તમારા માટે, તમારી સાથે, સતત…

વાચક વાલીઓને વિનંતી

0 333

માર્ચ મહિનો મધ્યાહ્ન તપી રહ્યો છે. માર્ચનો મધ્યાહ્ન ઘણા લોકોને દઝાડે છે. આપને થશે કે હજુ દઝાડે એવી ગરમી પડતી નથી અને લેખક લખે છે કે માર્ચ દઝાડે છે. માર્ચ મહિનાઓ ઘણા ઠોઠ નિશાળિયાઓને દઝાડે છે. માર્ચ મહિનાના દિવસનો મધ્યાહ્ન નહીં, પરંતુ માર્ચ મહિનાનો મધ્યાહ્ન એટલે કે દસથી વીસ તારીખ વચ્ચેનો સમય ઘણા ઠોઠ વિદ્યાર્થીઓને દઝાડીને જાય છે. આ રીતે દાઝ્યાની બળતરા આખી જિંદગી રહે છે. કારણ દસમા અને બારમા ધોરણનાં પરિણામ ઉપરથી કારકિર્દી નક્કી થતી હોય છે.

કોઈ એક કે બે વરસનાં પરફોમન્સ ઉપરથી માણસની ગુણવત્તા નક્કી કરવી ઘણીવાર ભૂલ ખવડાવે છે. કારણ દસમા કે બારમા ધોરણમાં નપાસ થયા બાદ જીવનમાં અત્યંત સફળ થયેલા લોકોનું લાંબંુ લિસ્ટ થઈ શકે તેમ છે. છતાં આપણી નિષ્ફળ શિક્ષણ પ્રણાલી આજે પણ બોર્ડની પરીક્ષાનો બોજ વિદ્યાર્થીઓ ઉપર લાદે છે અને બોર્ડના બોજને ન ઉપાડી શકનાર ઘણા સંવેદનશીલ વિદ્યાર્થીઓ દર વરસે આપઘાત જેવા અતિ દુઃખદ પગલાં સુધી પહોંચી જાય છે. વિદેશમાં કોઈ વિદ્યાર્થી અભ્યાસના કારણે આપઘાત કરે તેવું જોવા મળતું નથી. છતાં સરકાર, શાળા સંચાલકો અને વાલીઓ વિદ્યાર્થીઓની ફી માટે મેદાને પડ્યા છે તેટલી આક્રમકતાથી વિદ્યાર્થીઓનો મનનો બોજ હળવા કરવા માટે ક્યારેય મેદાનમાં આવતાં નથી.

પરીક્ષા નજીક આવે એટલે દામોદરનો ખોરાક ઘટી જાય છે. ખોરાકને વજન સાથે સીધો સંબંધ હોવાથી પરીક્ષાની સિઝનમાં દામોદરનું વજન પણ ઘટી જાય છે. દામોદરનું ૧૦મા ધોરણનું પરિણામ આવ્યું ત્યારે ઇતિહાસમાં ઝીરો માર્ક્સ મળ્યા હતા. દામોદરને ઇતિહાસ વિષય અત્યંત કંટાળાજનક લાગતો હતો. એ ઇતિહાસના પિરિયડમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના ચિત્રને મૂછ દોરતો હોય અને બ્લૂ પેન્સિલથી એટલું બળ કરીને મૂછ દોરે કે પાછળના પાને આવેલા મહાત્મા ગાંધીજીની ટાલ ઉપર વાદળી ડાઘ પડે એ ઇતિહાસમાં પાસ થાય ખરો? અંબાલાલને જાણ થઈ કે દામોદરને ઇતિહાસમાં શૂન્ય માર્ક આવ્યા છે એટલે એ શાળામાં જઈને વર્ગશિક્ષકને મળ્યો. વર્ગશિક્ષકે કહ્યું કે તમે જ્યારે ભણતા હતા ત્યારે તમારે ઇતિહાસમાં કેટલા ગુણ આવતા હતા? અંબાલાલે કહ્યું કે મારે પણ મીંડું જ આવતું હતું. આ સાંભળીને શિક્ષકે કહ્યું કે તમે એમ માનો કે ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે.

સદરૃ અને બદરૃ નામનાં બે જોડકાં ભાઈ દામોદરના મિત્ર છે. સદરૃ અને બદરૃને બાજુબાજુમાં ઊભા રાખો તો એક જ સરખા લાગે. એકવાર આ ટ્વિન્સને જોઈને બંને માતા મુમતાઝબાનુને કોઈકે પૂછ્યું કે, આપના પતિનો વ્યવસાય શું છે? ત્યારે મુમતાઝબહેને ભોળાભાવે કહ્યું હતું કે ઝેરોક્ષ કોપી કરે છે.

એક જમાનામાં આ લખનાર પણ થાનગઢ શહેરમાં ઝેરોક્ષ સેન્ટર ચલાવતો હતો. મારા ગ્રાહકો મારા જેટલા જ બુદ્ધિશાળી હતા. એ મને ખરેખર પૂછતા હતા કે અંગ્રેજીમાં પણ ઝેરોક્ષ કરો છો? આ સાંભળીને હું જવાબ આપતો કે જાપાનનું મશીન લાવ્યો છું એટલે અંગ્રેજીમાં પણ ઝેરોક્ષ થાય છે.

સદરૃદ્દીન અને બદરૃદ્દીન બંને સગાં ભાઈઓ હોવાથી બંનેના પિતા એક જ હોય તે સ્વાભાવિક છે અને બંનેની અટક પણ એક જ હોય તે સમજી શકાય એવું છે. આ બંને ભાઈઓ માત્ર બે મિનિટના ફરકમાં જન્મ્યા હતા. સદરૃ બદરૃ કરતાં બે મિનિટ મોટો હોવાથી બને એક જ ધોરણમાં ભણતા હતા. સદરૃ માત્ર બે મિનિટ વહેલો આવ્યો એમાં ભણવામાં ખૂબ જ હોશિયાર થયો અને બદરૃ બે મિનિટ મોડો પડ્યો એમાં સાવ ‘ઢ’ જેવો જ રહ્યો. નવમા ધોરણ સુધી તો સ્થાનિક પરીક્ષાઓ લેવાય એટલે બદરૃદ્દીનની બગી ઊભી ન રહી, પરંતુ દસમાની પરીક્ષા આવી અને બદરૃના માથે બોધરેશન સવાર થયું. અંબાલાલનો સુપુત્ર દામોદર બદરૃદ્દીન સાથે તંદુરસ્ત સ્પર્ધા કરી શકે એવો ઠોઠ છે તેથી દામોદરને બદરૃ સાથે મઝા આવે એટલી સદરૃ સાથે ન આવે.

સદરૃ અને બદરૃની અટક એક હોવાથી બોર્ડની પરીક્ષામાં બંનેનો બાજુબાજુમાં નંબર આવ્યો. આગળની બેન્ચ પર સદરૃ અને પાછળની બેન્ચ ઉપર બદરૃ. પરીક્ષકે પ્રથમ ઉત્તરવહીઓ વહેંચી દીધી. ત્યાર બાદ દરેક વિદ્યાર્થીએ પોતાનું નામ, પિતાનું નામ, અટક, વિષય અને પરીક્ષા ક્રમાંક અર્થાત્ સીટ નંબર બરાબર લખ્યા છે કે નહીં તે જોવા માટે નીકળ્યા તો બદરૃ પાસે આવીને અટકી ગયા.

પરીક્ષક સદરૃ અને બદરૃને બરાબર ઓળખતા હતા. એ બંનેના પિતા મુબારક અલીને પણ ઓળખતા હતા. સદરૃએ પિતાના નામમાં સાચું નામ મુબારકઅલી જ લખ્યું હતું, પરંતુ બદરૃએ રમઝાનઅલી લખ્યું હતું. પરીક્ષકે કહ્યું કે તારા પિતાજીનું નામ રમઝાનઅલી છે? બદરૃએ કહ્યું કે, ના. મારા પિતાનું નામ મુબારકઅલી છે. આ સાંભળીને શિક્ષકને વધુ આશ્ચર્ય થયું. એમણે પૂછ્યું કે તો પછી તેં ખોટું નામ કેમ લખ્યું છે? ત્યારે બદરૃ બોલ્યો કે સદરૃએ મુબારકઅલી લખ્યું છે અને હું પણ મુબારકઅલી લખું તો તમને એમ થાય કે મેં સદરૃમાં જોઈને કોપી કરી છે.

બદરૃ આટલો બધો બુદ્ધિશાળી હતો અને દામોદર બદરૃ કરતાં પણ આગળ હતો. માર્ચ મહિનો હોશિયાર વિદ્યાર્થીઓ માટે ઠંડી હવા લઈને આવે છે અને ઠોઠ નિશાળિયાઓ માટે અંગ દઝાડતી લૂ લઈને આવે છે. જેમ પરીક્ષાના દિવસો નજીક આવતા ગયા એમ સદરૃ રાજી થતો ગયો અને બદરૃ-દામોદર બંને દુઃખી થતા ગયા. અંતે પરીક્ષા પૂરી થઈ અને વૅકેશન શરૃ થયું. વિદ્યાર્થીઓને પરીક્ષા પૂરી થાય એટલે સ્વર્ગના આનંદની અનુભૂતિ થાય છે. કોઈ વિદ્વાને કહ્યું કે, સુખનો સમય ઝડપથી પસાર થઈ જાય છે અને દુઃખના દિવસો જતા વાર લાગે છે. ઠોઠ નિશાળિયા માટે વૅકેશનમાં બે મહિના પણ ઝડપથી જતા રહે છે અને પરીક્ષા સમયે બે દિવસ પણ બે વરસ જેવા લાગે છે.

અંતે પરિણામનો દિવસ આવ્યો. દામોદર અને બદરૃના ટેન્શનનો પાર નથી અને સદરૃ પરિણામ જાણવા માટે તલપાપડ થયો. રિઝલ્ટ લેવા જવાનું થયું ત્યારે બદરૃએ સદરૃને કહ્યું કે મને પેટમાં દુઃખે છે એટલે હું પરિણામ લેવા આવતો નથી. તું મારું પરિણામ પણ લેતો આવજે. બંને દેખાવમાં સાવ સરખા લાગે એટલે શિક્ષક પણ ભૂલ ખાઈ જાય એવું હતું.

Related Posts
1 of 29

બદરૃ ભલે ભણવામાં નબળો હતો, પરંતુ બીજી બધી બાબતમાં ખૂબ જ હોશિયાર હતો. એણે સદરૃને કહ્યું કે હું ઓછામાં ઓછો એક વિષયમાં અથવા વધુમાં વધુ બે વિષયમાં નપાસ થવાનો છું. તું પરિણામ લઈને આવે એટલે પપ્પા બાજુમાં બેઠા હોય અને હું નપાસ થયો છું એવી ખબર પડે તો ઠપકો સાંભળવો પડશે. જો પપ્પા પોતાના ધંધાના કોઈ ટેન્શનમાં હોય અને મારા પરિણામના માઠા સમાચાર મળે તો કદાચ માર પણ ખાવો પડે.

તો શું કરીશું? સદરૃએ પૂછ્યું.

આપણે આઇડિયા મારીએ. જો હું એક વિષયમાં નપાસ થયો હોય તો તારે આવીને એમ બોલવાનું કે બદરૃને એક ઈસ્માઈલીએ ‘યા અલી મદદ’ કહ્યા છે અને જો બે વિષયમાં નપાસ થયો હોય તો એમ કહેજે કે બદરૃને બે ઈસ્માઈલીએ ‘યા અલી મદદ’ કહ્યા છે. અંતે સદરૃ આવ્યો. બદરૃનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. સદરૃ હોશિયાર હોવાથી નિશાળમાં સૌથી પ્રથમ આવ્યો હતો. બદરૃએ પોતાનું પરિણામ જાણવા માટે સદરૃને ઇશારો કર્યો ત્યારે સદરૃ બોલ્યો કે ઈસ્માઈલીઓની આખી જમાતે બદરૃને ‘યા અલી મદદ’ કહ્યા છે.

બદરૃ એક પણ વિષયમાં પાસ નહોતો, એવી જ હાલત દામોદરની હતી. દામોદર વળી બદરૃ કરતાં પણ વધુ ચાલાક નીકળ્યો. અંબાલાલે દામોદરને પૂછ્યુંઃ તું પાસ થયો કે નપાસ થયો? આ સાંભળીને દામોદર બોલ્યો કે તમે આપણા મામલતદાર રાવલસાહેબને ઓળખો છો? અંબાલાલે કહ્યું કે હા, મેં એમને જોયા છે. ત્યાર બાદ દામોદર બોલ્યો કે રાવલસાહેબનો ચિન્ટુ નપાસ થયો બોલો.

અંબાલાલ કહે, રાવલસાહેબનો ચિન્ટુ ભલે નપાસ થયો. મારે રાવલના ઘેર ચાવલ માગવા જવાનું નથી. તું તારું શું થયું તે કહે. આ સાંભળીને દામોદર બોલ્યો કે તમે આપણા કલેક્ટર શર્માસાહેબને ઓળખો છો? અંબાલાલે કહ્યું કે હા… મેં એમને પણ એક-બે વખત જોયા છે. ત્યાર બાદ દામોદર બોલ્યો કે શર્માસાહેબનો પિન્ટુ પણ નપાસ થયો છે.

આ વખતે તો અંબાલાલ ખીજાઈ ગયો. એણે કહ્યું કે, ચિન્ટુ કે પિન્ટુ પાસ થાય કે નપાસ થાય તેમાં મારા બાપના કેટલા ટકા? મને તારા પરિણામમાં રસ છે, કારણ આપણે જે કંપનીના શૅરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય એના ભાવની ચિંતા હોય છે માટે તું પાસ થયો કે નપાસ તે કહે.

બાપને અચાનક ગુસ્સે થયેલો જોઈને દામોદરે બોમ્બ ફોડ્યો કે મામલતદારનો છોકરો નપાસ થાય, કલેક્ટરનો છોકરો નપાસ થાય તો તમે કયા વડાપ્રધાન હતા કે હું પાસ જઈ જાઉં! હું પણ નપાસ થયો છું.

અત્યારે બોર્ડની પરીક્ષાઓનો સમય ચાલે છે ત્યારે મને વાંચતા તમામ વાલીઓને વિનંતી કરી દઉં કે આપના બાળકની અન્ય કોઈ બાળક સાથે ક્યારેય સરખામણી ન કરશો. બાજુવાળા ચંપકલાલનો ચંદુ નેવું ટકા લાવ્યો તો તમારો નંદુ પણ નેવું ટકા લાવે એવું શક્ય નથી. સાઢુભાઈની શિલા ૮૦ ટકા લાવી તો તમારી ઈલા પણ ૮૦ ટકા લાવે એવું અશક્ય છે. કારણ મર્સિડીઝ, ઓડી અને બીએમડબ્લ્યુ ત્રણેની એવરેજ સરખી હોય જ નહીં, કારણ કે ત્રણેનાં એન્જિન અલગ છે. ઘણીવાર ખૂબ ઓછી એવરેજ આપતી ગાડી સગવડ અને સલામતી માટે ખૂબ જ વિશ્વાસુ સાબિત થતી હોય છે. તેવી જ રીતે તમારું બાળક દસમા કે બારમામાં ઓછા ટકા લાવે અથવા નાપાસ થાય છતાં જીવનમાં ખૂબ આગળ વધી શકે છે. એ મોટું થઈને તમને ખૂબ પ્રેમ આપી શકે છે. કદાચ એટલો પ્રેમ ૯૦ ટકા લાવનાર ચંદુ કે ૮૦ ટકા લાવનાર શિલા પણ આપી શકવાની નથી.

બિલગેટ્સ ક્યારેય ટોપ ટેનમાં આવ્યા નહોતા, પણ એમની કંપનીમાં વિશ્વની પ્રખ્યાત યુનિવર્સિટીઓના ટોપર્સ નોકરી કરે છે. આપણા ધીરુભાઈ અંબાણી ભણવામાં હોશિયાર નહોતા છતાં એમની કંપનીમાં નોકરી કરવા માટે ટોપર્સ વિદ્યાર્થીઓ પડાપડી કરે છે. સચિન તેંડુલકર નપાસ થયો હતો, મોરારિબાપુ ત્રણ વખત નાપાસ થયા હતા. અમિતાભ બચ્ચનના અવાજ ઉપર આખું વિશ્વ ફિદા છે તે આકાશવાણીના અવાજની પરીક્ષામાં નાપાસ થયા હતા.

આ બધા તો મહાન છે. હું તમને એક મામૂલી માણસનો દાખલો આપું. આ લખનાર ખુદ બે વખત નાપાસ થયો હતો અને ત્યાર બાદ ત્રણ વખત પીએચ.ડી. થયો છે. આપના બાળકોનો બોજ વધે એવું કશું જ ન કરવા મારા  વાચક વાલીઓને વિનંતી કરું છું.

——————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »