ્યો અને કેન્દ્ર દ્વારા ઉત્તર-પૂર્વનાં રાજ્યો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. છેલ્લા લગભગ સાડાત્રણ વર્ષથી ચાલી રહેલી આ પ્રક્રિયા પ્રત્યે પણ કોઈએ બહુ ધ્યાન આપ્યું નહીં. મીડિયા પણ ભાગ્યે જ આ રાજ્યોમાં પોતાના પ્રતિનિધિ મોકલીને વાસ્તવિક સ્થિતિની જાણકારી મેળવવાની દરકાર કરે છે, એ સંજોગોમાં ત્રિપુરાના માકર્સવાદી મુખ્યપ્રધાન માણિક સરકારની સાદગી અને પ્રમાણિકતાની હેતુપૂર્વકની બહુપ્રચારિત ઇમેજના આધારે જ એવું માની લેવામાં આવતું હતું કે તેમને પરાસ્ત કરવાનું સરળ નહીં હોય. પરિણામોએ દર્શાવી આપ્યું કે ડાબેરીઓ દ્વારા અને મીડિયાના એક વર્ગ દ્વારા પ્રચારિત માણિક સરકારની આ ઇમેજ કેટલી ખોખલી હતી અને ડાબેરીઓના આ કહેવાતા મજબૂત કિલ્લામાં કેટલી પોલંપોલ હતી! ત્રિપુરાના મુખ્યપ્રધાન અને તેમની સરકારની સાદગી અને પ્રમાણિકતા માત્ર બાહ્યાડંબર હતો. હવે જે વિગતો મળી રહી છે એ એવું કહી જાય છે કે માણિક સરકાર ૪૦-૫૦ કિલોમીટરના ટૂંકા અંતરના પ્રવાસ માટે પણ હેલિકોપ્ટરનો જ ઉપયોગ કરતા હતા, રોડ રસ્તે જતા ન હતા. તેમની સરકારમાં ભ્રષ્ટાચારની બોલબાલા હતી. કેરળ અને પશ્ચિમ બંગાળની માફક ત્રિપુરામાં પણ ડાબેરી શાસન દરમિયાન રાજકીય હિંસાખોરી પણ ચાલતી રહેતી.

Related Posts
1 of 269

ઉત્તર-પૂર્વનું રાજ્ય હોવાને કારણે બાકીના દેશને તેના રિપોર્ટ ભાગ્યે જ મળતા હતા. પચીસ વર્ષના શાસનમાં રાજ્યના વિકાસના નામે મોટું મીંડું જ રહ્યું. ડાબેરીઓએ પશ્ચિમ બંગાળની પણ દુર્દશા જ કરી હતી. કિસાન-મજદુર અને ગરીબોના હિતની વાત કરનારા ડાબેરીઓએ તેમના શાસનમાં કોઈ રાજ્યમાં કશું ઉકાળ્યું નથી. ત્રિપુરામાં આજે ભાજપનો ભગવો લહેરાયો છે તો તેની પાછળ ભાજપના અગ્રણી સુનિલ દેવધરના ત્રણ વર્ષથી વધુ સમયના પુરુષાર્થ અને તપસ્યા રહેલાં છે. આ વર્ષોમાં તેમણે રાજ્યના તમામ મતવિસ્તારોના અવિરત પ્રવાસ કરીને સંગઠન ખડું કરવાની સાથે લોકોની સમસ્યાઓને ઉજાગર કરી હતી. ત્રિપુરાના આદિવાસી વિસ્તારોમાં પણ કોંગ્રેસ અને ડાબેરીઓનો સફાયો થઈ ગયો એ શું બતાવે છે? આ દેશમાં ડાબેરીઓ જેવી દંભી જમાત કોઈ નથી અને મીડિયાને તેમના પ્રત્યે વધુ પડતી સહાનુભૂતિ રહી છે, પણ તેનાથી લોકોનું ભલું થયું નથી. ત્રિપુરામાં પરિણામના માત્ર ૪૮ કલાકમાં લોકોએ અગરતલામાં જાહેર ચોકમાં મુકાયેલી માકર્સની પ્રતિમાને ધ્વસ્ત કરવાનું કામ કર્યું. ડાબેરી સરકારે ત્રિપુરામાં રસ્તાઓનાં નામો માર્ક્સ એંજલ અને લેનિના નામ પરથી રાખ્યા હતા. તેમણે બંગાળમાં પણ આ જ કર્યું હતું. તેમને કોઈ સ્થાનિક ઇતિહાસ પુરુષો નજરે ચઢતા નથી. હવે નવી સરકાર શપથ ગ્રહણ કર્યા પછી પહેલું કામ આ ડાબેરીઓની લોકો પર થોપવામાં આવેલી નિશાનીઓને દૂર કરવાનું કરશે. માર્ક્સ, લેનિન જેવા લોકો ભારતીય પ્રજામાં કેવી રીતે લોકપ્રિય બની શકે એ સમજવું મુશ્કેલ છે.

નાગાલેન્ડમાં ઈસાઈ ચર્ચના રાજકીય પ્રભાવ વચ્ચે પણ ભાજપે શ્રેષ્ઠ દેખાવ કર્યો છે અને ચર્ચના દબદબાનાં અનેક મિથકો તોડી પાડ્યાં છે. દેશના મીડિયાએ ચર્ચની રાજનીતિમાં આવી દખલ સામે ભાગ્યે જ અવાજ ઉઠાવ્યો છે. ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપ સાથી પક્ષો સાથે સરકાર રચે એ સ્પષ્ટ છે, પણ મેઘાલયમાં સૌથી મોટા પક્ષ તરીકે કોંગ્રેસ ઊપસી આવી છતાં માત્ર બે બેઠકો મેળવનાર ભાજપે અન્ય પક્ષોના મળીને કુલ ૩૪ સભ્યોની રાજ્યપાલ સમક્ષ પરેડ કરાવી સરકાર રચવાનો દાવો કરી દીધો અને રાજ્યપાલે આ રજૂઆતથી સંતુષ્ટ થઈને આ ગઠબંધનને સરકાર રચવા આમંત્રણ આપી દેતાં ઉત્તર-પૂર્વનાં આ ત્રણેય રાજ્યો કબજે કરવામાં ભાજપ સફળ રહ્યો છે.
————————–.
મધ્યપ્રદેશ માટે ભાજપ અને સંઘની ચિંતા વધી ગઈ…
મધ્યપ્રદેશમાં ગત દિવસોમાં વિધાનસભાની બે બેઠકોની યોજાયેલી પેટા ચૂંટણીમાં બંને બેઠકો પર કોંગ્રેસે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. આમ છતાં કોંગ્રેસ માટે આ વિજય બહુ ખુશ થવા જેવો નથી. કારણ એ છે કે બંને બેઠકો પર કોંગ્રેસની અગાઉની સરસાઈમાં ઘટાડો થયો છે. આ બંને બેઠકો જ્યોતિરાદિત્ય સિંધિયાના લોકસભા મતવિસ્તારમાં આવેલી છે. એથી તેમના માટે આ પ્રતિષ્ઠાનો જંગ હતો. કોંગ્રેસના ઉમેદવારો સામે આ વખતે બહુજન સમાજ પાર્ટીએ કોઈ ઉમેદવાર ઊભા રાખ્યા ન હતા. એ હિસાબે કોંગ્રેસના વિજયમાં મતોની સરસાઈમાં વધારો થવો જોઈતો હતો. તેને બદલે તેમાં ઘટાડો થયો છે.

જ્યોતિરાદિત્ય આ વિજયના જોરે આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યમાં કોંગ્રેસ મુખ્યપ્રધાનપદના દાવેદાર બનવા થનગની રહ્યા છે, પરંતુ તેમના પક્ષના પ્રતિસ્પર્ધીઓ મતોની ટકાવારી ઘટવાને કારણે આ વિજયને મહત્ત્વનો ગણતા નથી. બીજી બાજુ ભાજપે આ પેટા ચૂંટણીના પરાજયને ગંભીરતાથી લઈને મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને તાકીદ કરી છે. અહેવાલ એવા છે કે શિવરાજસિંહના ભવિષ્ય અંગે ભાજપ અને સંઘમાં મંત્રણા શરૃ થઈ ગઈ છે. આવી વિચારણાનું કારણ એ છે કે રાજ્યમાં ંશિવરાજસિંહ પકડ ગુમાવી રહ્યા છે. ગત દિવસોમાં એક એજન્સી દ્વારા રાજ્યવ્યાપી જનમત સર્વેક્ષણ કરાવવામાં આવ્યું હતું. તેનાં તારણોએ ભાજપ અને સંઘની ચિંતા વધારી દીધી છે. આ તારણ અનુસાર ભાજપને આગામી ચૂંટણીમાં એકસોથી ઓછી બેઠકો મળે તેમ છે. આ સર્વે પછી ભાજપ-સંઘે પક્ષના ૭૩ ધારાસભ્યોને અલગ તારવ્યા છે, જેમની કામગીરી નબળી છે અને મતવિસ્તારના લોકોમાં તેમની સામે રોષ પ્રવર્તે છે. આ તમામના સ્થાને ભાજપ નવા ચહેરા મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે.
————————–.
ત્રીજો રાજકીય મોરચો રચવા મમતા બેનરજી સક્રિય બન્યાં…
ઉત્તર-પૂર્વનાં ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોની રાષ્ટ્રીય રાજકારણમાં સાઇડ ઇફેક્ટ બહુ જલદી જોવા મળી રહી છે. આગળના ઘટનાક્રમ રૃપે આગામી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વને પડકારવા માટે ત્રીજા મોરચાની હિલચાલને મમતા બેનરજીએ સમર્થન આપ્યું છે. આમાં સમર્થન કરતાં પણ મહત્ત્વની વાત એ છે કે આ ત્રીજા મોરચાનું નેતૃત્વ ખુદ મમતા પોતે કરવા ઇચ્છે છે, પરંતુ સમર્થનની વાત એટલા માટે કરવામાં આવી છે કે તેલંગણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવે પણ ત્રિપુરાનાં પરિણામ પછી દેશમાં ભાજપ અને કોંગ્રેસ વિનાના ત્રીજા મોરચાની રચનાની હિમાયત કરી એટલે મમતાએ તેનું તુરંત સમર્થન કર્યું. ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએ અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળ યુપીએ નામના બે રાજકીય ગઠબંધન રાષ્ટ્રીય સ્તરે અસ્તિત્વ ધરાવે છે. હવે ત્રીજા મોરચાની હિલચાલનો મતલબ એ થયો કે દેશના અનેક પ્રાદેશિક પક્ષો કોંગ્રેસ સાથેના ગઠબંધન કરતાં અલગ રાજકીય ગઠબંધનમાં જોડાવાનું પસંદ કરે છે.

કોંગ્રેસ નેતૃત્વ માટે આ બાબત ચિંતા અને આઘાતજનક બની શકે. મમતા બેનરજી ખુદને ૨૦૧૯ની ચૂંટણીમાં રાષ્ટ્રીય વિકલ્પ તરીકે પ્રસ્તુત કરવા ઇચ્છે છે. તેમણે પ્રાદેશિક પક્ષોનો સંપર્ક શરૃ કરી દીધો છે. શિવસેના અને આમ આદમી પાર્ટી જેવા પક્ષો કોંગ્રેસ સાથે જવાને બદલે મમતા સાથે રહેવાનું પસંદ કરે એ શક્ય છે. મમતા આ ઉપરાંત ઓરિસ્સાના નવિન પટનાયક, આંધ્રના ચંદ્રાબાબુ નાયડુના સંપર્કમાં પણ છે. તામિલનાડુમાં કમલ હાસને રચેલા નવા પક્ષ સાથે પણ મમતા બેનર્જી સંપર્ક સ્થાપિત કરી રહ્યાં છે. આ સમગ્ર ઘટનાક્રમનો સીધો અર્થ એ પણ થાય કે ૨૦૧૯ની ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદી અને ભાજપને પડકાર આપવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો પનો ટૂંકો પડે એમ સૌ માને છે.
————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »